Homeદેશ વિદેશવિકલાંગો અને તેઓની સંસ્થાઓને રાષ્ટ્રીય અવૉર્ડ

વિકલાંગો અને તેઓની સંસ્થાઓને રાષ્ટ્રીય અવૉર્ડ

શનિવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિન નિમિત્તે વર્ષ ૨૦૨૧ અને વર્ષ ૨૦૨૨ના રાષ્ટ્રીય વિકલાંગ સશક્તીકરણ પારિતોષિકો એનાયત કયાર્ં હતાં. (તસવીર: પીટીઆઈ)

નવી દિલ્હી: વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરનારા બાવન વિકલાંગો અને વિકલાંગ કલ્યાણ સંસ્થાઓને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે રાષ્ટ્રીય પરિતોષિકો એનાયત કરવામાં આવ્યાં હતાં. પારિતોષિકો મેળવનારા વિકલાંગોમાં સરકારી ઇમારતોમાં વિકલાંગો માટે સુવિધાઓ માટે કાર્યરત ૬૬ વર્ષીય મૃદુરામ ગોયલ (વ્હીલચૅરમાં ફરતા) અને વિશ્ર્વમાં સૌથી વધુ સવલતભરી ઇલેક્ટ્રોનિક બ્રેઇલ બુક વિકસાવનારાં ૨૯ વર્ષીય દૃષ્ટિહીન મહિલા વિદ્યા વાયનો સમાવેશ છે.
શનિવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિન નિમિત્તે વર્ષ ૨૦૨૧ અને વર્ષ ૨૦૨૨ના રાષ્ટ્રીય વિકલાંગ સશક્તીકરણ પારિતોષિકો એનાયત કર્યાં હતાં. પારિતોષિકો પ્રાપ્ત કરનારા ગુજરાતીઓમાં સ્પોર્ટ્સમાં વિકલાંગોની નૌકાવહન (કેનોઇંગ)ની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારાં પૂજા ઓઝા અને પચીસ વર્ષીય બધિર યુવાન અતુલ જાયસ્વાલનો સમાવેશ છે. ૪૯ વર્ષીય દૃષ્ટિહીન હિમાંશુ સોમપુરાને ‘શ્રેષ્ઠ દિવ્યાંગજન’ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં પક્ષીઓ તથા વન્યજીવોની ગણતરીમાં સહભાગી થયેલા ૬૦ વર્ષીય બધિર મનોજ પૈને પણ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. તેમણે ખગોળશાસ્ત્ર અને રોકેટ સાયન્સનાં ક્ષેત્રોના વિકલાંગોને સહાય તથા પ્રોત્સાહન આપ્યા હતા. વિકલાંગ કલ્યાણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ અમર જ્યોતિ ચેરિટેબલ ટ્રસ્ટ, ઉત્તરાખંડ ઓપન યુનિવર્સિટી, બળવંતરાય વિદ્યાભવન અને એક્સેન્ચર સોલ્યુશન્સનો સમાવેશ છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શનિવારે શિક્ષણમાં ભાષા સંબંધિત અવરોધોને દૂર કરવા અને વિકલાંગ બાળકો માટે શિક્ષણને વધુ સુલભ બનાવવા માટે ટૅકનોલૉજીના મહત્તમ ઉપયોગ પર ભાર મૂક્યો હતો.
તેમણે વિકલાંગ વ્યક્તિઓના આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે ૨૦૨૧ અને ૨૦૨૨ માટે વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કર્યા હતા. સભાને સંબોધતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રના એક અંદાજ મુજબ વિશ્ર્વમાં એક અબજથી વધુ લોકો વિકલાંગ છે. તેનો અર્થ એ છે કે વિશ્ર્વમાં લગભગ દરેક ૮મી વ્યક્તિ કોઈને કોઈ સ્વરૂપે વિકલાંગતા ધરાવે છે. ભારતની બે ટકાથી વધુ વસ્તી વિકલાંગ છે. તેથી વિકલાંગ વ્યક્તિઓ સ્વતંત્ર રીતે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે તે સુનિશ્ર્ચિત કરવાની તમામની જવાબદારી બને છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે એ સુનિશ્ર્ચિત કરવું પણ આપણી ફરજ છે કે તેઓ સારું શિક્ષણ મેળવે, તેઓ ઘર અને સમાજમાં સુરક્ષિત રહે, તેમને કારકિર્દી પસંદ કરવાની સ્વતંત્રતા હોય અને રોજગારીની સમાન તકો મળે. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં વિકલાંગતાને ક્યારેય જ્ઞાન પ્રાપ્ત કરવામાં અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવામાં અવરોધ તરીકે ગણવામાં આવી નથી. શિક્ષણ એ વિકલાંગ વ્યક્તિઓ સહિત દરેક વ્યક્તિના સશક્તિકરણની ચાવી છે.
તેમણે જણાવ્યું હતું કે તેમને એ જાણીને આનંદ થયો કે શ્રવણ-ક્ષતિ ધરાવતાં બાળકો માટે ધોરણ ૧ થી ૬ માટેના એનસીઇઆરટી પાઠ્ય પુસ્તકોનું ભારતીય સાંકેતિક ભાષામાં રૂપાંતર કરવામાં આવ્યું છે. શ્રવણ-ક્ષતિ ધરાવતા વિદ્યાર્થીઓને મુખ્ય પ્રવાહની શિક્ષણ પ્રક્રિયામાં સામેલ કરવા એ એક મહત્ત્વપૂર્ણ પહેલ છે. (પીટીઆઇ)

———

વિકલાંગો માટે તક ઊભી કરવા સરકારે ઘણી પહેલ કરી છે: મોદી
નવી દિલ્હી: વિકલાંગ વ્યક્તિઓના આંતરરાષ્ટ્રીય દિવસ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું હતું કે તેમની સરકારે તેઓ માટે તકો ઊભી કરવા ઘણી પહેલ કરી છે.
તેમણે ‘દિવ્યાંગ’ લોકોના મનોબળ અને સિદ્ધિઓની પણ પ્રશંસા કરી હતી. તેમણે ટ્વીટ કર્યું કે, “અમારી સરકાર સુલભતા પર સમાનરીતે ધ્યાન કેન્દ્રિત કરે છે જે ફ્લેગશિપ પ્રોગ્રામ્સ અને નેક્સ્ટ જનરેશન ઇન્ફ્રાસ્ટ્રકચરનાં નિર્માણમાં પ્રતિબિંબિત થાય છે. હું વિકલાંગ વ્યક્તિઓના જીવનમાં સકારાત્મક તફાવત લાવવા માટે પાયાના સ્તરે કામ કરતા તમામ લોકોનો પણ સ્વીકાર કરવા માંગુ છું.
વિકલાંગ વ્યક્તિઓના અધિકારો વિશે લોકોમાં જાગૃતિ લાવવા અને તેમની સામેના પડકારોનો સામનો કરવા માટે રાજકીય ઇચ્છાશક્તિ અને સંસાધનો એકત્ર કરવા માટે ૩ ડિસેમ્બરે આ દિવસ મનાવવામાં આવે છે. (પીટીઆઇ)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -