આજ સુધી અનેક મરાઠી કલાકારોએ છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા નિભાવી છે. શિવાજી મહારાજ એક એવું વ્યકિતત્વ છે કે જે કોઈ પણ કલાકાર નિભાવે તો પણ એ ભૂમિકાનું મહત્વ જરાય ઓછું થતું નથી, પણ આ ભૂમિકા ભજવનાર કલાકાર એકદમ કસબી હોવો જોઈએ.
મરાઠી એક્ટર જ્યારે શિવાજી મહારાજની ભૂમિકા કરે ત્યારે તો સમજ્યા પણ જ્યારે એક નોન મરાઠી એક્ટર શિવાજી મહારાજની ભૂમિકા ભજવે ત્યારે પડદા પર શું જાદુ ચાલે એ વિશે આજે આપણે અહીં વાત કરીશું અને જાણીશું કે કોણ છે એ નોન મરાઠી એક્ટર કે જેણે પડદા પર શિવાજી મહારાજને સાકાર કર્યા હતા. ભારતીય રંગભૂમિ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર અનેક વર્ષોથી પોતાના નામનો ડંકો વગાડનાર એક્ટર નસીરુદ્દીન શાહે પણ તેમની કારકિર્દી દરમિયાન શિવાજી મહારાજની ભૂમિકા ભજવી હતી.
1989માં દુરદર્શન પર આવતી ભારત એક ખોજ સીરિયલના 37 અને 38માં એપિસોડમાં શિવાજી મહારાજના જીવન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને આ એપિસોડમાં શિવાજી મહારાજની ભૂમિકા નસીરુદ્દીન શાહે નિભાવી હતી. નસીરુદ્દીન શાહ એક આલા દરજ્જાના એક્ટર છે અને એટલે જ તેમણે આ ભૂમિકાને પૂરો ન્યાય આપ્યો એ કહેવાની જરૂર નથી. એક નોન મરાઠી એક્ટર હોવા છતાં પણ તેમણે મહારાજનો રૂઆબ, તેમની નજાકત, દબદબો જેવી અન્ય બીજી ઝીણી ઝીણી બાબતોને ખૂબ જ ઝીણવટથી પોતાની ભૂમિકામાં વણી લીધી હતી.
ભારત એક ખોજ 53 ભાગની એક સિરીયલ હતી, જેમાં ચાણક્ય, ચંદ્રગુપ્તથી લઈને શિવાજી મહારાજ, સ્વામી વિવેકાનંદ. મહાત્મા ગાંધી સુધી અનેક મહાત્માઓના જીવનનો અને તેમણે કરેલા કાર્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મજાની વાત તો એ છે કે આ સિરીયલમાં નસીરુદ્દીન શાહે શિવાજી મહારાજનો અને ઓમપુરીએ ઔરંગઝેબનો રોલ કર્યો હતો. આ સિવાય આ એપિસોડમાં અનંગ દેસાઈ, અચ્યુત પોતદાર જેવા અનેક કલાકારોએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો હાલમાં જ નસીરુદ્દીન શાહ કુત્તે ફિલ્મમાં જોવા મળ્યા હતા અને ત્યાર બાદ હવે તેઓ એક વેબ સિરીઝમાં પણ કામ કરતાં જોવા મળશે. આ વેબ સિરીઝ ત્રીજી માર્ચના રિલીઝ કરવામાં આવશે, જેમાં તેમની સાથે સુબોધ ભાવે અને ધર્મેન્દ્ર પણ કામ કરતાં જોવા મળશે.