(અમય ખરાડે)
મુંબઈ: શુક્રવાર ૨૮ એપ્રિલથી મુંબઈ મહાનગરપાલિકા શહેરના ૨૪ વોર્ડના પસંદ કરાયેલા કેન્દ્રો ઉપર વયસ્કો માટે નાક વાટે લઇ શકાય તેવી કોવિડ રસીની શરૂઆત કરવા જઈ રહી છે. સાવચેતી માટે કોવિડની રસી લેવા માંગતા સિનિયર સીટીઝનોને જ આ રસી મફતમાં ઉપલબ્ધ થશે તેવી જાહેરાત બીએમસીએ ગુરુવારે કરી હતી. ભારત બાયોટેક દ્વારા નિર્મિત આ રસીનું નામ ઈનકોવાક છે, અને પાલિકા અધિકારીઓએ જે કેન્દ્રો ઉપર ઉપલબ્ધ હશે તેની યાદી પણ બહાર પાડી છે. રસી સવારે ૯ થી બપોરે ૩ વચ્ચે ઉપલબ્ધ હશે. સોઈ વિનાની આ ઇન્ટ્રાનાસલ રસીના એક વાયલમાંથી બે વ્યક્તિને રસી આપી શકાય છે.
નોંધનીય છે કે આ રસીની શરૂઆત ત્યારે થઇ રહી છે જયારે ગુરુવારે મહારાષ્ટ્રમાં કવિડના નવા ૭૫૪ દર્દીઓ નોંધાયા હતા. જોકે બુધવાર કરતા તેમાં ૪%નો ઘટાડો હતો. મુંબઈમાં ૧૩૫ કેસ નોંધાયા હતા જે આગલા દિવસ કરતા ૨૭ ટકાનો ઘટાડો હતો, પરંતુ મુંબઈ, પુણે અને નાગપુરમાં પ્રત્યેક એકના હિસાબે ત્રણ મૃત્યુ નોંધાયા હતા. દૈનિક પોઝિટિવિટી દરમાં મહારાષ્ટ્ર અને મુંબઈમાં અનુક્રમે ૫% અને ૮.૬%નો ઘટાડો નોંધાયો હતો, જે બતાવે છે કે કોવિડ કદાચ થોડો હળવો થયો છે. મુંબઈની વિવિધ હૉસ્પિટલમાં ૮૯ દર્દીઓ સારવાર હેઠળ છે, જે સંખ્યા એક અઠવાડિયા પહેલા ૧૨૦ હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ સમગ્ર મહારાષ્ટ્રમાં ૨૨૯ કોવિડ દર્દીઓ હૉસ્પિટલમાં છે, જેમાંથી ૪૬ આઇસીયુમાં છે.