ગ્લોબલ વોર્મિંગ, ક્લાયમેટ ચેન્જ વગેરેની અવળી અસર પર્યાવરણ અને ઋુતુ ચક્ર પર જોવા મળી રહી છે. આની જ એક સાઈડ ઈફેક્ટ એટલે સમુદ્રનું વધતુ જળ સ્તર. વધી રહેલું આ જળ સ્તર અનેક નાના-નાના ટાપુઓ અને ઘણા દેશો માટે મોટું જોખમ બનતું જઈ રહ્યું છે.
નાસા દ્વારા આ બાબતે આપવામાં આવેલો તાજો રિપોર્ટ જરા ડરાવે એવો છે અને આ રિપોર્ટ અનુસાર છેલ્લાં 30 વર્ષમાં દરિયાની સપાટીમાં નવ સેન્ટિમીટરથી વધુનો વધારો થયો છે. સાંભળવામાં ભલે આ નવ સેમી એક નાનકડી સંખ્યા લાગે છે, પણ જ્યારે સમુદ્રની સપાટીની વાત આવે તો આ આંકડો નેગેટિવ માર્કિંગ સમાન છે અને તેની અવગણના કરી શકાય એમ નથી.
હવામાન સંસ્થા ડબ્લ્યુએમઓના તાજેતરના અહેવાલમાં પણ દરિયાની સપાટીમાં વધારો થવા બાબતે ચેતવણી આપવામાં આવી છે. આ રિપોર્ટ અનુસાર મુંબઈ, શાંઘાઈ, ઢાકા, બેંગકોક, જકાર્તા, માપુટો, ન્યુયોર્ક, લોસ એન્જલસ, બ્યુનોસ આયર્સ, સેન્ટિયાગો, કૈરો, લંડન અને કોપનહેગન જેવા વિશ્વના મોટા શહેરો પર જોખમ તોળાઈ રહ્યું છે.
લા નીના એ કુદરતી આપત્તિ છે કે જે સમયાંતરે મહાસાગરોને ઠંડુ કરવાનું કામ કરે છે, પરંતુ તેને કારણે થતાં ફેરફારો પર જો આપણે ધ્યાન આપીએ તો સમુદ્રમાં પાણીના સ્તરમાં દિવસેને દિવસે હજી પણ વધારો જોવા મળી રહ્યો છે. અનુમાન મુજબ, 2050 સુધીમાં, દરિયાની સપાટી દર વર્ષે 0.66 સેમીના દરે વધવા લાગશે.
વિશ્વ હવામાન સંસ્થાએ પણ પોતાના રિપોર્ટમાં ભારતને લઈને ચેતવણી આપી છે અને રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે સમુદ્રના વધતા જળ સ્તરને કારણે ભારતના પણ અનેક મોટા શહેરો જોખમમાં છે અને એમાં પણ રિપોર્ટ અનુસાર, ભારતના મુંબઈ શહેર પર સૌથી વધુ જોખમ તોળાઈ રહ્યું છે. 2021માં, ઇન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ (IPCC)એ તેનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટના આધારે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 2050 સુધીમાં મુંબઈ, ચેન્નઈ, વિશાખાપટ્ટનમ, તિરુવનંતપુરમ, કોચી અને મેંગલોર સહિતના અનેક શહેરો દરિયાઈ સપાટી વધવાને કારણે પાણીમાં ગરક થઈ શકે છે. જોકે, શહેરો સંપૂર્ણ રીતે ડૂબી જશે એવું રિપોર્ટમાં જણાવવામાં નથી આવ્યું પરંતુ નીચાણવાળા વિસ્તાર કે પછી દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્થિત વકરી શકે છે, એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્રણેય બાજુઓથી સમુદ્રથી ઘેરાયેલો હોવાને કારણે ભારતનો દરિયાકિનારો 7,500 કિમી જેટલો લાંબો છે. લોકો તેની આસપાસ ગીચ વસ્તીમાં રહે છે, તેથી દરિયાની સપાટીમાં વધારો હળવાશથી લઈ શકાય નહીં…