અમદાવાદઃ અમદાવાદના નરોડા ગામમાં થયેલા હત્યાકાંડ મુદ્દે સ્પેશિયલ કોર્ટે આજે ચુકાદો આપ્યો હતો. નરોડા ગામમાં 11 વ્યક્તિની હત્યા કરવાના કિસ્સામાં તમામ આરોપીને કોર્ટે નિર્દોષ જાહેર કરતા તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. 2002માં થયેલા રમખાણોમાં 11 જણનાં મોત થયા હતા, ત્યાર બાદ આ કેસમાં પોલીસ દ્વારા 86 લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં આરોપીમાં ભાજપના નેતા માયા કોડનાની, બજરંગ દળના નેતા બાબુ બજરંગી, વીએચપીના નેતા જયદીપ પટેલ સામેલ હતા. આ 86 આરોપીમાંથી અઢારનું મોત થયું છે, જ્યારે આ કેસમાં 21 વર્ષ પછી ચુકાદો આપવામાં આવ્યો હતો.
કોર્ટે ગયા અઠવાડિયા દરમિયાન સમગ્ર કેસની સુનાવણી પૂરી કરીને ચુકાદો અનામત રાખ્યો હતો, જ્યારે આજની સુનાવણીમાં તમામ આરોપીને કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.
28 ફેબ્રુઆરી, 2002ના રોજ અમદાવાદ શહેરના નરોડા ગામ વિસ્તારમાં કોમી હિંસામાં 11 લોકો માર્યા ગયા હતા. સ્પેશિયલ પ્રોસિક્યુટરના જણાવ્યા પ્રમાણે, 2010માં શરૂ થયેલી અને લગભગ 13 વર્ષ સુધી ચાલી રહેલી ટ્રાયલ દરમિયાન પ્રોસિક્યુશન અને ડિફેન્સે અનુક્રમે 187 અને 57 સાક્ષીની તપાસ કરી હતી, આ દરમિયાન 5 જજો બદલાયા હતા. સપ્ટેમ્બર 2017માં, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે માયા કોડનીના માટે બચાવ પક્ષના સાક્ષી તરીકે કોર્ટમાં હાજર થયા હતા. માયા કોડનાનીએ કોર્ટને વિનંતી કરી હતી કે ઘટનાસ્થળે તેની ગેરહાજરી સાબિત કરવા માટે અમિત શાહને સમન્સ મોકલવામાં આવે, જેથી એ સાબિત થઇ શકે કે તે ગુજરાત વિધાનસભામાં અને બાદમાં સોલા સિવિલ હોસ્પિટલમાં હાજર હતા અને નરોડા ગામ જ્યાં હત્યાકાંડ થયો હતો ત્યાં નહીં.
પ્રોસિક્યુશન દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓમાં પત્રકાર આશિષ ખેતાન દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનનો વીડિયો સૌથી મહત્વનો પુરાવો છે, જેમાં બાબુ બજરંગી કથિત રીતે મુસ્લિમોને જાતે માર્યા હોવાનું કહેતો સભળાય છે. તેમજ સંબંધિત સમયગાળા દરમિયાન કોડનાની, બજરંગી અને અન્ય લોકોની કોલ ડિટેલ્સ સામેલ છે.
સુનાવણી શરૂ થઈ ત્યારે એસએચ વોરા પ્રમુખ ન્યાયાધીશ હતા. તેઓને ગુજરાત હાઈ કોર્ટમાં પ્રમોશન મળ્યું. ત્યાર બાદ 13 તેમના અનુગામીઓ, જ્યોત્સના યાજ્ઞિક, કે. કે. ભટ્ટ અને પી બી દેસાઈ, ટ્રાયલ દરમિયાન નિવૃત્ત થયા. ત્યાર બાદ સ્પેશિયલ જજ એમ કે દવે આવ્યા હતા તેમની બદલી કરવામાં આવી. ત્યાર બાદ આવેલા જજ એસ. કે. બક્ષી સમક્ષ સુનાવણી થઇ હતી.
આજે કોર્ટમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી, જ્યારે મીડિયાને કોર્ટ પરિસરમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કોર્ટમાં આઈકાર્ડ વગર કોઈને અંદર પ્રવેશ આપવામાં આવ્યો નથી. બીજી તરફ જ્યાં આ હત્યાકાંડ થયો હતો એ નરોડા ગામમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નરોડા પોલીસ સ્ટેશનના 70 જેટલા પોલીસકર્મીઓ સુરક્ષા વ્યવસ્થામાં તહેનાત રાખવામાં આવ્યા હતા.