શિવ રહસ્ય -ભરત પટેલ
ગત સપ્તાહ સુધીનો સારાંશ: અસુરગુરુ શુક્રાચાર્ય ભગવાન શિવને મળવા કૈલાસ પહોંચી કહે છે, ‘પરમેશ્ર્વર આપ ત્રિકાળ જ્ઞાની છો, ભૂત ભવિષ્ય આપને બધું જ જ્ઞાત છે. દુર્વાસા ઋષિના શ્રાપથી આ સૃષ્ટિએ ખૂબ ગુમાવ્યું છે હું અસુરો તરફથી તમારી પાસે આશા લઈને આવ્યો છું.’તો ભગવાન શિવ કહે છે, ‘તમારી સમસ્યાનું સમાધાન હવે દેવો અને દાનવોએ સાથે મળીને જ કાઢવું પડશે અને એ સમાધાન છે સમુદ્ર મંથન. સમુદ્રમંથનમાં નીકળનારાં રત્નોની વહેંચણી દેવ અને દાનવોની યોગ્યતા પ્રમાણે કરવામાં આવશે. દાનવોને સમુદ્રમંથનમાં જોડાવા રાજી કરવાની જવાબદારી તમારી રહેશે. શુક્રાચાર્ય અસુરરાજ બલિ અને સેનાપતિ રાહુ દાનવોને સમુદ્રકિનારે જમા કરે છે. સામે પક્ષે દેવરાજ ઇન્દ્ર દેવગણો સહિત ત્યાં પધારે છે. બંને પક્ષો તૈયાર થતાં દેવર્ષિ નારદ, બ્રહ્માજી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુ ત્યાં ઉપસ્થિત થાય છે. ભગવાન શ્રીહરિ વિષ્ણુ કાચબાના સ્વરૂપે મેરુ પર્વતનો આધાર બને છે અને વાસુકી નાગ દોરડારૂપે મેરુ પર્વતને વીંટળાઈ જતાં સમુદ્રમંથનની પ્રક્રિયા શરૂ થાય છે. પ્રથમ સમુદ્રમંથનમાંથી વિષ નીકળવાં માંડ્યું. સૃષ્ટિમાં બધે હાહાકાર મચી ગયો. તપમાં લીન ભગવાન શિવને એની જાણ થતાં તેઓ સમુદ્રકિનારે પહોંચી વિષને એક કટોરામાં જમા કરી પી જાય છે. એ વિષ તેમણે તેમના ગળામાં અટકાવી રાખ્યું. તેથી તેઓ નીલકંઠ મહાદેવ તરીકે ઓળખાયા. સમુદ્રમંથન આગળ વધતાં તેમાંથી માતા લક્ષ્મી પ્રગટ થયાં અને તેમણે ભગવાન શ્રીહરિ વિષ્ણુને વરમાળા પહેરાવી. ત્યાર બાદ ચાર વેદ, નીલમણિ, કામધેનુ, કલ્પવૃક્ષ, ઐરાવત, અસ્ત્ર, શંખ અને અપ્સરાઓ પ્રગટ થતાં દેવ અને દાનવોની યોગ્યતા પ્રમાણે આ બધી વસ્તુઓની વહેંચણી થઈ. અંતે સમુદ્રમંથનમાંથી અમૃતનો કળશ નીકળતાં જ અસુરો સમુદ્રમંથન છોડી તેને મેળવવા પડાપડી કરે છે. ભગવાન વિષ્ણુ અપ્સરા મોહિનીનું રૂપ લઈ અસુરો પાસે પહોંચી કહે છે,‘અમૃત કળશનું અમૃત દેવતાઓને મળી નથી રહ્યું અને તમને અશુદ્ધ લોકોને આ અમૃત કેવી રીતે મળી શકે? પહેલાં તમે બધા અસુરો સમુદ્રમાં સ્નાન કરી શુદ્ધ થઈ આવો તો બાદમાં હું બધા અસુરોને વારાફરતી અમૃત પિવડાવીશ.’ આટલું કહેતાં જ ઓછી બુદ્ધિવાળા અસુરો સમુદ્રમાં સ્નાન માટે દોડવા માંડ્યા. પણ બુદ્ધિશાળી રાહુને કંઈક અજુગતું થઇ રહ્યું છે એવું લાગતાં તે અસુરોને છોડી દેવતાઓનો વેશ ધારણ કરી દેવગણોમાં સામેલ થઈ ગયો. ત્યાં ભગવાન શ્રીહરિ વિષ્ણુ અપ્સરાના વેશમાં દેવગણોને અમૃતપાન કરાવી રહ્યા હતા. દેવગણોની મધ્યમાં રાહુ દેવોના વેશમાં અમૃતપાન કરવા જતાં જ સૂર્યદેવ અને ચંદ્રમા તેને ઓળખી જાય છે અને બરાડી ઊઠે છે કે આ તો અસુર છે. પણ ત્યાં સુધીમાં અમૃતનાં થોડાં ટીપાં કળશમાંથી તેના મોઢામાં પડી જાય છે અને તે તેને ગળવાની કોશિશ કરતાં ક્રોધિત ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર રાહુનું માથું ધડથી અલગ કરી નાખે છે પણ ત્યાં સુધીમાં તેનું માથું અમર થઈ ગયું હોય છે.
* * *
કપાઈ ગયેલા માથાવાળો રાહુ કહે છે, ‘સૂર્યદેવ અને ચંદ્રમા તમારા કારણે મારી આ અવદશા થઈ છે હું તમને છોડીશ નહીં. એટલું કહી તે સૂર્યદેવ અને ચંદ્રમા પાછળ દોડે છે. ગભરાયેલી સૂર્યદેવ અને ચંદ્રમા ભગવાન શિવ પાસે પહોંચે છે.
સૂર્યદેવ: ‘ત્રાહિમામ, મહાદેવ ત્રાહિમામ, આ રાહુ અમારી પાછળ પડ્યો છે, તમે જ ન્યાય કરો.’
રાહુ: ‘અવશ્ય મહાદેવ મને તમારા પર વિશ્ર્વાસ છે તમે જરૂર ન્યાય કરશો.’
ભગવાન શિવ: ‘શાંત રહો, તમારા ત્રણેની ભૂલ છે. શ્રીહરિ વિષ્ણુ અમૃતને સમાન ભાગે દેવગણો અને અસુરોમાં વહેંચવાના હતા તો સૂર્યદેવ અને ચંદ્રમા તમે શ્રીહરિ વિષ્ણુને કેમ ઉશ્કેર્યા, અને રાહુ તમે એટલા અધિરા બની ગયા અને દેવગણોનો વેશ ધારણ કરી શ્રીહરિ વિષ્ણુને છેતર્યાં, તમને ત્રણેયને દંડ મળશે.
રાહુ: ‘મને તમારો દંડ માન્ય છે.’
સૂર્યદેવ: ‘અમને પણ તમારો દંડ માન્ય છે.’
ભગવાન શિવ: ‘રાહુ તમે અમૃત પી લીધું છે એટલે અમર રહેશો પણ ભગવાન શ્રીહરિ વિષ્ણુનો દંડ મળ્યો હોવાથી તમે યુગોના યુગો આ અવસ્થામાં જ રહેશો હવેથી તમારું મુખ રાહુ અને ધડ કેતુ કહેવાશે. અને સૂર્યદેવ અને ચંદ્રમા તમારા કારણે રાહુની આ દશા થઈ, સમય સમય પર રાહુ અને કેતુ તમને ગ્રહણ લગાવતા રહેશે.’
સૂર્યદેવ: ‘પણ મહાદેવ ગ્રહણ લાગતા અમે અંધકારમાં ડૂબી જશું, સૃષ્ટિનું સંતુલન બગડી જશે, રક્ષા કરો મહાદેવ.’
ભગવાન શિવ: ‘નહીં ઘણા સમયે અને થોડા સમય માટે જ ગ્રહણ લાગશે, જેથી સૃષ્ટિનું સંતુલન નહીં બગડે.’
* * *
સામે સમુદ્રકિનારે વિદ્યમાન ભગવાન શ્રીહરિ વિષ્ણુ ક્રોધિત થાય છે અને કહે છે:
શ્રીહરિ વિષ્ણુ: ‘બલિ આ શું છે? રાહુએ ફક્ત દેવગણોને નહીં, અસુરોને પણ છેતર્યા છે.’
રાજા બલિ: ‘પ્રભુ, અસુરોનું પ્રતિનિધિત્વ હું કરી રહ્યો હતો, આ મારી અસફળતા છે કે અસુરોને નિયંત્રિત ન કરી શક્યો, મેં પહેલા જ કહ્યું હતું કે અસુરો તરફથી કોઈ યુક્તિ નહીં અજમાવાય, હું અસફળ રહ્યો પ્રભુ, મારી વિનંતી છે કે તમે અમને દંડિત કરો અને અમૃત દેવગણોમાં વહેંચી દો.’
શુક્રાચાર્ય: ‘બલિ… તમે શું બોલી રહ્યા છો તમને ખબર છે?’
રાજા બલી: ‘હા ગુરુદેવ, હું અસુરોને નિયંત્રિત ન કરી શક્યો, શ્રીહરિ તમે આ અમૃત દેવગણોને આપી દો.’
ભગવાન શ્રીહરિ વિષ્ણુ અમૃત કળશ દેવગણોને આપી ત્યાંથી વિદાય લે છે. પરિસ્થિતિ વિકટ બની ગયેલી જોઈ શુક્રાચાર્ય તુરંત કૈલાસ પહોંચે છે.
શુક્રાચાર્ય: ‘મહાદેવ રાજા બલિના કહેવાથી શ્રીહરિ વિષ્ણુ અમૃત કળશ દેવગણોને આપી ચાલી ગયા છે. એક ગુરુ હોવાને નાતે મારી ફરજ છે કે અસુરોની રક્ષા કરવી અને માન સન્માન અપાવવું.’
ભગવાન શિવ: ‘શુક્રાચાર્ય, તમારી વાત સાચી છે પણ અસુરોએ ક્યારેય તેમના ગુરુનું માન જાળવ્યું નથી, તમને ઘણી વખત અપમાનીત કર્યા છે, જે લોકો પોતાના ગુરુનું માન સન્માન જાળવી ન શકે તેઓ ક્યારેય સફળ થતા નથી. શુક્રાચાર્ય, સમુદ્રમંથન સમાપ્ત થઈ ગયું છે, સૃષ્ટિમાં શ્રીહરી આવી ગયા છે, તમારી સંજીવની વિદ્યા પણ તમને મળી ગઈ છે, જાઓ ફરી પાછા અસુરોના ઉત્કર્ષ માટે કાર્યરત થાઓ, હું તમારી સાથે છું તમને અન્યાય નહીં થવા દઉં.’
ભગવાન શિવ તરફથી આશ્ર્વાસન મળતાં અસુર ગુરુ શુક્રાચાર્ય કૈલાસથી વિદાય લે છે.
* * *
સમુદ્ર કિનારે દેવગણો અમૃત મેળવીને ઉત્સાહિત થઈ જાય છે અને દેવરાજ ઈન્દ્ર રાજા બલિને કડવા વેણ કહે છે. કડવા વેણ સાંભળી ભગવાન શિવનું હૃદય દ્રવિત થઈ જાય છે અને તેઓ દેવરાજ ઈન્દ્રને પાઠ ભણાવવા મક્કમ બની અસુર વેશ ધારણ કરી તેમની સમક્ષ ઉપસ્થિત થાય છે અને કહે છે: ‘અમારા અસુર શ્રેષ્ઠ રાજા બલિને કેમ આવું કહો છો?’
કોઈક અસુર ત્યાં આવેલો જોઈ દેવરાજ ઈન્દ્ર કહે છે: ‘કોણ છે તું? મારી સમક્ષ નજર નીચી રાખીને વાત કર તને ખબર છે હું કોણ છું?’
ભગવાન શિવ (અસુર વેશમાં): ‘મહાશય તમે કોઈપણ હોવ,અજ્ઞાની જરૂર છો.’
દેવરાજ ઈન્દ્ર: ‘બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ મને દેવતાઓનો રાજા કહે છે, હું ખૂબ શક્તિશાળી છું.’
ભગવાન શિવ (અસુર વેશમાં): ‘પોતાને દેવરાજ ઈન્દ્ર કહેવાવાળા મહાશય તમે જો શક્તિશાળી હોવ તો આ ઘાસના તણખલાને તમારી એક ફૂકથી ઉડાડી બતાવો.’ (ક્રમશ:)