ઊડતી વાત -ભરત વૈષ્ણવ
લગ્ન એક કૉમેડી શૉ છે, જેની લોંગ લાસ્ટિંગ લાઇફ ટાઇમ અસર હોય છે!! લગ્ન એ ‘ધી કપિલ શર્મા’ કે લાફટર ચેલેન્જ, કરતાં પણ વધુ કોમિક વેલ્યૂ ધરાવતો શૉ છે. એકતા કપૂરની સિરિયલ જેવા આરોહ, અવરોહ, થ્રિલ , સસ્પેન્સ, હોરર, જેવા તમામ એલિમેન્ટ મૌજુદ હોય છે. કોઇ છોકરા છોકરીની સગાઇ થાય એટલે સફર લગ્ન સુધી પહોંચશે તેની કોઇ ગેરંટી કે વોરંટી હોતી નથી. હોરર ફિલ્મમાં ભૂત, પ્રેત, ચૂડેલ, ડાકણ, જીનાત, ખવીસ ( આ વિલનોના નામ છે, જે ભૂતલોકમાં વિધ્યમાન હોય છે. આમ, તો નરસિંહ મહેતા કહે છે તેમ નામ રૂપ જુજવા હોય છે. અંતે તો હેમનું હેમ એટલે કે અતૃપ્ત વાસનાત્મક – વાયુસ્વરૂપ આત્મા હોય છે!!) પ્રવૃત્તિશીલ થાય છે, જેનો મકસદ સગાઈનો ધી ઍન્ડ થઇ જાય તેવો
હોય છે!!
લગ્નને લાકડાના લાડું કહે છે. લગ્નને લાકડાના લાડું કેમ કહે છે તે મહત્ત્વનો અને સળગતો સવાલ છે. લગ્નને ભાખરવડી કેમ ગણવામાં આવતી નથી ? તે અંગે મારો નિર્દોષ છૂટાછેડા જેવો વાંધો છે. અલબત, અમારા વાંધાને ઘરમાં એઝ વેલ ઘર બહાર નહિવત્ અહેમત આપવામાં આવે છે તે વાત અલગ છે!! જો લાકડાનો સંબંધ ચાવવા સાથે હોય તો ‘લોઢાના ચણા ચાવવા’ એવી પણ કહેવત છે. ‘જે મોઢે પાન ચાવ્યા હોય તે કોલસા કેવી રીતે ચાવે’ એમ પણ કહેવાય છે. મુજ વીતી તુજ વીતશે, ધીરી ખમ બાપુડિયા, એમ અનુભવી અને સર્ટિફાઇડ મુરતિયા લગ્નોત્સુક મુરતિયાને અનુભવસિદ્ધ સલાહ આપે છે. લગ્ન માટે એવું પણ કહેવાય છે કે લગ્નની જોડી ઉપરથી )(ઉપરથી એટલે સ્વર્ગમાં એમ સમજવું ઉપર એટલે પહેલા કે બીજા માળે નહીં તેમ સમજવું.
આ તો જેનો ઉપલો માળ ખાલી છે તે ગેરસમજ ન કરે એટલે મારે મમરો મૂકવો પડે છે. શું સમજ્યા ભૈ?) નક્કી થયેલી હોય છે. નીચે એટલે મૃત્યુલોક-પૃથ્વી પર વિધિ થાય છે. લગ્નની કંકોતરી, આમંત્રણ, નિમંત્રણ, ન્યૌતા, ઇન્વિટેશન કયાં લખાય છે તેનો ફોડ પાડવામાં આવેલ નથી. શક્ય છે આકાશ, પાતાળ કે પૃથ્વીને બદલે કંકોતરી મંગળ પર લખવામાં આવતી હોય પણ ખરી!!!
લગ્નમાં સૌથી વધુ પીડા, તકલીફ, મુશ્કેલી, યંત્રણા દીકરીનો બાપ ઉઠાવે છે. એની દશા ગરીબ કી જોરું સબ કી ભાભી જેવી હોય છે. દીકરીના બાપને ફૂટબોલ ગણી સૌ કોઇ કીક મારી ગોલ પોસ્ટમાં નાખી ગોલ કરવા ઇચ્છે છે!! જયાં સુધી દીકરીની જાનને વિદાય ન થાય ત્યાં સુધી તેનો જીવ તાળવે ચોંટેલો હોય છે, જેને આધ્યાત્મિક ભાષામાં બ્રહ્મરંધ્રમાં કહેવાય છે!! છોકરાના બાપને જેન્તીલાલ જલ્સા કર જેવી પાંચે આંગળી ઘીમાં હોય છે!! લગ્ન માટેની આતુરતા, તીવ્રતા, તાલાવેલી માત્ર અને માત્ર વર અને ક્ધયાને હોય છે. જે સારા કામમાં સો વિઘ્નો નામ માત્રથી બિચારા બાપડા સસલાની જેમ ફફડતા હોય છે. જોકે, અંતે બાળ વાર્તાની જેમ, ખાધું, પીધું ને તારાજ કર્યું એ ટાઇપનો હેપી એન્ડિંગ હોય છે. લડકે લોગ બજાવો તાલી!!
લગ્નમાં પહેલી બબાલ કયાં થાય તેની ખબર છે?? લગ્નની કંકોતરી ફાઇનલ કરવી એ મંગળ ગ્રહની યાત્રા પૂરી કરવા બરાબર છે. લગ્નની કંકોતરીમાં એટલા નામો લખેલા હોય છે કે એ લગ્નની કંકોતરી છે કે મતદાર યાદી કે વસ્તી ગણતરીની યાદી છે તેની લગીરે ખબર પડતી નથી!!!
પુખ્ત વયની વ્યક્તિ કરતાં ટહુકો કરતા બાવીસ વરસના બાબા- બેબીની કાલીઘેલી-તોતલી ભાષાનું લિસ્ટ મોટું હોય છે, જેમ ‘પ્રીત પિયું ને પાનેતર’ નામના એવરગ્રીન નાટકમાં બાવીસ વરસનો બાબો નાટકના સિલ્વર જ્યુબિલી વરસે પણ બાવીસ વરસનો જ હતો, બોલો કાંઇ કહેવું છે??
લગ્નની કંકોતરીમાં કોના નામ લખવા અને કોના નામ ન લખવા એ ચૂંટણી સમયે ઉમેદવારને ટિકિટ ફાળવવા કરતાં અગ્નિ પરીક્ષા સમાન છે. તમારા સગા દુશ્મન હોય, તમારી સાથે સાત પેઢીથી સંબંધ ન હોય છતાં તેનું નામ ન લખો એટલે એક વધુ મહાભારત લગ્નક્ષેત્રે ખેલાઇ જાય. ઘણીવાર વિરોધ ખાતર વિરોધ હોય છે.!!!
કંકોત્રીમાં નામની પોઝિશન બાબતે પણ ખેંચતાણ રહે છે!! મારું નામ નીચે કેમ લખ્યું અને પેલાનું નામ ઉપર કેમ લખ્યું એનું ઇતરેતર દ્વન્દ્વ લગ્ન પૂરા થાય પછી પણ ચાલુ રહે છે!! શેકસપિયર કહે છે કે નામમાં શું રાખ્યું છે?? ધનજી નિર્ધન હોય છે. ચિરાયુ અલ્પાયુ હોય છે.
નરસિંહ મહેતા પણ કહે છે કે ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવા અંતે તો હેમનું હેમ હોય!! અલબત, લગ્નની કંકોત્રીમાં નામ ઉપરાંત બીજા મુદ્દા પણ ફૂટબોલની જેમ ઊછળતા રહે છે. જેમ કે વરપક્ષને મળતી પહેરામણી પણ નારાજગીનું એપિસેન્ટર બની રહે છે!! લગ્ન પહેલાં, લગ્ન અને લગ્ન પછી ફોઇ-ફુઆ અસંતુષ્ટ વિધાયક કે કાર્યકરની ભૂમિકા ભજવે છે, જે શિરદર્દ બની રહે છે. તેમના માટે કોપભવનમાં જવાનું લસણ છોલવા જેટલું સરળ હોય છે!!
સરકારી કાર્યક્રમોમાં સામાન્ય રીતે વિપક્ષના વિધાયક કે સાંસદ સહિતના પદાધિકારીની બાદબાકી કરવામાં આવે છે, ઘણીવાર શાસકપક્ષના પદાધિકારીના નામ મિસ્ટર ઇન્ડિયાની જેમ અદ્રશ્ય થાય ત્યારે સ્ફોટક પરિસ્થિતિ બને છે!! આ વિવાદ અનંત અને નિરંતર ચાલે છે!!! કોઇ પક્ષ તલવાર મ્યાન કરતા નથી અને યુદ્ધવિરામ થતો નથી. એટલે જ કહેવાય છે કે સારા કામમાં સો વિઘ્નો.
અલબત, દર વખતે સો વિધ્નો આવે એ જરૂરી નથી ક્યારેક વિઘ્નો સોનો આંકડો પણ પાર કરે છે.ક્યારેક જમણવાર, ક્યારેક ફોટો આલ્બમ, ક્યારેક ડીજે, ક્યારેક રિસેપ્શન, કંઇ વાતે કોને – કેવા પ્રકારનો, સ્થાયી કે
અસ્થાયી વાંધો પડશે તે કોઇ જ્યોતિષી પણ ગ્રહોની ચાલ જોઇને આગાહી કરી શકે નહીં.
કંકોતરીમાં નામ ન લખવાના કારણે વેરના વાવેતર થાય. પણ કંકોતરીમાં નામ લખશો તો જોયા જેવી થશે!! તેવી ધમકી આપી. મૂકેશભાઈના પુત્રના ફેબ્રુઆરી-૨૦૨૩માં લગ્ન હોવાથી આમંત્રણ પત્રીકા છપાવવાની તૈયારી ચાલતી હતી. કીર્તિભાઈના પિતા ફરિયાદીના કાકા થતા હોવાથી તેઓ
પુત્રના લગ્નની કંકોતરીમાં કાકાનું નામ લખવા માગતા હતા. બીજી તરફ કીર્તિભાઈ તેમના પિતાનું નામ લગ્નની કંકોતરીમાં ના લખવા માટે ફરિયાદીને જણાવતા હતા.
આ બાબતે ફરિયાદી મુકેશભાઈએ કીર્તિભાઈને સમજાના આગેવાનો મારફતે સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ માન્યા ન હતા. દરમિયાનમાં કીર્તિભાઈએ ફરિયાદીને ફોન કરી અપશબ્દો બોલીને ધમકી આપી કે, તારા ગગાના લગ્નની કંકોતરીમા મારા સગા પિતાનું નામ લખ્યું છે તો આ જોટાળી તારી સગી નહીં થાય. તને ઊભો ને ઊભો ભડાકે દઇ દઇશ!!!!!
બોલો, લગ્ન લેનાર કરે તો કયા કરે ?? નામ ન લખે તો લખે તકલીફ અને લખે તો પણ તકલીફ !!!