મુંબઈઃ એક તરફ જ્યાં આજે આખી દુનિયા પ્રેમના પર્વની ઊજવણી કરી રહી છે ત્યાં બીજી બાજું આ જ દિવસનો લાભ લઈને યુવતીઓને છેડતી કરનારા નરાધમોની પણ કોઈ કમી નથી. પરંતુ મુંબઈના નાલાસોપારામાં વેલેન્ટાઈન્સ ડેના દિવસે કુછ તુફાની કરવા ગયેલાં મજનૂને યુવતી અને તેની માતાએ જે પાઠ ભણાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.
નાલાસોપારાના આચોળે રોડ ડોન લેન પરિસરમાં સોમવારે સાંજે સવાચાર વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી જેમાં યુવતીની છેડતી કરનાર યુવકને યુવતી અને તેની માતાએ મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાને નજરે જોનારા લોકોએ યુવતી અને તેની માતાએ યુવકની લાતો અને મુક્કા મારીને ધોલાઈ કરી હતી એવું જણાવ્યું હતું.
તુળીંજ પોલીસ સ્ટેશનમાં આવા કોઈ બનાવની નોંધ થઈ નથી અને પીડિત યુવતી કે યુવક ચોક્કસ કયા વિસ્તારમાં રહે છે તેની પણ માહિતી મેળવી શકાઈ નહોતી. આ પરિસરમાં યુવતીઓએ રોજ આ રીતે જ મજનૂઓની છેડતીનો ભોગ બનવું પડે છે એવી ફરિયાદ સ્થાનિક નાગરિકો દ્વારા કરાઈ રહી છે. તેથી યુવતીઓની સુરક્ષા માટે પોલીસે આ બાબતે ધ્યાન આપવાની જરૂર છે એવી માગણી પણ સ્થાનિકો કરી રહ્યા છે.