વર્ષ 2021ના ડીસેમ્બર મહિનામાં નાગાલેન્ડમાં થયેલા હત્યાકાંડના 30 આરોપી આર્મી જવાનો પર કેસ ચલાવવાની મંજૂરીની રાજી કેન્દ્ર સરકારે નકારી કાઢી છે. નાગાલેંડ રાજ્ય પોલીસના જણાવ્યા અનુસાર ડિસેમ્બર 2021માં નાગાલેન્ડમાં બળવાખોરી વિરોધી કાર્યવાહી દરમિયાન ઇન્ડિયન આર્મીના જવાનો દ્વારા 14 સ્થાનિક યુવાનો માર્યા ગયા હતા. કેન્દ્ર સરકારે આ ઘટનામાં સામેલ 30 સૈન્યના જવાનો પર કાર્યવાહી કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે.
પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય દ્વારા મંજૂરી નકારવા અંગે કોર્ટને જાણ કરવામાં આવી છે. 4 ડિસેમ્બર, 2021 ના રોજ, ભારતીય સેનાના 21-પેરા સ્પેશિયલ ફોર્સના સૈનિકો મોન જિલ્લાના તિરુ-ઓટિંગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન આર્મીના જવાનોએ કોલસાની ખાણમાં કામ કરતા મજુરોને અલગાવવાદીઓ સમજીને ફાયરીંગ કર્યુ હતું, જેમાં છ મજુરો માર્યા ગયા હતા. આ ઘટના પછી તરત જ ગુસ્સે થયેલા ગ્રામજનોએ બે સુરક્ષા વાહનોને આગ ચાંપી દીધી, સુરક્ષા દળોએ ગોળીબારનો બીજો રાઉન્ડ શરૂ કર્યો. જેમાં વધુ સાત ગ્રામીણો અને એક સુરક્ષા કર્મચારી માર્યા ગયા. તણાવ અને વિરોધ વચ્ચે બીજા દિવસે સોમ શહેરમાં સુરક્ષા દળોના ગોળીબારમાં અન્ય એક સ્થાનિક યુવકનું મોત થયું હતું.
નાગાલેન્ડ પોલીસ વડાની આગેવાની હેઠળની SITએ ઘટનાની તપાસ કરી અને 24 માર્ચ, 2022 ના રોજ સૈનિકો સામે કાર્યવાહી કરવા માટે કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયની મંજૂરી માંગી હતી. SITએ 30 મે, 2022ના રોજ કોર્ટમાં તેની ચાર્જશીટમાં 21-પેરા સ્પેશિયલ ફોર્સના 30 જવાનોના નામનો આરોપી ઉલ્લેખ કર્યો હતો. તેની સામેના આરોપોમાં હત્યા, હત્યાનો પ્રયાસ અને પુરાવાનો નાશ કરવાનો સમાવેશ થાય છે. એસઆઈટીએ જણાવ્યું હતું કે ખાણિયાઓને “મારવાના સ્પષ્ટ ઈરાદાથી ગોળીબાર કરવામાં આવ્યો હતો”.
આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA) સહિત વિવિધ કાયદાઓ અશાંત વિસ્તારોમાં સુરક્ષા દળોને વ્યાપક સત્તા આપે છે. સૈન્યએ પણ આ ઘટનાની તપાસ માટે સ્વતંત્ર અદાલતની સ્થાપના કરી છે. આર્મીએ કોઈ પણ દોષી હશે તેની સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. જો કે, બાદમાં સેનાએ કહ્યું કે તે કોઈ કાર્યવાહી કરી શકે નહીં કારણ કે મામલો સુપ્રીમ કોર્ટમાં છે.