નડિયાદઃ ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે પણ એ પહેલાં જ નડિયાદમાં પંતગનો માંજો ઘરના કુળદીપકની જીવનજ્યોત બુજાવવામાં નિમિત્ત બન્યો છે. ટુ વ્હીલર પર જઈ રહેલાં આ ગુજરાતી યુવાનનું માંજાને કારણે ગળુ કપાઈ જતાં ઘટનાસ્થળે જ નિધન થયું હતું.
આણંદ નિવાસી 38 વર્ષીય વિપુલભાઈ ઠક્કર ગુરુવારે સવારે નડિયાદ રહેતાં તેમના મિત્ર કાંતિભાઈના ઘરે આવ્યા હતા. ત્યાંથી કોઈ કામ હોવાથી મિત્ર કાંતિભાઈની મોટરસાઈકલને લઈને બહાર નીકળ્યા હતા. દરમિયાન સરદાર નગર પહોંચતાં જ માંજો તેમના ગળાની આજુબાજું વીંટળાઈ ગયો હતો. જેને કારણે તેમની ગળાની નસ કપાઈ ગઈ હતી.
વિપુલભાઈ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડી રહ્યા હતા. રસ્તે પસાર થઈ રહેલાં જાગરુક નાગરિકે 108ની રાહ જોયા વિના આસપાસના લોકોની મદદ લઈને તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ ગયા હતા. પણ હોસ્પિટલ પહોંચતા પહેલાં વિપુલભાઈનું વધારે પડતું લોહી વહી જવાને કારણે મૃત્યુ થયું હતું.
ઘટનાની જાણ થતાં જ એલસીબી પોલીસ અને જિલ્લા પોલીસ વડા દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા છેલ્લા દસ દિવસથી ચાઈનીઝ દોરી પકડવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, પણ તેમ છતાં ચોરીછુપે આ ઘાતક માંજાનું વેચાણ થઈ જ રહ્યું છે.