એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
દિલ્હીમાં ભાજપની બે દિવસની રાષ્ટ્રીય કારોબારી પૂરી થઈ ગઈ અને કારોબારીના બીજા દિવસે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે જગત પ્રકાશ નડ્ડા ઉર્ફે જે.પી. નડ્ડાની મુદ્દત વધારી દેવામાં આવી. ભાજપ વતી અમિત શાહે કરેલી જાહેરાત પ્રમાણે, નડ્ડાનો કાર્યકાળ વધારવામાં આવ્યો છે અને જૂન ૨૦૨૪ સુધી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખપદે રહેશે. શાહે એવી જાહેરાત પણ કરી કે, ભાજપ લોકસભાની ૨૦૨૪ની ચૂંટણી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને જે.પી. નડ્ડાના સાથથી લડશે.
શાહે સ્પષ્ટ રીતે કહેલું કે, નડ્ડા ૨૦૨૪ના જૂન સુધી રાષ્ટ્રીય પ્રમુખ રહેવાના છે પણ મીડિયાએ નડ્ડાની મુદ્દત ક્યાં સુધી વધારવામાં આવે એ મુદ્દે ગૂંચવાડો કરી નાંખ્યો. ઘણી બધી ટીવી ચેનલો અને વેબસાઈટ્સે એવું કહ્યું કે, નડ્ડાની મુદ્દત એક વર્ષ માટે વધારવામાં આવી છે. વાસ્તવમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખપદે નડ્ડાની મુદ્દત ૨૦ જાન્યુઆરીના રોજ પૂરી થવાની છે એ જોતાં એક વર્ષ માટે મુદ્દત લંબાવાઈ હોય તો લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપે નવા પ્રમુખ શોધવા પડે કેમ કે લોકસભાની ચૂંટણી ૨૦૨૪ના એપ્રિલ અને મે મહિનામાં થવાની છે.
ખેર, મીડિયા ગૂંચવાડામાં હતું પણ શાહ તો પહેલું વાક્ય જ એવું બોલેલા કે, નડ્ડાનો કાર્યકાળ વધારવામાં આવ્યો છે અને જૂન ૨૦૨૪ સુધી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખપદે રહેશે. શાહની જાહેરાત પરથી સ્પષ્ટ છે કે, ભાજપમાં કોઈ ગૂંચવાડો નથી અને ભાજપ માટે લોકસભાની ચૂંટણી પતે ત્યાં સુધી નડ્ડા જ રાષ્ટ્રીય પ્રમુખપદે રહેવાના છે.
ભાજપની આ જાહેરાતથી કોઈને આશ્ર્ચર્ય થયું નથી કેમ કે નડ્ડાને રિપીટ કરાશે એ પહેલેથી નક્કી જ હતું. ભાજપ લોકશાહીનાં મૂલ્યોમાં માનતો હોવાનો ઢોંગ કરે છે તેથી ઢોંગને ખાતર રાષ્ટ્રીય કારોબારીમાં તેના નામ પર મંજૂરીની મહોર મરાવવી જરૂરી હતી. રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જે.પી. નડ્ડાને રાષ્ટ્રીય પ્રમુખપદે યથાવત્ રાખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો ને બધાંએ તેને વધાવી લેતાં નડ્ડા પાછા પ્રમુખ બની ગયા.
નડ્ડા સંગઠનના જાણકાર છે ને તેમના કાર્યકાળમાં ભાજપને સારી સફળતા મળી હોવાથી તેમને એક્સટેન્શન અપાયું હોવાનો દાવો ભાજપ દ્વારા કરાયો છે પણ નડ્ડાની પસંદગી પાછળ શું કારણ છે એ સ્પષ્ટ છે. લોકસભાની ચૂંટણીને એક વર્ષ બાકી છે અને ૨૦૨૩માં દેશનાં ૯ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ રાજ્યોમાં ભાજપ માટે મહત્વનાં એવાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક અને તેલંગાણા જેવાં મોટાં રાજ્યોનો સમાવેશ થાય છે. આ વર્ષે પૂર્વોત્તરમાં ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ અને મિઝોરમમાં ચૂંટણી પણ વિધાનસભાની ચૂંટણી યોજાશે. જમ્મુ-કાશ્મીરમાં પણ આ વર્ષે જ ચૂંટણી થવાની પૂરી શક્યતા છે.
આ તમામ ચૂંટણીઓ ભાજપને વિશેષ તો નરેન્દ્ર મોદી માટે મહત્ત્વની છે કેમ કે લોકસભાની ૨૦૨૪ની ચૂંટણી કદાચ મોદી માટે છેલ્લી ચૂંટણી બની રહી શકે. આ કારણે મોદી કોઈ ચાન્સ ના જ લે ને પોતાનું ધાર્યું થાય તેનો પાકો બંદોબસ્ત કરવામાં પડ્યા છે. વિધાનસભાની અને લોકસભાની ચૂંટણીમાં મોદીનો પડ્યો બોલ ઉઠાવે એવા પ્રમુખ જરૂરી હોવાથી નડ્ડાને ૨૦૨૪ સુધી એક્સટેન્શન આપી દેવાયું છે.
નડ્ડાની વરણીની જાહેરાત કરતી વખતે શાહે દાવો કર્યો કે, ભાજપ દેશમાં સૌથી વધારે લોકશાહીપૂર્ણરીતે ચાલતી પાર્ટી છે. ભારતમાં બીજા બધા પક્ષોનો વહીવટ જે રીતે ચાલે છે તેની સરખામણીમાં ભાજપમાં દેખાવ ખાતર તો દેખાવ ખાતર લોકશાહીના નિયમોનું પાલન વધારે સારી રીત કરાય છે તેમાં બેમત નથી પણ નડ્ડાની વરણી પાછળ ભાજપે આંતરિક લોકશાહીનું પાલન નથી કર્યું એ પણ એક કારણ છે.
ભારતમાં મોટા ભાગના પ્રાદેશિક પક્ષો તો ચોક્કસ નેતાની બાપીકી પેઢી હોય એ રીતે જ ચાલે છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી હોય કે મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસ હોય, જગન મોહન રેડ્ડીની વાયએસઆર કૉંગ્રેસ હોય કે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી હોય, આ કોઈ પાર્ટીમાં લોકશાહી જેવું કશું છે જ નહીં ને નેતાજીના તુક્કા પ્રમાણે પક્ષ ચાલે છે. કૉંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષમાં પણ એ જ હાલત છે.
ભાજપમાં આ પક્ષોની સરખામણીમાં બહેતર તંત્ર છે ને નિયમિતરીતે લોકશાહી ઢબે બધું કરાતું હોવાનો દેખાવ થાય છે એ કબૂલવું પડે પણ ભાજપ લોકશાહીને સંપૂર્ણરીતે અનુસરે છે એ વાતમાં દમ નથી. વાસ્તવમાં જે.પી. નડ્ડાને ફરી પ્રમુખ બનાવાયા એ પાછળનું એક કારણ એ પણ છે. ભાજપના બંધારણ મુજબ, દેશનાં ઓછામાં ઓછા ૫૦ ટકા એટલે કે અડધા રાજ્યોમાં સંગઠનની ચૂંટણી પૂરી થાય પછી જ રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી થઈ શકે છે.
આ નિયમ પ્રમાણે જોઈએ તો દેશનાં ૨૯ રાજ્યોમાંથી ૧૫ રાજ્યોમાં સંગઠનની ચૂંટણીની પ્રક્રિયા પૂરી થઈ હોય તો જ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી થઈ શકે પણ ૨૦૨૨માં ભાજપ સંગઠનની ચૂંટણી થઈ શકી નથી. આ વરસે આ ચૂંટણી થાય એવી શક્યતા ઓછી છે કેમ કે પક્ષના મહારથીઓ અને સંગઠન પણ નવ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં વ્યસ્ત રહેશે. આ સંજોગોમાં નવા પ્રમુખની ચૂંટણી શક્ય નહોતી તેથી જે.પી. નડ્ડાને જ લોકસભા ચૂંટણી સુધી પદ પર ચાલુ રહેવા માટે કહેવા સિવાય વિકલ્પ નહોતો.
જો કે મોદીએ ઈચ્છ્યું હોત તો આ નિયમને કોરાણે મૂકીને પણ બીજા કોઈને પ્રમુખપદે બેસાડી શકાયા હોત પણ મોદીને કહ્યાગરા પ્રમુખ જોઈએ છે. ત્રણ વર્ષમાં નડ્ડાએ સાબિત કર્યું છે કે, આ લાયકાતના મામલે એ ભાજપના બીજા કોઈ પણ નેતા કરતાં વધારે લાયક છે. બાકી નડ્ડા ના તો લોકપ્રિય નેતા છે કે ના તો સફળ નેતા છે. નડ્ડાના કાર્યકાળમાં ભાજપ બધે જીત્યો છે એવી વાતો ભાજપના નેતા કરે છે પણ આ જીત કોને આભારી છે એ કહેવાની જરૂર નથી. લોકો હજુય મોદીના નામે મત આપે છે તેથી ભાજપ જીતે છે. બાકી નડ્ડા તો પોતાના ગૃહ રાજ્ય હિમાચલ પ્રદેશમાં પણ ભાજપને જીતાડી શક્યા નથી. પાંચ વર્ષ પહેલાં અમિત શાહ પ્રમુખ હતા ત્યારે જીતેલું હિમાચલ ભાજપે નડ્ડાના કાર્યકાળમાં જ ગુમાવ્યું
છે ને ?