૫૦ વર્ષનો હીરો ૨૫-૩૦ વર્ષના યુવાનનો રોલ કરી શકે, પણ હિરોઈનનાં લગ્ન થાય કે એ મા બને એટલે એને વિદાય આપી દેવાય એ દિવસો હવે બદલાઈ રહ્યા છે
હેન્રી શાસ્ત્રી
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કેટલીક ખાસિયતો છે, કેટલીક વિચિત્રતાઓ પણ છે. અહીં ૪૦-૫૦ વર્ષનો હીરો ૨૫-૩૦ વર્ષના યુવાનનો રોલ કરી ૨૦-૨૫ વર્ષની હિરોઈન સાથે રોમેન્સ કરી શકે છે. ‘જોની મેરા નામ’માં ૪૮ વર્ષના દેવ આનંદ ૨૨ વર્ષની હેમા માલિનીના હીરો છે અને ‘પલ ભર કે લિયે કોઈ હમેં પ્યાર કર લે…’ ગાય છે. ‘દીવાના’ (૧૯૬૭)માં ૪૩ વર્ષના રાજ કપૂર ૨૩ વર્ષની સાયરા બાનો સમક્ષ ‘અય સનમ જીસને તુજે ચાંદ સી સૂરત દી હૈ, ઉસી માલિક ને મુજે ભી તો મોહબ્બત દી હૈ’ રજૂ કરી શકે છે. ૬૫ વર્ષની ઉંમરે અમિતાભ બચ્ચન ‘ચીની કમ’માં ૩૪ વર્ષની તબુ સાથે ઈશ્ક કરી શકે છે, પણ વાર્તાની જરૂરિયાતનું કારણ આપી ૧૯૭૬ની તમિળ ફિલ્મ Moondru Mudichu માં ૧૩ વર્ષની શ્રીદેવીને ૨૬ વર્ષના રજનીકાંતની માતા તરીકે ફિટ કરી દેવાય છે. અભિનેત્રીનાં લગ્ન થાય કે પછી એ માતા બને એટલે એને હિરોઈન બનાવવા પર ચોકડી મારી દેવામાં આવતી. એને હીરો કે હિરોઈનની માતાની ભૂમિકા જ આપવામાં આવતી હતી. હવે દિવસો બદલાઈ રહ્યા છે. પરિણીત કે માતા બનેલી અભિનેત્રીઓને હિરોઈનના રોલ મળવા લાગ્યા છે. અલબત્ત, આવી અભિનેત્રીઓને ચોક્કસ પ્રકારના જ લીડ રોલ ઓફર થાય છે. ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’ એ હકીકત બદલાવવામાં નિમિત્ત બનશે કે કેમ એ તો એ ફિલ્મ જોયા પછી અને એ કેવો પ્રભાવ પાડવામાં સફળ થાય છે એના પરથી જ નક્કી થશે.
અહીં જુહી ચાવલાનું ઉદાહરણ સાંભરે છે. ૧૯૮૮માં આમિર ખાનની ‘કયામત સે કયામત તક’થી લીડ રોલમાં (હિરોઈન) ચમકવાની શરૂઆત કરનાર જુહી ચાવલાએ ૧૯૯૫માં ઉદ્યોગપતિ જય મહેતા સાથે લગ્ન કરી લીધાં હતાં. એ સમયમાં લગ્નની શરણાઈ હિરોઈન માટે મૃત્યુઘંટને સમકક્ષ ગણાતી. એટલે જુહીએ લગ્નની વાત છુપાવી રાખી અને ૨૦૦૦ની સાલ સુધી હિરોઈન તરીકે ચમકતી રહી. ૨૦૦૧માં પુત્રી જાહ્નવીના જન્મ પહેલાં જુહીએ લગ્ન કરી લીધાં હોવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ બે વર્ષ સુધી તે ફિલ્મોથી દૂર રહી. ૨૦૦૩માં તેની બે ફિલ્મ આવી ‘તીન દીવારેં’ અને ‘ઝંકાર બીટ્સ’. બંને મેઈનસ્ટ્રીમ કોમર્શિયલ ફિલ્મ નહોતી. જુહી પ્રત્યેનો ફિલ્મમેકરોનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો હોવાનો એ પુરાવો હતો. ત્યાર પછી છેક ૨૦૨૨ની ‘શર્માજી નમકીન’ સુધી જુહીની ફિલ્મો આવતી રહી છે, પણ ચરિત્ર અભિનેત્રી તરીકે. હવે એ સ્થૂળ અર્થમાં હિરોઈન નથી રહી. કાજોલની કારકિર્દી ટોપ પર હતી ત્યારે તેણે અજય દેવગન સાથે લગ્ન કરી લીધાં હતાં. ત્યાર બાદ ‘કભી ખુશી કભી ગમ’ને બાદ કરતાં જે બે ફિલ્મમાં એ હિરોઈન હતી એ ‘ફના’ અને ‘માય નેમ ઈઝ ખાન’માં એનો રોલ ગ્લેમરસ નહોતો. પ્રેગ્નન્સીને કારણે મધુર ભંડારકરની ‘હિરોઈન’માંથી પડતી મુકાયેલી ઐશ્ર્વર્યા રાય લગ્ન કર્યા પછી ૪૨ વર્ષની ઉંમરે ‘જઝબા’માં હિરોઈન હતી, પણ એનો રોલ સિંગલ મધર – ક્રિમિનલ લોયરનો હતો. માધુરી દીક્ષિત અને રાની મુખરજીના કેસમાં પણ લગભગ આવી જ પરિસ્થિતિ જોવા મળે છે. ટૂંકમાં રિયલ લાઈફની મમ્મીઓએ પડદા પર મુખ્ય ભૂમિકા કરવી હોય તો મા તરીકે અથવા વરિષ્ઠ પાત્રમાં પેશ આવવાનું. ગ્લેમરની ગેરહાજરી. શ્રીદેવીનો ‘ઈંગ્લિશ વિંગ્લિશ’નો રોલ પણ આ દલીલને જ સમર્થન આપે છે. ૧૯૯૭માં ‘જુદાઈ’ રિલીઝ થતાંની સાથે જ બોની કપૂર સાથે લગ્નની જાહેરાત કરી શ્રીદેવીએ ઈન્ડસ્ટ્રીને બાય બાય કરી દીધું હતું એ જુદી વાત છે. અલબત્ત, માધુરી એન્ડ કંપનીના રોલમાં દમ નહોતો એવી વાત નથી, પણ આ અભિનેત્રીઓને રોમેન્ટિક રોલ નથી આપવામાં આવતા એ હકીકત છે. માધુરી, ઐશ્ર્વર્યા વગેરેને ઓફર થયેલા લીડ રોલ એમની ઉંમરને અનુરૂપ હોય એની તકેદારી રાખવામાં આવે, જ્યારે એમની ઉંમરના હીરો રોમેન્ટિક રોલ કરતા હોય.
૨૦૦૭માં આવેલી ‘ઓમ શાંતિ ઓમ’માં ૪૨ વર્ષનો શાહરુખ ખાન ૨૧ વર્ષની દીપિકા પાદુકોણ સાથે રોમેન્સ કરતો નજરે પડ્યો હતો. ‘રબ ને બના દી જોડી’ વખતે કિંગ ખાન ૪૩ વર્ષનો હતો અને ૧૯ વર્ષની અનુષ્કા શર્મા સાથે રોમેન્ટિક રોલમાં ચમક્યો હતો. વાત માત્ર શાહરુખની જ નથી. આમિર ખાન, અક્ષય કુમાર અને અજય દેવગને ફિલ્મોમાં પા પા પગલી માંડી રહેલી અભિનેત્રીઓ સાથે રોમેન્ટિક લીડ રોલ કર્યા હોવાનાં ઉદાહરણો છે. ‘જય હો’માં ૪૭ વર્ષના સલમાનની હિરોઈન ૨૩ વર્ષની ડેઈઝી શાહ હતી. ‘ટોઇલેટ એક પ્રેમ કથા’માં ૫૦ વર્ષના અક્ષય કુમારની હિરોઈન હતી ૨૮ વર્ષની ભૂમિ પેડણેકર. ૨૦૧૩ની ‘હિમ્મતવાલા’માં ૪૪ વર્ષના અજય દેવગનની રોમેન્ટિક જોડી ૨૩ વર્ષની તમન્ના સાથે હતી. રાજકુમાર હિરાણીની ‘પીકે’માં ૪૮ વર્ષનો આમિર ખાન અને ૨૫ વર્ષની અનુષ્કા શર્મા લીડ રોલમાં હતાં.
——
હોલિવૂડના હાલહવાલ
ઉંમરનો તફાવત કેવળ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ જોવા મળે છે એવું માની લેવાની ભૂલ ન કરવી. આજની તારીખના ટોપ હોલિવૂડ સ્ટાર્સ લિયોનાર્દો દ કેપ્રિયો, બ્રાડ પીટ, જોની ડેપ, ડેન્જલ વોશિંગ્ટન, ટોમ ક્રૂઝ જેવા એક્ટરોની હિરોઈન એમનાથી દસ કે તેથી વધુ વર્ષ નાની હોય એ સહજપણે જોવા મળે છે. ૨૦૧૩માં આવેલી The Third Person ફિલ્મનો હીરો લિયામ નિસન ૬૦ વર્ષનો હતો, જ્યારે એની હિરોઈન ઓલિવિયા વાઈડ ૨૯ વર્ષની હતી. અડધોઅડધ ઉંમરની. ૫૮ વર્ષનો બ્રાડ પિટ એનાથી ૧૫-૨૦ વર્ષ નાની હિરોઈન સાથે ચમકે છે. અગાઉ હેરિસન ફોર્ડ, રિચર્ડ ગેર અને ટોમ ક્રૂઝ પણ આવું પરાક્રમ કરી ચૂક્યા છે. અલબત્ત હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને હોલિવૂડ વચ્ચે એક તફાવત જાણવા જેવો છે. સામાન્યપણે હિન્દી ફિલ્મની હિરોઈન ૩૦ વર્ષની થાય એ પહેલાં એને હિરોઈનના રોલ ઓફર થતા બંધ થઈ જાય છે. કહે છે કે હોલિવૂડમાં પાંચ વર્ષનું ક્ધસેશન મળે છે. અહીં ૩૫ વર્ષ સુધી અભિનેત્રી હિરોઈન બનવા યોગ્ય ગણવામાં આવે છે. બંને ઈન્ડસ્ટ્રીના અભ્યાસુઓ એને માટે સ્ક્રિપ્ટને જવાબદાર ગણે છે. પટકથામાં પુરુષોની ઉંમર વિશે કોઈ ચોખવટ કરવામાં નથી આવતી. આમિર, અક્ષય કે લિયોનાર્દો દ કેપ્રિયો કે ટોમ ક્રૂઝની ઉંમર દર્શકોએ જાતે નક્કી કરી લેવાની હોય છે. હા, એમના જીવનમાં આવતી સ્ત્રી ૨૫-૨૭ની હોવી જોઈએ. થોડી ઓછી ઉંમર હોય તો વધુ સારું. બીજી એક દલીલ એવી પણ કરવામાં આવે છે કે પડદા પર સ્ત્રીની સરખામણીમાં પુરુષ વધુ સમય સુધી તરુણ દેખાય છે. અલબત્ત આ બધી વ્યાખ્યા અને દલીલ કરનારા પણ પુરુષ જ હોય છે એ વાત ભૂલવી ન જોઈએ. આ વાત થઈ રીલ લાઈફની. રિયલ લાઈફમાં દેશમાં કે પરદેશમાં પતિ-પત્નીની ઉંમરમાં બે કે ત્રણ વર્ષનો જ તફાવત છે. ફિલ્મ એ કલ્પનાની દુનિયા છે અને એમાં મનુષ્ય પોતાની ઈચ્છા મુજબના રંગ પૂરતો હોય છે.