મસ્તરામની મસ્તી-મિલન ત્રિવેદી
ગયા શનિવારે આપણે જોયું કે ચુનિયાને ઘરે એનઆરઆઈ મહેમાનો આવ્યા છે.અને મહેમાનોની આગતા સ્વાગતામાં ચુનિયાનો પરિવાર અડધો અડધો થઈ રહ્યો છે.ગિફ્ટ આપી દીધા પછી મહેમાનો ના પાડવાનો મોકો ઓછો આપતા હોય છે. કઠણાઈ તો હવે શરૂ થઈ. (આગળથી ચાલુ)……સૂતા પહેલા ઠાવકા થઈ અને બંને મારી પાસે બેઠા અને કહ્યું કે “બાના સાંભળ્યું છે કે અહીં લાયન જોવાનો એક લ્હાવો છે. સરસ બે દિવસનો નાનો પ્રોગ્રામ બનાવીએ અને ખૂબ બધા લાઇન જોઈએ.”હું ના ન પાડી શક્યો અને બે દિવસ સાસણમાં સિંહ જોવાનો કાર્યક્રમ કરી નાખ્યો.સવારના ૦૫:૦૦ વાગ્યે અમે નીકળ્યા બે દિવસ જંગલ સફારી ત્યાં એક રિસોર્ટમાં રોકાવાનો ખર્ચ બધું થઈ અને તેમને બે સિંહ જોવા મળ્યા. એટલે એક સિંહ મને ૧૫ હજારમાં પડ્યો.બે સિંહના ૩૦,૦૦૦.હજી તો મુંબઈની ટેક્સીની કળ વળી ન હતી.ત્યાં ૩૦,૦૦૦ નો આ ધુમ્બો વાગ્યો. આવ્યાને ત્રણ જ દિવસ થયા હતા અને હજુ બીજા ચાર દિવસ કાઢવાના હતા. ખબર નહીં એક અંદરથી ભય લાગવા માંડ્યો કે આ મહેમાન મને કેટલામાં પડશે. હું થોડો મૂડ લેસ લાગ્યો એટલે આખો દિવસ બરમુડા પહેરી અને ફરતો ગોરધન મારી પાસે આવી અને મને પૂછવા લાગ્યો.” બધું ઓરરાઈટ છે? વ્યાધિ ન કરશો સાંજે પીઝાથી કામ ચાલશે. મારા છોકરાએ એક સરસ ડાહ્યા છોકરા તરીકે તેના પર છાપ પાડી હતી.અંદરથી આનંદ થતો હતો, પરંતુ હવે મને એમ થયું કે આના કરતાં મારો જૂનો છોકરો (તોફાની) જો હોત તો મહેમાન સાત દિવસના રોકાણની જગ્યાએ ત્રણ ચાર દિવસમાં ગમે તે બહાનું કાઢી અને નીકળી ગયા હોત. બાકીના ત્રણ દિવસમાં અહીં જવું અને ત્યાં જવું કરી ટેક્સી રોકી રાખી.આજુબાજુમાં દેવ દર્શનના નામે ફરવાનાં તમામ સ્થળો જે મને પણ ખબર ન હતા તે દેખાડવાનો આગ્રહ રાખ્યો.પછી મને ખબર પડી કે મારા સાઢુભાઈએ આખું લીસ્ટ બનાવી અને મોકલ્યો હતો. મારી સાળી સાથે જો ન પરણ્યો હોત તો સાઢુને ફોનમાં ડીક્ષનરી બહારના શબ્દો કહેવા હતા.જવાનો દિવસ આવ્યો ત્યારે ખરેખર મને અંદરથી આનંદ અને ઉમળકો હતા, પરંતુ આ વખતે મારે ટેક્સી કરી અને મૂકવા જવાનો કોઈ ઇરાદો ન હતો, પરંતુ ગમે તેમ કરી અને મારી પાસે ટેક્સી
બુક કરાવી વ્યાધિ ના કરશો,વ્યાધિ ન કરશો, આવું બોલી બોલી અને મારા જાણીતાની જ ટેક્સી બુક કરી.મને પણ સાથે લીધો.એરપોર્ટ ઉપર ઉતારી અને દયામણા ચહેરે મેં તેની સામું જોયું. પહેલીવાર તેને કંઈક સમજાયું હોય તેમ ખિસ્સામાં હાથ નાખ્યો. અને ખિસ્સામાંથી પાઉન્ડ કાઢ્યા અને ટેક્સીવાળાને દેવા માટે હાથ લંબાવ્યો. ટેક્સીવાળાએ જિંદગીમાં પહેલીવાર આવી કલરિંગ નોટો જોયેલી, પરંતુ ગાંધીજીનો ફોટો ન જોયો એટલે તે હરખ પદૂડાએ વિવેક ખાતર એવું કહ્યું કે ‘ચિંતા ન કરો ને ચુનીભાઇ પાસેથી લઈ લઈશ’.સાપ દરમાંથી મોઢું કાઢે અને કોઈ ભય દેખાય એટલે તરત જ જે ઝડપે મોઢું અંદર લે તે જ ઝડપે પાઉન્ડ જે હાથમાં હતો તે હાથની મુઠ્ઠી વાળી અને પરત પેન્ટના ખિસ્સામાં હાથ પહોંચી ગયો. જતા જતા મને રાજકોટથી ગોંડલ બોલાવતો હોય તેમ કહેતો પણ ગયો કે “હવે પરિવાર સાથે લંડન આવો ત્યારે આપણે ઘરે પણ આવજો.સાલુ મને એ ન સમજાયું કે લંડન આવું? પણ કોના ઘરે આવું? સાથે ખોટે એવું પણ ન કહ્યું કે સીધા મારા ઘરે આવજો.સરવાળે એ બિલ પણ મારા ખાતે ઉધારાયું. વળતા આખા રસ્તે સાત દિવસનો ગુસ્સો મેં ટેક્સી ડ્રાઇવર પર કાઢ્યો.તને કોણે ડાયો કર્યો હતો? પાઉન્ડ લઈ લેવા હતા ને હું તને એના રૂપિયા કરી દેત. તો તરત જ ખિસ્સામાંથી એક સ્પ્રે કાઢી અને મને દેખાડ્યું કે કેટલા સારા મહેમાન હતા મને ગિફ્ટમાં આ એક પરફ્યુમ આપ્યું. સાલો એક પરફ્યુમમાં એન.આર.આઈ.નો થઈ ગયો. વળતા મેં ખર્ચેલા રૂપિયાનો હિસાબ માડતો હતો તો લગભગ આ બંને મહેમાનો ૯૦,૦૦૦ માં મને પડ્યા હતા, પરંતુ મન મનાવ્યું કે ચાલો મોંઘા ભાવની ગિફ્ટ લઈને આવ્યા તો થોડો ઘણો ખર્ચ થાય ચિંતા નહીં. આપણે એક આવવા જવાનું ઠેકાણું તો બંધાણું. પરંતુ હું પાક્કો ગુજરાતી એટલે મને એમ થયું કે એકવાર બજારમાં આ બધી ગિફ્ટની કિંમત તો કઢાવવી જોઈએ એટલે હું એક મારા જાણીતા મિત્ર જે આ બધી ફોરેનની વસ્તુઓ રાખે છે તેને પાસે આ બધી વસ્તુઓ લઈ અને ગયો.અને કહ્યું કે ભાઈ આ બધી વસ્તુઓની કિંમત કેટલી થાય?એટલે કોઈ ચિલ્લર ઉપર નજર નાખતો હોય તેમ ઉપર છલ્લું જોઈ અને તરત જ બોલ્યો કે આપણે ત્યાં શનિવારી બજાર ભરાય છે ને? દુનિયાભરની સસ્તી વસ્તુઓ એ બજારમાં મળી રહે તેવી જ રીતે લંડનમાં પણ વીક એન્ડ બજાર ભરાય.તેમાં પાંચ પાંચ પાઉન્ડમાં આ બધી વસ્તુઓ મળે અને જ્યારે એ લોકો ઇન્ડિયા આવતા હોય ત્યારે આવો અચરો કચરો બેગમાં ભરી અને અહીંના સગા વાલાઓને અને સંબંધીઓને બટકાવે. આપણને પાંચ પાઉન્ડ લાગે પણ તેમના તો પાંચ રૂપિયા જ ખર્ચાયા ને?
મિલનભાઈ આ દુ:ખ કોને કહેવા જાઉં મારું બે વર્ષનું બજેટ ખોરવી નાખ્યું તેવા મહેમાન આવ્યા હતા.
જિંદગીમાં પહેલીવાર મને ચુનીયા માટે સહાનુભૂતિની લાગણી થઈ. હેં તમારે ત્યાં કોઈ એન આર આઈ સગા આવે કે નહીં? કેવો’ક અનુભવ થયો છે?
વિચારવાયુ:
અઠવાડિયામાં પાંચ દિવસ પીઝા અને મેગી ખાવાવાળા આપણા દેશી ગુજરાતી એન આર આઈ કહેવાય કે નહીં? જસ્ટ પૂછિંગ