અદાણી જૂથ: પડે ત્યારે સઘળું પડે છે…!
સન્ડે સ્પેશ્યલ -જયેશ ચિતલિયા
અતિ લોભ તે પાપના મૂળ એવી કહેવત છે. આમાં થોડો ફેરફાર કરી નવા જમાનાના ભાગરૂપે કહીએ કે અતિ પ્રચાર તે પડતીની નિશાની. અતિ ઝડપી દોડ તે પડવાની નિશાની. આ બાબત હાલ એક યા બીજા કારણસર દેશના ટોચના ઔદ્યોગિક જૂથ અદાણીને સૌથી વધુ લાગુ પડે છે. એક વિદેશી રિસર્ચ કંપની આ જૂથની કંપનીઓની કહેવાતા સાચા-ખોટા આર્થિક ફંડામેન્ટલ્સના નકારાત્મક પાસાંઓનો પર્દાફાશ કરે છે અને તે જૂથના સ્ટોકસમાં ગાબડાં પર ગાબડાં પડવા લાગે છે અને આખું પ્રકરણ એક રહસ્ય બનીને ગુંચવાઈ જાય છે ત્યારે હાલ જોવા મળતાં દ્રશ્યો સર્જાય છે. શું ખરેખર અદાણી જૂથના આર્થિક ફંડામેન્ટલ્સ નબળા કે પોકળ છે? કે કોઈ મોટી ગ્લોબલ રમત કે વ્યૂહરચના સાથે તેને ટાર્ગેટ કરવામાં આવ્યું છે? શું આ કોઈ પોલિટિકલ ગેમ છે યા હરીફોની ચાલાક રમત છે? અદાણી ગ્રુપનું ભાવિ હવે શું? આવા વિભિન્ન સવાલો હાલ ઊભા થયા છે ત્યારે આ પ્રકરણને સમજવાનો પ્રયાસ કરીએ.
અદાણીના નામે હાલ સોશ્યલ મીડિયામાં આવું-આવું ચાલે છે. એક દીકરો તેના પિતાને અદાણીના શૅર ખરીદવા વિશે સમજાવે છે અને તેના પિતા તેના વસિયતનામામાંથી દીકરાનું નામ દૂર કરી નાખે છે…
બજેટ પહેલા નાણાં પ્રધાન સીતારમણ કહેતાં બતાવાય છે કે હવે બજેટ પછી માર્કેટ તૂટે કે ઘટે તો બજેટ નહીં, અદાણી પ્રકરણ જવાબદાર હશે, મારે શાંતિ…
અદાણીના નામે બધાએ બધા ચિંતામાં
છેલ્લા કેટલાય દિવસોથી દેશભરમાં અને સંભવત વૈશ્ર્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં પણ માત્ર અને માત્ર અદાણી ગ્રુપના નામની ચર્ચા છે. જો હૈ નામવાલા વહી તો બદનામ હોતા હૈ, જેવો ઘાટ હાલ આ મામલામાં જોવાયો છે. અદાણી ગ્રુપની તમામ કંપનીઓના આર્થિક ફંડામેન્ટલ્સ સખત નબળા છે અને તેની કંપનીઓના શૅરોના ભાવ તેની લાયકાત કરતા અનેકગણા વધુ છે. આ ગ્રુપમાં ક્યાંક ચોક્કસ ગરબડ-ગોટાળા છે એવા ઢગલાબંધ આક્ષેપો સાથેનો નેગેટિવ ડેટા-ઈન્ફર્મેશનથી ભરેલા હિન્ડનબર્ગ રિસર્ચ કંપનીના એક અહેવાલે અદાણી ગ્રુપના સ્ટોક્સની સાથે-સાથે કે બજારને પણ ગંભીર ચિંતામાં મૂકી દીધું છે. જોકે બજાર કરતા વધુ ચિંતા કોર્પોરેટસ, બેંકો, નાણાં સંસ્થાઓને હશે અને છે. કેમ કે તેમના નોંધપાત્ર નાણાં આમાં લાગેલાં છે. અદાણી પ્રકરણના પરિણામે બેંકોના સ્ટોક્સની પણ ગતિ ફરી છે. અદાણી ગ્રુપની કંપનીઓનું બેંકોનું મસમોટું દેવું જાહેર છે. અદાણી ગ્રુપની કંપનીઓના ભાવ સતત તૂટતા રહ્યા છે.
રોકાણકારોનો વિશ્ર્વાસ જીતવાનો પ્રયાસ
અગાઉ એવું કહેવાતું રહ્યું હતું કે અદાણી એન્ટરપ્રાઇસીસના ફોલોઓન પબ્લિક ઓફર (એફપીઓ)ને નિષ્ફળ બનાવવા આમ કરાયું છે, કિંતુ અદાણી ગ્રુપે તેની કંપનીનો એફપીઓ ભરાઈ ગયો હોવા છતાં તેને છેલ્લી ઘડીએ રદ કર્યો છે અને રોકાણકારોના નાણાં પરત કરવાનું ઠરાવ્યું છે. આમ તેમણે રોકાણકારોના હિતમાં કર્યુ હોવાની સ્પષ્ટતા કરીને રોકાણકારોનો વિશ્ર્વાસ જીતવાનો પ્રયાસ કર્યો છે, કારણ કે જે ભાવે ઓફર કરાઈ હતી તેના કરતા બજારમાં આ શૅર ઓછાં ભાવે ઉપલબ્ધ થવા લાગ્યો હતો. ગ્રુપ વિશેના ધડાકા અને કડાકાના પ્રતાપે આમ થયું. અદાણીના સ્ટોક્સમાં ભારે શોર્ટ સેલ્સ કરાયું હોવાનું પણ બહાર આવ્યું છે, જેથી તેના ભાવ તૂટતા રહે. સેબી અને શૅરબજારો આ મામલે જરૂરી પગલાં લઈ રહ્યાં છે. અદાણી એન્ટરપ્રાઈસના એફપીઓ પૂર્વે કે દરમ્યાન તેના સ્ટોક્સમાં ડેરિવેટિવ્ઝ માર્કેટમાં મંદીનો ખેલો થયો હોવાનું (શોર્ટ સેલ) માર્કેટમાં જાહેર છે. હવે તો યુએસમાં તેના બોન્ડસમાં પણ કડાકા બોલાવાના શરૂ થયા છે. ઈન શોર્ટ, અદાણી પર આફત ચારેકોરથી આવતી જાય છે. કહે છે ને કે પડે છે ત્યારે સઘળું પડે છે. જોકે હજી કેટલું પડ્યું છે અને કેટલું પડશે તે સસ્પેન્સ છે. અલબત્ત, અદાણી ઊગરી જાય યા તેને ઉગારી લેવામાં આવે એવું બનવાની શકયતા ઊજળી છે.
કાનૂની જંગ મોંઘો પડી શકે
અદાણી ગ્રુપ વિશેને નેગેટિવ રિપોર્ટ બહાર પાડનાર કંપની હિન્ડનબર્ગ રિસર્ચ યુએસની કંપની છે, તે એક બહુ મોટી ટ્રેડિંગ કંપની પણ છે. અગાઉ ઘણી કંપનીઓના કથિત ભાંડા-કૌભાંડનો પર્દાફાશ કરીને તેણે ઘણાનાં તાળાં મરાવ્યા હોવાના કિસ્સા છે. આ કંપનીએ પોતે અદાણી ગ્રુપનો ઊંડો અભ્યાસ કરીને અદાણીના યુએસમાં લિસ્ટેડ બોન્ડસમાં શોર્ટ સેલ્સ (મંદીનો ખેલો) કર્યો હતો. અદાણીને અનેક કપરા સવાલો પૂછીને કાનૂની પડકાર પણ ફેંકયો છે. તેણે ભારતીય તેમ જ યુએસ કોર્ટમાં અદાણી સામે લડવાની તૈયારી પણ બતાવી છે. અદાણીએ આ સવાલોના જવાબ આપ્યા છે, પરંતુ તેમાં નક્કરતા-મક્કમતાનો અભાવ નજરે ચઢે છે. કાનૂની જંગમાં અદાણી ઊતરે તો સંભવત તેને જ મોંઘું પડી શકે છે એવું કોર્પોરેટ કાનૂનોના નિષ્ણાંતો માને છે.
વિવિધ સ્તરે રોકાણનું ધોવાણ
સીએલએસએ નામની રિસર્ચ કંપનીએ હિન્ડનબર્ગના રિપોર્ટને રિસર્ચ વિનાનો અને બદઈરાદાપૂર્વકનો અહેવાલ ગણાવ્યો છે અને આ રિપોર્ટથી અદાણીના શૅરોનું ડાઉનસાઈડ રિસ્ક મર્યાદિત રહેવાનો મત વ્યકત કર્યો છે. જોકે આ રિપોર્ટ હાલ તો સાચો ઠર્યો હોવાનું જણાતું નથી. સીએલએસએના મતે અદાણી ગ્રુપમાં બેંકોનું એકસપોઝર, ખાસ કરીને ખાનગી બેંકોનું ઓછું છે. જ્યારે કે અદાણી ગ્રુપ પરના ગંભીર આક્ષેપો મુજબ તે ખૂબ દેવામાં ડુબેલી કંપની છે અને તેને કારણે ઘણી બેંકો પણ મુસીબતમાં મુકાઈ શકે છે. લાઈફ ઈન્સ્યુરન્સ કોર્પોરેશન (એલઆઈસી) પાસે અદાણીના રૂ.૩૫ હજાર કરોડથી વધુ રકમનું રોકાણ છે. જેની વેલ્યૂ હાલ પણ રૂ.૫૦ હજાર કરોડથી વધુ હોવાનું કહેવાય છે. આમ તે હજી પણ નફામાં હોવાનું કહે છે. જોકે હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ અદાણીની સંપત્તિનું ૧૦૦ અબજ ડૉલરથી વધુ ધોવાણ થઈ ગયું છે. તેઓ વિશ્ર્વના ધનવાનોની યાદીમાં ક્યાંક પાછળના ક્રમે આવી ગયા છે.
એક મોટો-મહત્ત્વનો બોધપાઠ
હાલ તો માહોલ પરથી લાગે છે કે અદાણી ગ્રુપની બજાર પર અસર ચાલુ રહેશે. આ મામલો ધારણા કરતા વધુ ગુંચવાયો હોવાનું ચર્ચાય છે. હિન્ડનબર્ગ રિસર્ચના સંખ્યાબંધ ગંભીર આક્ષેપો સાથેના નેગેટિવ રિપોર્ટ બાદ આ ગ્રુપે પોતાના વિશે વારંવાર અન્ય સ્પષ્ટતા પણ કરી છે. બીજીબાજુ સેબી તરફથી તેની સ્ક્રુટિની ચાલી રહી છે. અદાણીના સ્ટોક્સમાં રોજ નીચલી સર્કિટ લાગે છે. જબ્બર મૂડીધોવાણ પણ થઈ ચૂકયું છે. અદાણી ગ્રુપના સ્ટોક્સની ઊંચા ભાવે ખરીદી કરી બેઠેલા નાના રોકાણકારોની દશા બેસી ગઈ છે. અદાણીને મોટા ધિરાણ આપનાર બેંકો ભલે ચિંતા બતાવે નહીં, તેમને આ ચિંતા ખરી. રિઝર્વ બેંક હવે બેંકોના અદાણી એકસપોઝરની ચકાસણી કરી રહી છે. આ પ્રકરણ આગળ જતા કેવું પણ સ્વરૂપ ધારણ કરે હાલ તો માર્કેટ માટે બહુ મોટો અને વધુ એક સબકરૂપ સવાલ છે. જો કે લોકો ઈતિહાસમાંથી શીખ લેવાનું ભાગ્યે જ સમજ્યા છે. આમ તો આ સબક માટે સંકેતો માર્કેટ સતત આપતું હોય છે, પણ તે સમયે લોકો પોતાની ધૂન અને ભ્રમણામાં વધુ વ્યસ્ત રહેતા હોય છે. કોઈપણ એક કંપની યા ગ્રુપ અસાધારણ ઝડપે વધતું જાય, દેશ જ નહીં, ગ્લોબલ સ્તરે પણ વિકસતું જાય, જ્યાં જુઓ ત્યાં તેના નામનો જ પ્રચાર થતો હોય, લોકોના મોઢે એજ નામ રમ્યા કરતું હોય, જે સતત લોકોની આંખે ઊડીને વળગ્યા કરતું હોય એ કંપની કે ગ્રુપ અથવા વ્યકિત પ્રત્યે આંખ બંધ કરીને ખેંચાઈ જવાને બદલે દિમાગ ખોલીને -સતેજ કરીને સાવચેત બનતા જવું જોઈએ. અતિપ્રચાર પણ જોખમના નિર્દેશ કરતો હોય છે. ઈન શોર્ટ, અતિની કોઈ ગતિ નથી હોતી.