Homeલાડકીમારી જાતને કૅન્સરથી કેવી રીતે બચાવી શકું?

મારી જાતને કૅન્સરથી કેવી રીતે બચાવી શકું?

કેતકી જાની

સવાલ : મારી ઉંમર પાંત્રીસ વર્ષ છે. આ જ ઉંમરની એક ખાસ બહેનપણીને અઠવાડિયા પહેલા જ સર્વાઈકલ કૅન્સરનું નિદાન થયું છે. ડૉક્ટરના કહેવા મુજબ આ એસ.ટી.ડી. કહેવાય. એટલે સેક્સથી થતો રોગ ને? હવે મને સેક્સથી ડર લાગવા માંડ્યો છે. અમે બંને એકદમ બાળપણથી સાથે જ ઉછર્યા, રમ્યા, લગ્ન પણ ઓલમોસ્ટ આગળ પાછળ જ. મને પણ કૅન્સર થશે, એવી ચિંતા ન જાણે કેમ મને થયા કરે છે. મને શું કરવાથી મારી જાતને કૅન્સરથી બચાવી શકું તે અને એસ.ટી.ડી.ની જાણકારી જલ્દીથી જલ્દી આપો.
જવાબ : બહેન, ખાસ મૈત્રી હોય એટલે તેની સાથે જે બન્યું તે તમારી સાથે પણ બનશે જ, આ વાતનો કોઈ જ આધાર/મતલબ નથી. મનમાં ખોટી શંકાકુશંકા કરવાને બદલે તમારી મિત્રને માનસિક સધિયારો આપવા તમે શું કરી શકો? તે વિચારો. આવી અસંતુલિત અને ભ્રમિત વૈચારિક અવસ્થા સરવાળે તમને ખૂબ નુકસાન જ કરશે તે નિર્વિવાદ સત્ય છે, તે મગજમાં સજ્જડ રીતે ફીડ કરી દો. તમારે ચોક્કસ ડરવું જોઈએ જો તમે તમારી મિત્ર સાથે સજાતીય સંબંધ ધરાવતા હોવ તો. જો તમે તેમની સાથે સજાતીય સંબંધ ના ધરાવતા હોવ તો ખરેખર ડરવાની લેશમાત્ર જરૂર નથી અને જો સજાતીય સંબંધ ધરાવતી હોવ તો પણ તમે માનસિક રીતે ડિસ્ટર્બ થયા વગર શક્ય તેટલા જલદી ગાયનેક ડૉકટરનો સંપર્ક કરી ચેકઅપ કરાવી લો. ખોટી માનસિક પરેશાની લઈને જીવ્યા વગર જે – તે સત્ય જાણવું તમારા જ હાથમાં છે. માટે તમને જે સતાવે છે તે ડર પહેલાં જડમૂળથી કાઢી જીવન જીવો. હવે મુખ્ય વાત જે તમારી મિત્રને થયું તે સર્વાઈકલ કૅન્સરની. આ વિશે આગળ લખ્યું છે છતાં ફરી જણાવીએ છીએ, કારણ કે ભારત સહિત વિશ્ર્વમાં રોજબરોજ કરોડ કરતા વધુ લોકો એસ.ટી.ડી/યૌન સંચારિત રોગોની ચપેટમાં આવે છે તેવું ઠઇંઘ/વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો રિપોર્ટ કહે છે. સત્તાવાર રીતે આ આંકડો જાહેર થયો તેના કરતાં વાસ્તવિક આંકડો કેટલો હશે તે વિચારવું જ રહ્યું. કેમ કે ભારત જેવા દેશમાં આજેય યૌનિક ક્રિયાઓ જાહેરમાં બેસી શકાય તેવી બાબત ગણાતી નથી. ગાઢ મિત્રો સાથે પણ અત્યંત અંગત પળોની અંતરંગતની ચર્ચા કરવામાં લોકો છોછ અનુભવતા હોય છે. યૌન સંચારિત રોગોમાં મુખ્યત્વે ગોનોરિયા, સિફિલિસ, યૌનમાર્ગનો (જેનીટલ), હર્પિસ, એચ.પી.વી. (હ્યુમન પેપીલોમા વાયરસ), એચ.આઈ.વી. એઈડઝ, ક્લેમાઈડીયા જેવા અનેક પ્રકારના રોગોનો સમાવેશ થાય છે. તમારી મિત્રને જે સર્વાઈકલ કૅન્સર થયું છે, તેને માટે એચ.પી.વી. એટલે કે હ્યુમન પેપીલોમા વાયરસને જવાબદાર ગણવામાં આવે છે. આ સિવાયના અન્ય તમામ યૌન સંચારિત રોગોને કારણે સ્ત્રી-પુરુષ બનેમાં નપુંસકતા, ગર્ભાવસ્થા સંબંધી તકલીફો, યૌનાંગોની વિવિધ પ્રકારની બીમારીઓ, રોગપ્રતિકારક શક્તિનું ઓછું/નામશેષ થવું, પેટા-યૌનાંગો ઉપર સોજા આવવા જેવા અનેક અવરોધ ઊભા થાય છે. યૌન સંચારિત રોગો સેક્સ્યુઅલી એક્ટિવ હોય તેવી કોઈપણ વ્યક્તિને થઈ શકે છે. બેક્ટેરિયા, વાયરસ, પરજીવી જીવાણુ અને ફંગસ/ફૂગ વગેરે આ રોગના જનક મનાય છે. કોંડોમ વગર સેક્સ આ રોગનું મુખ્ય કારણ છે. આ સિવાય ઓરલ-એનલ સેક્સ, અનેક સાથી સાથે સેક્સ કરવો, કુટુંબમાં એસ.ટી.ડી ગ્રસિત વ્યક્તિ હોવા જેવાં કારણો પણ જવાબદાર છે. એચ.આઈ.વી./એઈડ્સ જેવો એસ.ટી.ડી. સંક્રમિત લોહી અને ઈંજેકશન દ્વારા પણ ફેલાય છે. પેટ/પેઢુનો ભાગ ઝીણોઝીણો દુ:ખ્યા કરે, વારંવાર પેશાબ કરવા જવું પડે, પેશાબ કે મળત્યાગ વખતે લાય બળવી કે દુ:ખવું, યૌન અંગોમાં ચાંદા/ફોડકીઓ થવા, સેક્સ કરતી વખતે સામાન્ય કરતાં વધુ દર્દ, પીરિયડ સિવાય યોનિથી રક્તસ્રાવ (સ્ત્રીઓને), પેશાબમાં અલગ પ્રકારની ગંધ આવવી જેવાં લક્ષણો દેખાય/જણાય તો તે સ્ત્રી પુરુષે શક્ય તેટલાં જલદી ડૉક્ટર પાસે જઈ સારવાર કરાવવી જોઈએ. એસ.ટી.ડી.થી બચવા માટે દરેકે યૌન સંચારિત સંક્રમણથી અંતર જાળવવું તે અસરકારક ઉપાય છે. કોઈપણ નવા સાથી સાથે યૌનિક સંબંધ બાંધતા પહેલા ઈમાનદારીથી તેનો યૌન સંબંધિત ઇતિહાસ જાણવા આગ્રહ રાખો. ટીનએજ દીકરીઓને તેનાથી ભવિષ્યમાં બચાવવા એચ.પી.વી. અને હેપેટાઈટિસી બીની રસી મુકાવવી જોઈએ. સેક્સ દરમ્યાન કંડોમ અનિવાર્યપણે વાપરો. દર બે મહિને નિયમિત ડૉકટરની મુલાકાત લઈ તમારા શરીર વિશે માહિતગાર રહો. અસ્તુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -