પ્રિય પપ્પા… -યઝદી કરંજિયા
મારા પપ્પા નોસેરવાન બાપુજી કરંજિયા. અમારું મૂળ વતન ખંભાત. મારા દાદા ખંભાતમાં અગિયારીના દસતૂર હતા. ત્યાં શાળાઓ હતી, પરંતુ શિક્ષણનું સ્તર થોડું નબળું હતું, તેથી દાદાએ પપ્પાને ભણવા માટે સુરત મોકલ્યા. જ્યાં તેઓ એક ‘પારસી બોયસ ઓરફનેઝ’માં રહેતા હતા. આમ આ અનાથ બાળકો માટેનું અનાથ આશ્રમ કહેવાય, પરંતુ ત્યાં અન્ય શહેરોમાંથી આવતા, આર્થિક રીતે નબળાવર્ગના અથવા અન્ય શહેરમાં ભણવાની સગવડતા ન હોય એ બાળકોને એ આશ્રમમાં રહેવાની સગવડતા આપવામાં આવતી હતી. મારા પપ્પા ભણવામાં સામાન્ય હતા, પરંતુ એમને કળામાં ખૂબ જ રુચિ હતી. એમને નાટ્યક્ષેત્રે વધારે રુચિ હતી.
મારા પપ્પા વિશેની એક ખૂબ જ રસપ્રદ વાત કરું. તેઓ જ્યારે દસમા ધોરણ (હાલનું ધોરણ અગિયાર)માં ભણતા હતા, ત્યારે એક દિવસ શાળાના નોટિસ બોર્ડ પર એક ‘ગોલ્ડ મેડલ’ લટકતો જોયો, જેના પર ‘પીટમેન્ટ શોર્ટહેન્ડ મેડલ’ લખેલું હતું. એને તેઓ ટગર ટગર જોયા કરતા હતા. એ જ વખતે એક વિદ્યાર્થીએ ખભા પર ટપલી મારતાં કહ્યું કે ‘હેલ્લો, એકસો તેત્રીસ (અનાથ આશ્રમમાં બાળકો નામથી નહીં પણ નંબરથી ઓળખાતાં હતાં અને મારા પપ્પાનો નંબર એકસો તેત્રીસ હતો.) તું તો આ મેડલને એવી રીતે જોયા કરે છે કે જાણે એ તને જ મળવાનો હોય.’ એની આ વાત એમને એટલી બધી સ્પર્શી ગઇ કે એમણે મેટ્રિકના બધા વિષયોને કોરાણે મૂકી દીધા અને શોર્ટહેન્ડ શીખવા પાછળ લાગી ગયા અને શોર્ટહેન્ડમાં હકીકતમાં ‘ગોલ્ડ મેડલ’ મેળવ્યો, પરંતુ તેઓ મેટ્રિકમાં નપાસ થઇ ગયા. તેઓ પરત ખંભાત આવી ગયા. તેઓ ખૂબ જ સારા સ્પોર્ટસમેન હતા. ખૂબ જ સારું ક્રિકેટ રમતા અને ખંભાત સ્ટેટની ક્રિકેટ ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યા છે. તેઓ વૉલીબૉલ પણ સારું રમી શકતા હતા, તેથી તેમને ખંભાતમાં જ એક શાળામાં વ્યાયામ શિક્ષક તરીકે નોકરી મળી ગઇ, પણ એમનો માંહ્યલો તો શોર્ટહેન્ડ તરફ જ લાગેલો હતો. તેથી તેમણે એમની શાળાના આચાર્યને એ વિશે વાત કરી કે ‘હું અહીંયા ટાઇપ અને શોર્ટહેન્ડના ક્લાસ શરૂ કરવા માગું છું.’ પપ્પાએ ઘરમાં જ એક અલાયદા રૂમમાં ‘કેમ્બે ઇન્સ્ટિયૂટ’ના નામથી ક્લાસ શરૂ કર્યા પણ એક મહિના દરમિયાન એકપણ વિદ્યાર્થી આવ્યો નહીં. એની જાણ આચાર્યને થતા એમણે મારા પપ્પાનો ઉત્સાહ જોઇને એમાં વધારો થાય એ માટે એમણે એમના દીકરાને મારા ક્લાસમાં મોકલ્યો. એનું નામ ‘મોહન’. એ ‘કેમ્બે ે ઇન્સ્ટિયૂટ ઓફ કોર્મસ’નો પ્રથમ વિદ્યાર્થી હતો. એ જમાનામાં વડોદરાને બરોડા કહેતા એ રીતે ખંભાતને ‘કેમ્બે’ કહેતા, તેથી પપ્પાએ ખંભાતના નામ પરથી ક્લાસનું નામ ‘કેમ્બે’ રાખ્યું હતું.
યોગાનુયોગ સુરતની સર જે. જે. ઇંગ્લિસ સ્કૂલ (તેઓ આ શાળામાં જ ભણ્યા હતા)ના આચાર્ય એ કહ્યું કે ‘તમે સુરત જ આવી જાવ અને વાણિજ્ય વિષયો શીખવો.’ હું ગર્વથી કહી શકું છું કે મારા પિતાજી નોન મેટ્રિક હતા છતાં શોર્ટહેન્ડ, ટાઇપરાઇટિંગ અને એકાઉન્ટન્સી વિષયો પર ખૂબ એવી સરસ પકડ હતી કે બી. કોમ., એમ. કોમ. અને સી. એ. ના વિદ્યાર્થીઓ પણ તેમની પાસે શીખવા આવતા. તેઓએ પોતે જ પોતાના શિક્ષક બની આ વિષયો પર પ્રભુત્વ મેળવ્યું હતું.
સુરતમાં ક્લાસિસ ખૂબ જ સારી રીતે ચાલવા લાગ્યા. દર વર્ષે વાર્ષિક સ્નેહ સંમેલન કાર્યક્રમ રાખવામાં આવતો. તેમાં ગીત, સંગીત, નૃત્ય, સમૂહગાન, નાટિકાઓ ભજવવામાં આવતી.
મારા ઘરમાં જ રિહર્સલ થતા હતા. એ સમયે મારી ઉંમર પાંચ કે છ વર્ષની હશે. મને થતું કે મારા ઘરમાં જ બધા રિહર્સલ કરે છે, પણ મને કોઇ ભાગ નથી લેવા દેતા. તે જમાનામાં આજની જેમ ઓડિટોરિયમ હતા જ નહીં. કોઇ મોટા હૉલમાં સ્ટેજનો પરદો લગાવી દેતા અને સામે ખુરશીઓ ગોઠવી દેતા. હવે કાર્યક્રમને દિવસે કોણ જાણે મને શું સૂઝયું કે કાર્યક્રમ શરૂ કરવા પરદો ખૂલ્યો એ સાથે જ મેં મોટે-મોટેથી રડવાં માંડયું. મારો અવાજ સાંભળી ઓડિયન્સમાંથી મારા પિતાજી અને અન્ય લોકો દોડી આવ્યા. પપ્પાએ મને પૂછયું ‘શું થયું? પડી ગયો?’ ત્યારે એક ભાઇએ કહ્યું કે ‘એ કઇ પડી નથી ગયો. ઢોંગ કરે છે. એને સ્ટેજ પર જવું છે’. પપ્પાએ મને ‘પ્રાર્થનાની આઇટમમાં ઊભો રાખ્યો. મારા મિત્રોએ મને પુછયું ‘કેમ રડતો હતો?’, ત્યારે મારાથી સહજ પણે બોલાઇ ગયું ‘શું કરું દોસ્ત લોકોને હસાવવા માટે મારે રડતા-રડતા સ્ટેજ પર જવું પડયું.
હું નમ્ર પણે માનું છું કે આપણા જીવનમાં જે કઇ પણ થાય છે. તે ભગવાન જ સુઝાડે છે. પછી અભિનય ગીતો, સ્ત્રી પાત્રો અને બાદમાં નાટકો એમ મારી જીવનસફર શરૂ થઇ.
એક ખૂબ જ સરસ મજેદાર કિસ્સો મારી સાથે બન્યો હતો. હું હાઇસ્કૂલમાં ભણતો હતો. એ સમયે નાટકોમાં છોકરીઓ કામ નહોતી કરતી. તેથી એક નાટકમાં માત્ર ૧૩-૧૪ વર્ષની ઉંમરે મને સ્ત્રી પાત્ર ભજવવાનો મોકો મળ્યો. નાટક માટે રિહર્સલ રાખવામાં આવ્યું હતું. મારા પાત્રનો વારો આવતા એને મેં ખૂબ જ સારી રીતે ભજવ્યું. લોકોએ મારા અભિનયનાં ખૂબ જ વખાણ કર્યા. હું ફૂલાઇને ફાળકો થઇ ગયો અને એ જ વેશ (છોકરીના)માં હું સાઇકલ લઇને રાતે ફરવા નીકળી પડયો. ત્યારે બે-ચાર ટપોરીઓ મને છોકરી સમજીને મારી પાછળ પડી ગયા. હું ગભરાઇને પોલીસ સ્ટેશન પહોંચી ગયો. ત્યાં ડીએસપી તરીકે ફરજ પર કાવસજી દારૂવાલા હાજર હતા. એ પણ મને છોકરી જ સમજી બેઠાં હતાં. મેં વિસ્તૃતમાં ફોડ પાડીને બધી વાત કરી ત્યારે તેમણે મારી આવી બાલીશ હરકત પર મને એક તમાચો ચોડી દીધો અને બાદમાં પોલીસની ગાડીમાં મને રિહર્સલ સ્થળ પર પરત મૂકી જવાની સગવડતા પણ કરી આપી અને એક પોલીસવાળા ભાઇ મારી સાઇકલ ત્યાં પહોંચાડી ગયા. બીજા દિવસે મારા પ્રોગ્રામમાં એ જ વ્યક્તિ મુખ્ય મહેમાન તરીકે બેઠા હતા. હું ડરી ગયો કે સાહેબ ગઇકાલ રાતની વાત મારા પપ્પાને ન કરી દે, પરંતુ એમણે મારા પાત્રના અભિનયને બિરદાવ્યો અને મારા ગાલ પર વ્હાલથી પંપાળ્યું. ભગવાનની લીલા અપરંપાર છે, જે વ્યક્તિએ ગઇ કાલે મારા ગાલ પર લાફો માર્યો હતો આજે એ જ વ્યક્તિએ મારા બીજા ગાલ પર વ્હાલ કર્યું. ત્યાર બાદ ઘણાં બધાં સ્ત્રી પાત્રો મેં ભજવ્યાં.
મેં સર કે.પી. કોલેજ, સુરતમાં પ્રવેશ મેળવ્યો. ત્યારે મારું કદ, નામ અને પદ બધું જ નાનું હતું તેથી કોલેજમાં મને નાનાં-નાનાં પાત્રો ભજવવાનો મોકો મળ્યો. મને પણ થતું કે મને મારી ક્ષમતા પ્રમાણેનાં પાત્રો મળતાં નથી. એ પણ દિવસ આવ્યો ૧૯૫૮માં. હું બી. કોમના છેલ્લા વર્ષમાં હતો, ત્યારે કોલેજના પ્રિન્સીપાલે મને ‘ઇન્ટર યુનિવર્સિટી નેશનલ યુથ ફેસ્ટિવલ’માં ભાગ લેવા માટે પ્રોત્સાહન આપ્યું. મેં ચંદ્રવદન ચિમનલાલ મહેતા (ચં.ચી.)નું ‘મૂંગી સ્ત્રી’ નામનું નાટક પસંદ કર્યું. એ નાટક એટલું સરસ બન્યું હતું કે સ્થાનિક સ્તરે, ઝોનલ સ્તરે ખૂબ જ સફળ રહ્યું અને અમદાવાદમાં સેમિફાઇનલ સુધી અમે પહોંચી ગયા. ત્યાં જજ તરીકે જયશંકર ભુદરદાસ ભોજક હતા. તેઓ ‘સુંદરી’ નામના સ્ત્રી પાત્ર એટલી સરસ રીતે ભજવતા કે તેઓ જયશંકર ‘સુંદરી’ તરીકે પ્રખ્યાત થઇ ગયા હતા. તેઓ સ્ત્રી પાત્રો ભજવતા એટલું જ નહીં પણ કલાકારને સાડી પહેરવા, સ્ત્રીની જેમ ચાલવા વગેરે માટે તાલીમ પણ આપતા. નાટકમાં અમારો પ્રથમ નંબર આવ્યો. મેં ખુશીના માર્યા બાળસહજ વૃત્તિથી દોડીને જયશંકર ‘સુંદરી’ પાસે પહોંચી ગયો અને એમના ગાલ પર કિસ કરી દીધી. એ મને જોયા કરે અને પછી મને કહ્યું કે દીકરા તેં મને ‘સુંદરી’ તરીકે કિસ કરી કે જજ તરીકે કરી? એટલે મેં તરત બીજા ગાલ પર કિસ કરી દીધી અને એમને કહ્યુ કે પહેલી જજ તરીકે કરી હતી અને બીજી ‘સુંદરી’ તરીકે કરી. એ ખુશ થઇ ગયા અને મને આશીર્વાદ આપ્યા. તેમણે મને મારા નાટકમાંના મારા અભિનયના વખાણ કર્યા એ મારે કોઇપણ ખિતાબથી વધારે મહત્ત્વનું હતું. ફાઇનલ દિલ્હીમાં હતી. આ સ્પર્ધામાં ચાલીસ જેટલી યુનિવર્સિટીએ ભાગ લીધો હતો. એમાં મારા નાટકનો ત્રીજો નંબર આવ્યો, જ્યારે મને ‘બેસ્ટ અભિનેતા’નો એવોર્ડ મળ્યો. ત્યારે મને સમજાયું કે મારામાં કઇંક આવડત છે તો એનો ઉપયોગ કરવો જ જોઇએ.
તેના ત્રણ-ચાર મહિના બાદ ઓરિએન્ટ ક્લબ, અમદાવાદથી નાટક ભજવવા માટે મને ઓફર આવી. મહેનતાણા તરીકે ૭૫૦ રૂપિયા આપવાના હતા. હું ખુશ થઇ ગયો કારણ કે એ જમાના ૭૫૦ રૂપિયા એ મોટી રકમ હતી. મેં પપ્પાને આ બાબતે વાત કરી. ત્યારે પપ્પાએ મને ડૉ. રતનજી રુસ્તમજી માર્શલ (જેઓ ગુજરાતી પત્રકારાત્વમાં પી.એચ.ડી. કરવાવાળા પ્રથમ વ્યક્તિ હતા)ના હાથમાં મારો હાથ મૂકીને સલાહ આપતા કહ્યું હતું કે ‘દીકરા તારે જેટલાં નાટકો કરવાં હોય એ કરજે પણ એમાંથી એક રૂપિયો તારે લેવાનો નહીં. તારે તારી કળાને વેચવાની નથી, પણ વહેંચવાની છે. આપણી રોજીરોટી આપણે જે શિક્ષણ આપીએ છીએ એમાંથી જે ઉપાર્જન થાય એ જ છે.’ એ દિવસથી આજદિન સુધી મેં નાટકમાંથી એક પૈસો પણ લીધો નથી. નાટકોમાંથી જે પણ આવક થાય એ બધી રકમ અમે ચેરિટીમાં આપી દઇએ છીએ. સદકાર્યમાં ભગવાન આપણને આપણા કાર્યમાં કેવી રીતે મદદ કરે છે એનો બીજો કિસ્સો કહું. અમે નાટક કરવા ઓરિએન્ટ ક્લબમાં ગયા. તો ત્યાં મુંબઇના સ્વ. ફિરોજ આંટિયા કે જેઓ અદી મર્જબાનના મિત્ર હતા. તેઓ પણ ત્યાં નાટક ભજવવા માટે આવેલા. એમને મારું નાટક ગમ્યું. એમનું નાટક પણ સુંદર હતું. એ નાટક ભજવવા માટે મેં એમની પરવાનગી માગી. એમણે મને જરા મજાકના સૂરમાં કહ્યું જરા હાઇટ વધારીને આવ પછી આપીશ. તો મે કહ્યું સાહેબ મારી હાઇટ વધે કે ના વધે પણ તમે જો મને તમારું નાટક આપશો તો કલાની હાઇટ જરૂરથી વધારીશ. મારા જવાબથી એ પ્રભાવિત થયા અને એમનું નાટક ભજવવાની પરવાનગી આપી. એ મેં ભજવ્યું અને એ નાટક દ્વારા અમારી પ્રસિદ્ધિ પણ વધી. એ નાટક લઇને મેં દેશ-વિદેશમાં શો પણ કર્યા. આ બધું કહેવાનો તાત્પર્ય એ જ સારા કાર્ય કરવા માટે ભગવાન આપણને મદદ કરે જ છે. ફક્ત જરૂર છે આપણે પહેલ કરવાની.
નાટકોની સાથે-સાથે પપ્પાના ક્લાસમાં હું વિદ્યાર્થીઓને ભણાવતો પણ હતો. એકવાર યુરોપમાં બેકફોર્ડમાં મારાં નાટકોના બે શો હતા. એક શોમાં ફરોખ એન્જિનિયર મારા અભિનયથી પ્રભાવિત થઇને મારી પ્રશંસા લખીને તેમનું એક બેટ મને ગિફટમાં આપ્યું હતું. જે હજી સુધી મારી પાસે સચવાયેલું છે. જ્યારે બીજા શોના ચીફ ગેસ્ટ મને મળવા આવ્યા. તેઓ મને જોઇને સીધા પગે લાગ્યા. જેઓ યુરોપના પ્રાઇમ મિનિસ્ટર ટોની બ્લેરના સેક્રેટરી હતાં. બાદમાં એમણે કહ્યું કે ટોની બ્લેરની સેક્રેટરી પછી છું એ પહેલાં હું યઝદી સરની વિદ્યાર્થિની છું. એ મારી પાસે શોર્ટહેન્ડ શીખેલા. ત્યારે મને લાગ્યું કે ભગવાને મને એક શિક્ષક તરીકેની જવાબદારી પૂર્ણ રીતે ભજવવાની પણ તક આપી છે અને એમાં સહાય પણ કરી છે.
મારા પપ્પાએ ડગલેને પગલે શીખવામાં અને શીખવવામાં મને મદદ કરી છે. એ ઉપરાંત હું જ્યાં પણ મારાં નાટકો ભજવવા જાઉ ત્યાં મારો ઉત્સાહ વધારવા અને સમજણ આપવા મારી સાથેને સાથે જ આવતા. ઘણીવાર શહેરની બહાર અન્ય રાજ્યમાં નાટકો ભજવવા જવાનું હોય તો છોકરીઓનાં મા-બાપ આનાકાની કરતા હોય, ત્યારે પપ્પા જ એમને સમજાવતા અને એ લોકો એમની છોકરીઓને મોકલતા. આ રીતે પણ પપ્પા મને મદદ કરતા રહેતા.
પપ્પાનો મૂળ જીવ શોર્ટહેન્ડનો એટલે ૧૯૬૦માં પપ્પાએ ગુજરાતી શોર્ટહેન્ડ શોધવા (ડિસ્કવરી નહીં પણ ઇન્વેન્શન)ની શરૂઆત કરી. ૧૯૬૬માં એમનું શોર્ટહેન્ડ પરના પુસ્તકનું કામ પૂર્ણ થયું. એ કામ માટે એ વખતે મારા નાના ભાઇ રોહિન એમને મદદ કરતા. શોર્ટહેન્ડ માટે બીબાં બનાવવા પડતા. એના માટે મુંબઇ જવું પડતું. નાનાચોકથી થોડા આગળ જઇ ત્યાં મી. પુણાવાલાનું પ્રિન્ટીંગ પ્રેસ હતું. એમણે પપ્પાને બહુ મદદ કરેલી. શોર્ટહેન્ડ માટે બીબા બનાવ્યાં, એના બ્લોક બનાવ્યાં. એ રીતે ધીરે-ધીરે પુસ્તક તૈયાર થયું. આ પુસ્તક બનાવવા માટે મારા પપ્પાએ છ વર્ષ સુધી મહેનત કરી. આખો દિવસ ક્લાસમાં હોય અને સાંજે આવીને ગુજરાતી શોર્ટહેન્ડ પર રાત્રે બે વાગ્યા સુધી કામ કરતા અને સવારે તો સાત વાગે પાછા ક્લાસ પર પહોંચી જ ગયા હોય. અમારું કમનસીબ કે પુસ્તક છપાવવા માટે ગયું. ત્યારે માત્ર ચોપ્પન વર્ષની નાની વયે તેમનું અવસાન થયું. ગુજરાતની એંસી ટકાથી વધારે કોર્ટમાં અમારું ગુજરાતી શોર્ટહેન્ડ વપરાતું હતું. એ શોર્ટહેન્ડ લીપીનું નામ મારા સૌથી નાના ભાઇ મહેરનોશ કંરજિયાના નામ પરથી ‘મહેરલિપિ’ રાખ્યું હતું. મહેરનો બીજો અર્થ ‘ભગવાનના આશીર્વાદ’ એવો પણ થાય છે. મારા પપ્પા દ્વારા શોધાયેલા ગુજરાતી શોર્ટહેન્ડને ગુજરાત સરકાર દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું હતું. હવે તો એનું ચલણ ઓછું છે, છતાં આજની તારીખે પણ અમારી પાસે શોર્ટહેન્ડ શીખવા માટે દસ-પંદર વિદ્યાર્થીઓ આવતા જ હોય છે.
મારા પપ્પાનો સ્વભાવ નારિયેળ જેવો. બહારથી દેખાય કડક, પરંતુ અંદરથી એકદમ મૃદુ. પપ્પાને સાઇકલ લઇને આાવતા જોઇએ અને એમની સાઇકલની ઘંટડી સંભળાય એટલે અમે ઘરમાં અમારા પોત પોતાના કમરામાં ભરાઇ જઇએ. એ તો કઇ બોલવાના હોય નહીં પણ એમની એવી ધાક. તેઓ પૂજાપાઠમાં માનનારા વ્યક્તિ હતા. ખૂબ જ સારા સ્વભાવવાળા વ્યક્તિ હતા. તેઓ ગુપ્તદાન પણ પુષ્કળ કરતા હતા. અમારા ક્લાસ ‘કેમ્બે ઇન્સ્ટિયૂટ ઓફ કોમર્સ
’માં કોઇ પણ પારસી કે અન્ય ગરીબ વિદ્યાર્થી આવે તો તેને મફત શિક્ષણ આપવામાં આવતું હતું અને પપ્પાની એ પરંપરા અમે આજે પણ ચાલુ રાખી છે. અમારા આ ક્લાસ સુરતમાં આશરે નેવું વર્ષથી ચાલે છે. અમારા ક્લાસમાં તમામ પ્રકારના કોમર્શિયલ સબજેક્ટ શીખવવામાં આવે છે.
ખૂબ જ સારો અભિનેતા અને મારી સાથે નાટકોમાં કામ કરતો અને શિક્ષક હતો એ મારો જિગરજાન ભાઇ
મહેરનોશ ચાર વર્ષ પહેલાં જ ગુજરી ગયો. મારા પત્ની અંગ્રેજી વિષય શીખવે, હાલમાં મારી દીકરી એકાઉન્ટન્સી શીખવે છે અને મારો દીકરો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એ પણ વિદ્યાર્થીઓને ભણાવે છે. મારું સમગ્ર કુટુંબ નાટ્યક્ષેત્ર સાથે સંકળયેલું છે, પણ અમારા માટે નાટક ભજવવું એ વ્યવસાય નથી. અમે નાટકો ફક્ત ચેરિટી માટે કરીએ છીએ.
મારે ખાસ કહેવું છે કે વર્ષ ૨૦૨૦માં મને ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી‘નો એવોર્ડ મળ્યો. હું નમ્રપણે માનું છું કે આ એવોર્ડ ફક્ત મારા એકલાનો નથી. ‘ડ્રામા ઇઝ અ ટીમવર્ક’. આ એવોર્ડ મને આર્ટ અને કલ્ચર માટે મળેલો છે. આ એવોર્ડ સૌથી પહેલા મારા ભગવાન, સંત સમાન મારા માતા-પિતા, મારી વ્હાલી પત્ની, મારાં બાળકો, મારા ભાઇ-ભાભી, બેન-બનેવી, મારા ભત્રીજા અને ભાણેજો, મારા સુરતીઓ, મારા નાટ્યકલાકાર મિત્રોને અર્પણ કરું છું. મારા કાર્યમાં આ તમામ લોકોએ મને સાથ અને સહકાર આપ્યો છે.
મારા પપ્પા એટલે અમારા કુટુંબ માટે અદ્ભુત પિતા, મારા મમ્મી માટે અદ્ભુત પતિ અને વિદ્યાર્થીઓ માટે અદ્ભુત શિક્ષક હતા. એક સંતસમું નિખાલસ વ્યક્તિત્વ એટલે મારા પપ્પા.
ભગવાન દરેક વ્યક્તિને તેની ફરજ સોંપીને જ પૃથ્વી પર મોકલે છે. એમાં ભગવાન તેને મદદ પણ કરે છે. તેમ છતાં જો વ્યક્તિ તેની ફરજ બજાવવામાં ઊણો ઊતરે છે તો એને ફરીથી જન્મ લેવો પડે છે. જેને આપણે પુનર્જન્મ કહીએ છીએ, આ હું દૃઢપણે માનું છું.