શિવ રહસ્ય -ભરત પટેલ
ગત સપ્તાહ સુધીનો સારાંશ: કુમાર વિનાયકનું મસ્તક ધડથી અલગ થતાં જ વિનાયક જોરથી ચીસ પાડી ઊઠે છે. મસ્તક જમીન પર પડતાં જ અદૃશ્ય થઈ જાય છે. સંભળાયેલી ચીસ પોતાના પુત્રની હોવાનું લાગતાં માતા પાર્વતી પોતાના કક્ષની બહાર આવે છે. વિનાયકનું શરીર મસ્તક વગર જમીન પર પડેલું દેખાતાં, માતા પાર્વતી વિનાયકને ઉઠાવવાની કોશિશ કરે છે પણ નિશ્ર્ચેતન વિનાયક ઉઠતા નથી. પુત્રને આ અવસ્થામાં જોઈ માતા પાર્વતી ભગવાન શિવ પાસે આવીને કહે છે: ‘સ્વામી જુઓ આપણા પુત્રમાં ચેતના જ નથી, તેને પુન:જીવિત કરો, સ્વામી મને મારો વિનાયક પાછો આપો.’
માતા પાર્વતીની આવી માગણી સાંભળી એ જ સમયે ત્યાં પધારેલા બ્રહ્માજી, ભગવાન શ્રીહરિ વિષ્ણુ, ભગવાન શિવ સહિત સમગ્ર દેવગણ હતપ્રભ થઈ જાય છે. કોઈ પણ કંઈ કરી શકતું નથી, માતા પાર્વતીને એ જ ક્ષણે જ્ઞાત થાય છે કે ભગવાન શિવ દ્વારા કરવામાં આવેલા વિનાશને ભગવાન શિવ સિવાય કોઈ જીવિત કરી શકતું નથી. ભગવાન શિવ અને માતા પાર્વતી વચ્ચે લાંબો સમય તર્ક-વિતર્ક થયા બાદ ભગવાન શિવ કહે છે, ‘પાર્વતી, તમારા માતૃત્વના વિજય હેતું હું સમસ્ત સંસારનો પરાજય નહીં કરી શકું, હું વિનાયકને ફરી જીવિત નહીં કરી શકું.’ આટલું સાંભળતા જ માતા ક્રોધિત થઈ જાય છે અને કહે છે: ‘પુત્રને માતાથી છીનવી લેવાનું કારણ બનતી હોય તો એ સૃષ્ટિનો જ વિનાશ હું કરી નાખીશ.’ આટલું બોલતાં જ માતા પાર્વતી અષ્ટભુજાધારી મહાકાયરૂપ ધારણ કરે છે અને તેમના મુખમાંથી અસંખ્ય શક્તિઓ સૃષ્ટિ પર અવતરે છે. માતા પાર્વતીએ વિચાર કર્યા વિના જ એમણે પ્રલય કરી દેવાની આજ્ઞા આપી દીધા પછી તો એ શક્તિઓ દ્વારા સૃષ્ટિમાં પ્રલય થવા લાગ્યો. ડરી ગયેલા દેવગણો અને શિવગણો ભગવાન શિવ પાસે દોડી આવે છે તેમને ઉપાય બતાવતા ભગવાન શિવ કહે છે, ‘વિનાયકને એ જ મલબુદ્ધિ સાથેના અપૂર્ણ રૂપ સાથે જીવિત કરવા અશક્ય છે, જો તેમના શરીર પર કોઈ અન્ય મસ્તક લગાવવામાં આવે તો તેમને જીવિત કરવા શક્ય છે.’ ભગવાન શિવ નંદીને આદેશ આપે છે કે, ‘નંદી, શિવગણો સાથે ઉત્તર દિશામાં જાઓ, સ્વેચ્છાએ પોતાનું મસ્તક આપનાર પ્રાણીનું મસ્તક લઈ આવો એ મસ્તક વિનાયકને પુન:જીવિત કરી શકશે.’ નંદી અને શિવગણો ઉત્તર દિશામાં જતાં એક હાથી પોતાનું મસ્તક સ્વેચ્છાએ આપવા તૈયાર થતાં ભગવાન શિવ એ હાથીના મસ્તકને વિનાયકના શરીર સાથે સંયુક્ત કરી દેતા વિનાયક ચેતનાયુક્ત થઈને માતા પાર્વતીના ચરણ સ્પર્શ કરે છે. માતાને પોતાના પુત્રની અનુભૂતિ થતાં જ તેઓ શાંત થતાં તેમને જ્ઞાત થાય છે કે તેમના પુત્ર વિનાયકના શરીર પર હાથીનું મસ્તક લગાવવામાં આવ્યું છે. નારાજ માતા પાર્વતી દેવગણોને કહે છે કે, ‘હું ત્યારે જ પ્રસન્ન થઈશ જ્યારે કે મારા પુત્રને દરેક દેવગણ પોતાની આંશિક શક્તિ આપી તેને ‘સર્વાધ્યક્ષ’નું પદ પ્રદાન કરે. સમગ્ર દેવગણ પોતાની આંશિક શક્તિ વરદાન આપી ‘સર્વાધ્યક્ષ’નું પદ આપતાં માતા પાર્વતી પ્રસન્ન થાય છે અને પોતાના પુત્રને છાતી સરસો
ચાંપે છે.
***
માતા અને પુત્રના ઐતિહાસિક મિલનને વધાવતાં સમગ્ર દેવગણ માતા પાર્વતી અને વિનાયકનો જયજયકાર કરવા લાગ્યા. ચોંધાર આસુએ માતા પાર્વતી ભગવાન શિવના ચરણ સ્પર્શ કરે છે અને કહે છે: ‘સ્વામી તમે મને દંડ આપો, મેં અષ્ટભુજાધારી મહાકાયરૂપ ધારણ કરી સમગ્ર દેવગણ સમક્ષ તમારું ખૂબ અપમાન કર્યું છે, હું દંડને જ લાયક છું.’
ભગવાન શિવ: ‘ઊઠો પાર્વતી, તમારે ક્ષમા માગવાની કોઈ જરૂરત નથી, તમે મારું કોઈ અપમાન કર્યું જ નથી, સૃષ્ટિની કોઈપણ માતા પોતાના પુત્રને આ અવસ્થામાં જુએ તો તે આવું જ કંઈક કરે.’
વિનાયક: ‘માતા રડો નહીં, મારા પુર્નજીવિત થવાથી અહીં સુખની અનુભૂતિ થઈ રહી છે, અને જ્યાં સુખ હોય ત્યાં અશ્રુને કોઈ સ્થાન નથી હોતું, ક્ષમા માંગવાની જરૂરત મારે છે, મારી મલબુદ્ધિએ તમારા બંને વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન કર્યું, તમે બંને મારાં માતા-પિતા છો મને માફ કરી આશીર્વાદ આપો, જેથી હું સૃષ્ટિના કલ્યાણઅર્થે યોગ્યતા પામું.’
આટલું કહી વિનાયક ભગવાન શિવ, માતા પાર્વતી, શ્રીહરિ વિષ્ણુ, માતા લક્ષ્મી, બ્રહ્માજી, માતા સરસ્વતીને વંદન કરે છે.
ભગવાન શિવ: ‘હે ગિરિજાનંદન! નિ:સંદેહ હું તમારા પર પરમ પ્રસન્ન છું, એટલે આખું જગત પ્રસન્ન થઈ ગયું તેમ સમજો, હવે કોઈ તમારો વિરોધ નહીં કરી શકે, તમે શક્તિના પુત્ર છો, તેથી અત્યંત તેજસ્વી છો, બાળક હોવા છતાં પણ તમે મહાન પરાક્રમ પ્રગટ કર્યું છે, તેથી તમે સદા સુખી રહેશો. વિઘ્નનાશના કાર્યમાં તારું નામ સૌથી શ્રેષ્ઠ હશે, તમે સૌના પૂજ્ય હશો, તેથી હવે તમે સંપૂર્ણ સૃષ્ટિના ગણોના અધ્યક્ષ એટલે ગણેશ કહેવાશો.
આટલું કહ્યા પછી ભગવાન શિવ અત્યંત પ્રસન્નતા કારણે ગણેશને પુન:વરદાન આપતાં બોલ્યા: ‘હે ગણેશ તમે ભાદરવા માસની કૃષ્ણ પક્ષની ચતુર્થીએ ચંદ્રમાના શુભ ઉદય થયો ત્યારે ઉત્પન્ન થયા છો જે સમયે ગિરિજાના સુંદર ચિત્તથી તમારું રૂપ પ્રગટ થયું એ સમયે રાત્રિનો પ્રથમ પ્રહર વીતી રહ્યો હતો, એટલે માટે એ જ દિવસથી આરંભ કરીને એ જ તિથિએ તમારું ઉત્તમ વ્રત કરવું જોઈએ, આ વ્રત પરમ શોભન તથા સંપૂર્ણ સિદ્ધિઓનું પ્રદાતા છે. વર્ષના અંતે જ્યારે ફરીથી એ જ ચતુર્થી આવી જાય ત્યારે ત્યાં સુધી મારા કથનઅનુસાર તમારા વ્રતનું પાલન કરવું જોઈએ. જેને અનેક પ્રકારના અનુપમ સુખ અને સમૃદ્ધિની કામના હોય તેમણે ચતુર્થીના દિવસે ભાવભક્તિપૂર્વક વિધિ સહિત તમારું પૂજન કરવું જોઈએ. જ્યારે ભાદરવા માસની વદ ચોથ (એક વર્ષ બાદ) આવે ત્યારે એ દિવસે પ્રાત:કાલે સ્નાન કરી વ્રતની પૂર્ણાહુતિ માટે દૂર્વા જડ રહિત, બાર આંગળ લાંબી અને ત્રણ ગાંઠોવાળી હોવી જોઈએ એવી એકસો એક અથવા એકવીસ દુર્વા, ધૂપ, દીપ અનેક પ્રકારના નૈવેદ્ય, તામ્બુલ અર્ધ્ય અને ઉત્તમ પદાર્થોથી ગણેશની પૂજા અર્ચના કરનારે ચંદ્રમાનું પૂજન કરવું, ત્યારબાદ હર્ષપૂર્વક બ્રાહ્મણોની પૂજા કરીને એમને મિષ્ઠાનનું ભોજન કરાવવું, બ્રાહ્મણો જમી રહે ત્યાર પછી પોતે પણ મીઠા વગર મિષ્ઠાનનો જ પ્રસાદ ગ્રહણ કરવો, આ રીત વ્રત પૂર્ણ કરનાર પર ગણેશની અમીકૃપા હંમેશાં વરસતી રહેશે. હે ગણેશ! જે શ્રદ્ધાસહિત પોતાની શક્તિ અનુસાર નિત્ય તમારી પૂજા કરશે એના સર્વ મનોરથ સફળ થશે. મનુષ્યોએ સિંદૂર, ચંદન, ચોખા, કેતકી – પુષ્પ વગેરે અનેક ઉપચારો દ્વારા ગણેશનું પૂજન કરશે એમનાં વિઘ્નોનો સદાને માટે નાશ થઈ જશે અને એમની કાર્ય સિદ્ધિ થતી રહેશે.
શ્રીહરિ વિષ્ણુ: ‘હે દેવગણો! જેવી રીતે ત્રિલોકમાં અમારા ત્રણેયની પૂજા થાય છે, એવી જ રીતે તમારે સૌએ પહેલા ગણેશનું પૂજન કરવું. જો ક્યાંક એમની પૂજા પહેલાં ન કરીને અન્ય દેવોનું પૂજન કર્યું તો એ પૂજનનું ફળ નષ્ટ થઈ જશે.’
માતા લક્ષ્મી: ‘નિત્ય ગણેશ પૂજા કરનાર પર હું સદાય પ્રસન્ન રહીશ.’
માતા સરસ્વતી: ‘નિત્ય ગણેશ વંદના કરનાર પર હું પણ સદાય પ્રસન્ન રહીશ.’
આટલા વરદાન મળતાં જ ગણેશ પ્રસન્ન થાય છે તેઓ દરેક દેવગણને નમસ્કાર કરતાં દેવરાજ ઈન્દ્ર પાસે પહોંચે છે અને કહે છે:
ગણેશ: દેવરાજ ઇન્દ્ર મેં તમારું અપમાન કર્યું હતું મને ક્ષમા આપો, હું તમારી સમક્ષ કંઈ પણ નથી, કેમકે જેટલો અહંકાર તમારામાં છે તેટલો અહંકાર કોઈનામાં નથી, રાજા રક્ષક હોય છે, પણ તમે ક્રોધ વશ એક બાળક પર આક્રમક થઈ ગયા હતા, જે પ્રમાણે મારો અહંકાર સમાપ્ત થયો, એમ તમારો અહંકાર પણ એક દિવસ જરૂર સમાપ્ત થશે.’
બાજી સંભાળતા માતા પાર્વતી
કહે છે: ‘દેવરાજ, ખોટું ના
લગાડશો, બાળક છે રમૂજ કરી
રહ્યો છે.’
ત્યારબાદ ગણેશ સૂર્યદેવ આગળ જાય છે અને તેમને પ્રણામ કરી કહે છે: ‘પ્રણામ સૂર્યદેવ, મેં તમારું પણ અપમાન કર્યું હતું, મને ક્ષમા કરો, પણ….. તમારી વર્તણૂક પણ કંઈ સારી નહોતી, તમે એક બાળકને ધમકાવી રહ્યા હતા. સર્વોપરિતા સ્થાપિત કરવા બળ કે શક્તિની જરૂરત નથી હોતી, પ્રેમ અને વિનમ્રતા પણ પર્યાપ્ત હોય છે. આગળ વધતાં ગણેશ સપ્તર્ષિ પાસે પહોંચે છે: ‘પ્રણામ ઋષિગણ, મેં તમારું પણ અપમાન કર્યું હતું, મને ક્ષમા કરો પણ….તમે પણ એક બાળક સામે ધૈર્ય ખોઈ બેઠા અને ક્રોધનો ડર બતાવવા લાગ્યા. જો કોઈ શ્રેષ્ઠી જ પોતાનો પ્રભાવ દેખાડવા ક્રોધ કરવા લાગશે તો એનો એક બાળક પર શું પ્રભાવ પડશે.’
કૈલાસ પર સમગ્ર દેવગણ તરફ જોઈ ગણેશ બોલ્યા: ‘હું તો બાળક છું મારા કથનને ગંભીરતાથી અહીં કોઈએ લેવી નહીં.’ આગળ વધતાં નંદી પાસે પહોંચી ગણેશ બોલ્યા: ‘પિતાજી પ્રત્યે તમારી ભક્તિ જ તમારી સમસ્યા થઈ ગઈ છે, પ્રભુ ભક્તિમાં તમે ભૂલી ગયા છો કે, માતા પાર્વતી મહાદેવની અર્ધાંગ્નિ છે, તેમનો કૈલાસ પર એેટલો જ અધિકાર છે જેટલો મહાદેવનો, જો તમે માતાની આજ્ઞાને મહત્ત્વ આપ્યું હોત તો કોઈ અનર્થ ન થાત.
(ક્રમશ:)