Homeલાડકીમારા ભૂલકાનો વિકાસ સહેજ ધીમો છે, એ મારો વાંક?

મારા ભૂલકાનો વિકાસ સહેજ ધીમો છે, એ મારો વાંક?

કેતકી જાની

સવાલ : મારો પોણા બે વર્ષનો દીકરો છે. તેનું વજન ઉંમરના પ્રમાણમાં ઓછું છે. તે વૉકરની મદદથી ચાલે. કોઈ વસ્તુ પકડીને ઊભો રહે એવું કરે, પણ ઘરનાં અન્ય બાળકો કરતાં તેનો વિકાસ ઘણો ઓછો અને ધીમો છે. અમે પાંચ દેરાણી-જેઠાણી છીએ. બધાના છોકરા તંદુરસ્ત અને સારા એવા ઝડપી ચાલવું-બોલવું કરનારા છે. તેથી મને બધા ઘરમાં મહેણાટોણા મારે કે મારાં ઉછેરમાં ખામી છે એટલે જ તે આવો પાતળો છે, હજી
દાંત નથી આવ્યા કે સરખો જાતે ઊભો નથી રહેતો. હું ‘મા’ છું, આ સાંભળી ખુબ દુ:ખ થાય છે, હું શું કરું?
જવાબ: બહેન હું પણ એક ‘મા’ છું, એટલે તમારા પ્રશ્ર્ન દ્વારા તમે પૂછેલી વાતની સંવેદનશીલતાની તીવ્રતા પ્રશ્ર્ન વાંચતા જ અનુભવી શકું છું. પોતાનાં સંતાન વિશે આવું સાંભળવું કોઈ ીને કેટલું દુ:ખી કરી શકે તેનો અંદાજ કાઢવોય મુશ્કેલ છે, પણ આ સમય પણ જતો રહેશે અને તમે એક વાત ધ્યાનમાં રાખજો કે તમારું બાળક તમારા અને તમારા પતિના જીન્સ વારસામાં લઈ જન્મ્યું છે. અને દરેક બાળક પોતાનું આગવું અસ્તિત્વ ધરાવે છે. કોઈપણ બે બાળકની સરખામણી કરનાર અને તે સંબંધે ટીકાટિપ્પણી કરી કોઈ ‘મા’નું જે દિલ દુભાવે તે લોકો તમારા ‘સગાં’ હોઈ શકે પણ ‘વહાલા’ નથી તે વાત નિર્વિવાદ સત્ય છે. દરેક બાળકનો વૃદ્ધિ ચાર્ટ અલગ હોય બહેન. વૃદ્ધિ સમયે આવાતા જે-તે માઈલસ્ટોન અલગ સમયે આવે. કોઈને દાંત જલદી આવે, કોઈને પગ જલદી આવે, કોઈને જીભ/વાચા જલદી આવે. કોઈને આ ત્રણેય જલદી આવે કે કોઈને આ ત્રણેય નિર્ધારિત સમયગાળા કરતાં મોડું આવે. તમારા પુત્ર બાબત આ થયું છે કે તેને આ ત્રણેય વસ્તુ મોડું આવશે. તેનાથી તેનામાં કાંઈક ખામી છે કે તમારાં ઉછેરમાં કોઈ ખામી છે તેમ માની લેવું અત્યંત હીન વિચારધારા છે, પણ હા, ઘરનાં કે બહારના કાંઈપણ બોલે તમે મનથી મજબૂત રહેજો. આજે ભલે તમારું બાળક દુનિયાની દૃષ્ટિએ વિકાસમાં ઓછું/નબળું છે, બની શકે ભવિષ્યમાં એટલું બુદ્ધિશાળી બને કે તમારા ઘરના તમામ બાળકો પાછળ પડી જાય. આ ખરેખર સમય છે કે તમે આત્મવિશ્ર્વાસથી તમારા બાળકને પકડી રાખો, મજબૂત દીવાલ બની તેને મદદ કરો જેથી તે આ દુનિયામાં એકલતા ના અનુભવે. તેને સતત
આ કે તે કરતાં સ્વરૂપે પ્રેશરાઈઝ કરવામાં
ધન્યતા અનુભવવાને બદલે તેને તે જે છે એ જ સ્વરૂપે અપનાવી તેનો વિકાસક્રમ સુદૃઢ કરવા
તમે શું મદદ કરી શકો? તે વિચારો. આ માટે કેટલાંક મુદ્દા.
* પોણા બે વર્ષ એટલે સત્તર ઉપર મહિના થઈ ગયા છે તે તમારા જ દૂધ ઉપર આદારિત હોય તો ક્રમશ: ધાવણ છોડાવવા પર ધ્યાન
કેન્દ્રિત કરો.
* તેને અલગ પ્રકારના વિવિધ આહારમાં જે પસંદ આવે તે ખવડાવો. તમે બજારમાં ઉપલબ્ધ બેબી ફૂડ સુધ્ધાં ટ્રાય કરો. ઘરે જાતે રાગી-નાચણી-મગની ખીચડી (એકદમ પાતળી), રાબ, દહીં, દરેક પ્રકારના સિઝનલ ફળોનો રસ, દાળનું પાણી વગેરે દિવસમાં જેટલી વાર ભૂખ લાગે તેટલી વાર આપો. પાકું કેળું છીણીને સવારના સમયે આપી શકો, તેનાથી વજન વધવામાં મદદ મળશે.
* બાળકનું ડીવોર્મિંગ યોગ્ય સમયાનુસાર થાય તેનો અચૂક ખ્યાલ રાખવો.
* બાળક ખાવામાં ચોરી/અનાકાની કરતું હોય તો તેની સામે જે-તે અન્ન પદાર્થ તમે જાતે ખાવ અને ના ભાવે તો પણ બહુ સરસ છે કહી ચટકારા લો. બાળક તરત તે ખાવા ઉત્સુકતા બતાવશે.
* જ્યાં સુધી તે પોતે ભૂખ લાગી છે તેવા સિગ્નલ ના આપે ત્યાં સુધી ખાવા ના આપો.
* બાળકને ‘માલીશ’ કરો છો? ના કરતાં હોય તો કરો, તેનાથી સારી ઊંઘ આવશે અને તેના શરીરમાં રક્તસંચાર વધતા તે એકટીવ રહેશે. આટલું નાનું નાજુક બાળક આવી નાની નાની વાતને લીધે પાલક અને ઘરનાં અન્ય સદસ્યો તરફથી ‘ટીકા પાત્ર’ બને તે ખરેખર નિંદનીય છે. તમે તેની ઢાલ બની જાવ અને બીજા બધાના વિચાર છોડી દો. તેનું ખોરાક રુટીન પ્રશ્ર્નમાં હોત તો વધુ સારી રીતે જવાબ આપત, પણ અહીં જનરલ સૂચનો જ કરી શકી છું. તમે આ વાતની કોઈ પીડિયાટ્રીક્સ પાસે ચર્ચા કરી શકો જો શક્ય હોય તો. તેઓ તમને વધુ સારી રીતે સમજાવી શકશે તેની મને ખાતરી છે. છેલ્લે એટલું જ કે બે ભિન્ન જીવોની જન્મતાવેત જ સરખામણી કરવી એ ક્રૂરતા છે, તમે નિરાશ થયા વગર બાળકને હૂંફ આપો. તેની કાળજી લો, સૌ સારા વાના થશે. અસ્તુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -