મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેના સામે બળવો કરીને એકનાથ શિંદેએ નવી સરકારનું ગઠન કરવામાં આવ્યા પછી અત્યારે બંને પક્ષે સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચમાં ઘર્ષણ જોવા મળી રહ્યું છે, ત્યારે તાજેતરમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઘટસ્ફોટ કરતા કહ્યું હતું કે મહાવિકાસ આઘાડી (એમવીએ) સરકારની મુરાદ તો મને જેલમાં નાખવાની હતી, પરંતુ એ નિષ્ફળ રહી હતી.
તત્કાલીન મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેને એ ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, એમ એક ઈન્ટરવ્યૂમાં ફડણવીસે જણાવ્યું હતું. હું રાજકીય દ્વેષ રાખતો નથી અને ના તો મારી સરકાર કોઈની સાથે વેર ભાવના રાખતી નથી, પરંતુ અઢી વર્ષની સરકારે મારા પર કેસ કરવાની કોશિશ કરી હતી અને મને જેલમાં નાખવાનો ટાર્ગેટ પણ સંજય પાંડેને સોંપવામાં આવ્યો હતો, પરંતુ મેં એવું કંઈ કર્યું જ નહોતું કે જેનાથી મારે જેલમાં જવું પડે અને એમના હથિયાર નીચે પડ્યા હતા. કોઈ પણ પ્રકારે મને ફસાવીને જેલમાં નાખવાની કોશિશ મહા વિકાસ આઘાડી સરકારે કરી હતી. તમે પોલીસ ડિપાર્ટમેન્ટને પણ પૂછી શકો છો તો તમને એ હકીકત જણાવશે. આમ છતાં આજની તારીખે પણ મારા મનમાં એના અંગે કોઈ વેરની ભાવના નથી. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથેના સંબંધો અંગે ફડણવીસે કહ્યું હતું કે મારી ઉદ્ધવ ઠાકરે સાથે કોઈ દુશ્મની નથી, પરંતુ તેમને મારા માટે ‘માતોશ્રી’ના દરવાજા બંધ કરી દીધા છે. એટલું જ નહીં, તેમને 2019માં મારા કોલનો જવાબ પણ આપ્યો નહોતો.