હેડિંગ વાંચીને તમે ચકરાઈ ગયા ને? કદાચ એકાદ ક્ષણ માટે તો એવું પણ થઈ ગયું હશે ના હોય, આવું શક્ય જ નથી. પણ બોસ આ હકીકત છે અને આપણા ગર્વીલા ગુજરાતમાં જ આવું બન્યું છે. આ મંદિર વિશે જાણવા માટે આપણે પહોંચી જવું પડશે ગુજરાતના અમરેલી જિલ્લા ખાતે. અહીં સાંપ્રદાયિક સૌહાર્દને મજબૂત કરતી આ ઘટના સામે આવી છે. એક મુસ્લિમ પરિવારે રામ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ મંદિર બે વર્ષ પહેલાં તોફાનમાં ક્ષતિગ્રસ્ત થયું હતું. આ અગાઉ પણ આ મંદિર ગામમાં મુસ્લિમ સમાજની જમીન પર બનાવવામાં આવ્યું હોવાનો દાખલો જોવા મળ્યો હતો.
ગુજરાતના અમરેલી જિલ્લામાંથી કોમી સૌહાર્દનું ઉદાહરણ રજૂ કરતી એક અનોખી ઘટના સામે આવી છે. દરિયા કિનારે આવેલું આ રામ મંદિર મે 2021માં તૌકેટ ચક્રવાતથી નષ્ટ થઈ ગયું હતું, પરંતુ બે વર્ષ પછી તે ભવ્ય સ્વરૂપમાં પાછું બનાવવામાં આવ્યું છે. સ્થાનિક મુસ્લિમ સમુદાયે આ વાતને શક્ય બનાવી છે અને મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ પ્રખ્યાત કથાકાર મોરારી બાપુની હાજરીમાં આ મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અમરેલી જિલ્લાના જાર ગામમાં વર્ષો પહેલાં આ રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને એ સમયે આ મંદિર માટે એક મુસ્લિમ પરિવારે જમીન આપી હતી. તૌકેત તોફાનથી મંદિરને નુકસાન થયું હતું, પરંતુ હવે આ મંદિરનો ફરી જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. જ્યારે તૌકેત ચક્રવાતમાં મંદિરને નુકસાન થયું હતું, ત્યારે ત્યાંના સ્થાનિક રહેવાસી દાઉદભાઈ લાલીયાના પરિવારે વર્ષો જૂના સૌહાર્દને આગળ ધપાવવાનું નક્કી કર્યું હતું.
દાઉદ ભાઈના પરિવારે માત્ર મંદિરનું પુનઃનિર્માણ કરવાનો નિર્ણય જ નહીં પરંતુ તેના પરિસરને વિસ્તારવાનું પણ નક્કી કર્યું, જેથી ગામમાં પરસ્પર ભાઈચારાનો વારસો આગળ ધપાવી શકાય. આ માટે વધુ જમીનની જરૂર પડી તો લાલીયા પરિવારે તે જમીન પણ દાનમાં આપી દીધી હતી.
આ પ્રસંગે રામ કથાકાર મોરાબી બાપુએ પણ જણાવ્યું હતું કે, સાંપ્રદાયિક એકતા એ આપણા દેશની સંસ્કૃતિનો હંમેશાથી જ એક અભિન્ન અંગ રહી છે. સમયાંતરે આ પરંપરા પર ડાઘ લાગ્યો છે પણ દાઉદભાઈ જેવા લોકો પોતાના પુણ્ય કાર્યથી આ ડાઘ સાફ કરી રહ્યા છે. લાલીયા પરિવારે વિધી વિધાન દ્વારા મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાવ્યા બાદ આખા ગામને સામૂહિક ભોજન માટે આમંત્ર્યું હતું.
જાર ગામની કુલ વસ્તી વિશે વાત કરીએ તો તે 1200 લોકોની છે અને એમાં મુસ્લિમોની સંખ્યા આશરે 100 જેટલી છે. દાઉદભાઈએ કહ્યું કે મોરારી બાપુ પ્રતિમા સ્થાપન સમારોહમાં હાજર રહે તે તેમનું સપનું હતું. કાર્યક્રમમાં કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝે જણાવ્યું હતું કે ભારતના ગામડાઓમાં સાંપ્રદાયિક સૌહાર્દ છે. આ અનોખી ઘટના વિશે વાંચીને જ દિલ એકદમ ગાર્ડન ગાર્ડન થઈ ગયું ભાઈસા’બ. ભાઈચારો હોય તો આવો…