Homeએકસ્ટ્રા અફેરમસ્ક ટ્વિટરને મની મેકિંગ મશીન બનાવી દેશે

મસ્ક ટ્વિટરને મની મેકિંગ મશીન બનાવી દેશે

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ગુજરાતીમાં કહેવત છે કે, વાર્યા ના વળે એ હાર્યા નળે ને આ કહેવત વિશ્ર્વની સૌથી અમીર વ્યક્તિ અને ઈલેક્ટ્રિક કાર ટેસ્લા કંપનીના માલિક એલન મસ્કના કિસ્સામાં સાવ સાચી પડી છે. ટ્વિટર ખરીદવા માટે ઓફર આપ્યા પછી
પાણીમાં બેસી ગયેલા મસ્કને ટ્વિટરનું બોર્ડ કોર્ટમાં ઢસડી ગયેલું. એ પછી મસ્ક પાસે બે જ વિકલ્પ રહેલા. કાં નક્કી કર્યા
પ્રમાણે સોદામાં આગળ વધવું કાં સોદો ફોક કરીને અબજોનો દંડ ભરવો.
મસ્ક પાકો બિઝનેસમેન છે તેથી નુકસાનનો સોદો કરે એ વાતમાં માલ નથી. સોદો ફોક કરીને અબજોનો દંડ ભરવામાં ખાયા પિયા કુછ નહીં ઔર ગિલાસ તોડા બારહ આના જેવો ઘાટ થાય તેમ હતો તેથી છેવટે મસ્કે બીજા વિકલ્પ પસંદ કરીને અંતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર ખરીદી લીધું.
એલન મસ્કે અબજોના દંડના ડરે ટ્વિટર ખરીદ્યું છે એ દીવા જેવી ચોખ્ખી વાત છે પણ એ કબૂલવા જાય તો નીચાજોણું થાય તેથી પડ્યા પછીય ટંગડી ઊંચી રાખવા મસ્કે લાંબીલચ્ચક પોસ્ટ મૂકી છે. તેમાં ટ્વિટર સાથે સોદો કરવાનાં ઘણાં કારણો જાહેર કર્યા છે ને છેવટે બધી વાતોનો સાર એમ કહીને આપ્યો છે કે, આ સોદો માનવતાની મદદ માટે કરવામાં આવ્યો છે.
મસ્કને માનવતાની મદદમાં કેટલો રસ છે એ આપણને સૌને ખબર જ છે. જે રીતે તેણે ટ્વિટર સાથેનો સોદો નક્કી થયા પછી ઠાગાઠૈયા કર્યા તેના કારણે તેનો માનવતાનો ડોળ ખુલ્લો જ પડી ગયેલો. મસ્ક અને ટ્વિટર વચ્ચે બહુ પહેલાં જ ટ્વિટર ખરીદવા માટે સોદો થઈ ગયેલો. એલન મસ્ક દ્વારા સાત-આઠ મહિના પહેલાં ૪૪ બિલિયન ડોલર (લગભગ ૩.૫૦ લાખ કરોડ રૂપિયા)માં ટ્વિટર ખરીદવા ઓફર કરાયેલી. મસ્કે પ્રતિ શેર ૫૪.૨૦ ડોલરના ભાવે ટ્વિટરનો શેર ખરીદવાની ઓફર મૂકી હતી.
ટ્વિટરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આ ઓફરને મંજૂરી આપી પછી મસ્ક ફસકી ગયેલો. મસ્કે એ પછી આનાકાની કરવા માંડેલી પણ ટ્વિટરનું બોર્ડ મક્કમ સાબિત થયું. તેમણે મસ્કના વાંધાને ગણકાર્યા વિના ટ્વિટરના શેરહોલ્ડરો સામે એલન મસ્કની ૪૪ બિલિયન ડોલરમાં ટ્વિટર ખરીદવાની ઓફરને મંજૂરી માટે મૂકી દીધેલી, ટ્વિટરના શેરહોલ્ડરોએ પણ આ સોદા પર મંજૂરીની મહોર મારી દેતાં મસ્ક ભેરવાઈ ગયો હતો. ટ્વિટરના સાન ફ્રાન્સિસ્કોમાં આવેલા હેડક્વાર્ટરમાં શોર્ટ કોન્ફરન્સ કોલમાં શેરહોલ્ડરોએ ડીલને મંજૂરી આપી દેતાં મસ્ક ચસકી જ ના શકે એવી હાલત થઈ ગઈ હતી.
મસ્કે પ્રતિ શેર ૫૪.૨૦ ડોલરના ભાવે ટ્વિટરનો શેર ખરીદવાની ઓફર હતી પણ મસ્ક આઘોપાછો થતો હતો તેથી ટ્વિટરના શેરના ભાવ ગગડવા માંડેલા. ટ્વિટરની વેલ્યુ ઘટી રહી હોવાથી મસ્ક ચિંતામાં હતો ને ટ્વિટર ખરીદવાનો વિચાર માંડી જ વાળેલો પણ ટ્વિટરના બોર્ડે તેની સામે કેસ ઠોકી દીધો. મસ્ક બોલીને ફરી ગયો હોવાથી કંપનીના શેરહોલ્ડરોને જંગી નુકસાન થશે એવો મુદ્દો ઊભો કરાયેલો. આ ઉપરાંત કરાર ભંગ સહિતના મુદ્દા તો હતા જ.
અમેરિકાની ડેલાવેર કોર્ટમાં ૧૭ ઑક્ટોબરથી આ કેસની સુનાવણી શરૂ થઈ ને સુનાવણીની શરૂઆતમાં જ મસ્કને લાગ્યું કે, તેના ગળે ભરાયેલો ટ્વિટરનો ઘંટ કાઢવો સરળ નથી. બોર્ડે તો મંજૂરી આપેલી જ પણ શેરહોલ્ડરોની મંજૂરીના કારણે મસ્કનો કેસ નબળો પડ્યો હતો. ટ્વિટરનાં લાખો રોકાણકારોનાં આર્થિક હિતો આ સોદા સાથે સંકળાયેલાં હોવાથી મસ્ક ફસકી જાય તો લાખો રોકાણકારોને નુકસાન થાય.
આ કારણે ટ્વિટરના શેરહોલ્ડરોના વકીલે એલન મસ્કને કંપની ખરીદવા માટે દબાણ કરવું જોઈએ એવો મુદ્દો ઊભો કર્યો હતો. આ વાત સ્વીકારવાના બદલે મસ્ક નામક્કર જાય તો શેરહોલ્ડરો વ્યક્તિગત રીતે પણ મસ્ક સામે કેસ કરી શકશે એવો ખતરો હતો. લાખો શેરહોલ્ડરો કેસ કરે તો મસ્ક લાંબો થઈ જાય તેથી છેવટે મસ્ક પાસે શરણાગતિ સ્વીકાર્યા વિના છૂટકો નહોતો.
મસ્કે પરાણે સોદો મંજૂર તો રાખ્યો પણ તેના તેવર જોતાં હવે ટ્વિટરમાં મોટી નવાજૂની કરશે એ નક્કી છે. મસ્ક ૨૭ ઑક્ટોબરની સવારે એટલે કે ભારતીય સમય પ્રમાણે ગુરૂવારની રાતે મસ્ક સાન ફ્રાન્સિસ્કોમાં ટ્વિટરના હેડક્વાર્ટર પહોંચ્યા અને કર્મચારીઓ સાથે વાત કરી. આ મુલાકાતની કેટલીક તસવીરો ટ્વિટર પર શેર કરવામાં આવી છે. ઓનલાઈન શેર કરાયેલા ફોટામાં મસ્ક ટ્વિટર કર્મચારીઓ સાથે કોફી પર ચર્ચા કરતા જોવા મળે છે.
મસ્કે પોતે બહુ સારા માહોલમાં ટ્વિટરને ચલાવવા માગે છે એવું ચિત્ર ઊભું કરવાની કોશિશ આ મુલાકાતમાં કરી પણ પછી અસલિયત પર આવી ગયા. મસ્કે ટ્વિટર ખરીદ્યાના કલાકોમાં જ કંપનીના ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર (ઈઊઘ) પરાગ અગ્રવાલને હટાવી દઈને સપાટો બોલાવી લીધો. પરાગ અગ્રવાલને રવાના કર્યાના કલાકોમાં મસ્કે બે ટોચના અધિકારીઓને રવાના કરી દીધા. મસ્કે ચીફ ફાયનાન્સિયલ ઓફિસર (ઈઋઘ) નેડ સેહગલ અને કાનૂની બાબતો અને પોલિસી ચીફ વિજયા ગડ્ડેને પણ બરતરફ કરી દીધા છે. પરાગ અગ્રવાલ, નેડ સેહગલ અને વિજયા ગડ્ડે ત્રણેય ભારતીય છે એ યોગાનુયોગ નથી જ.
મસ્કેનું કહેવું છે કે, ટ્વિટરનું ટોપ મેનેજમેન્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નકલી એકાઉન્ટની સંખ્યાની માહિતી નહોતું આપતું. એટલુંજ નહીં પણ પોતાને અને ટ્વિટર રોકાણકારોને પણ ગેરમાર્ગે દોરતું હતું તેથી રવાના કરી દેવાયા છે. મસ્ક અને ટ્વિટર મેનેજમેન્ટ વચ્ચે લાંબા સમયથી આ મુદ્દે ખેંચતાણ ચાલતી હતી તેથી મસ્કની વાત સાચી હોઈ શકે છે. મુદ્દો કોણ સાચું છે તેનો નથી પણ મસ્ક ટ્વિટરને ધરમૂળથી બદલવા માગે છે તેનો છે ને એ સંકેત આ હકાલપટ્ટીઓથી મળી ગયો છે.
એલન મસ્કે ટ્વિટરનું સ્વરૂપ બદલવાનો સંકેત પણ આપી દીધો છે. મસ્કે સાફ શબ્દોમાં કહ્યું છે કે, હું ઈચ્છું છું કે લોકો ટ્વિટર પર હવે ફિલ્મો જોવે અને વીડિયો ગેમ પણ રમી શકે. ટ્વિટર શ્રેષ્ઠ જાહેરાત પ્લેટફોર્મ બને, જ્યાં તમામ ઉંમરના યુઝર્સ મૂવી જોઈ શકે કે વીડિયો ગેમ્સ રમી શકે.
ટૂંકમાં ટ્વિટર અત્યારે લોકોના અભિપ્રાય મુક્ત રીતે
રજૂ કરવાનું માધ્યમ છે તેના બદલે મની મેકિંગ મશીન
બની જશે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -