મલાડ સ્ટેશનની બહાર ૧૯ દુકાનો ઉપર પાલિકાનો હથોડો (જયપ્રકાશ કેળકર)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મલાડ (પશ્ર્ચિમ)માં રેલવે સ્ટેશન બહાર આનંદ માર્ગને પહોળો કરવાને આડે અડચણરૂપ બની રહેલી ૧૯ દુકાનોને શુક્રવારે પાલિકાના પી-ઉત્તર વોર્ડ દ્વારા કાર્યવાહી કરીને તોડી પાડવામાં આવી હતી. દુકાનો હટવાની સાથે જ હવે રસ્તો પહોળો થવાની સાથે જ નાગરિકોને રાહત થશે.
મલાડ (પશ્ર્ચિમ)માં સ્ટેશન બહાર આનંદ માર્ગનો મોટા પ્રમાણમાં નાગરિકો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. આ રસ્તો રેલવે સ્ટેશનને અડીને આવેલો હોવાથી અહીં ભારે ભીડ રહેતી હતી. અહીં આર્ટિફિશિયલ દાગીનાની બજારની સાથે મચ્છી માર્કેટ હોવાને કારણે દરરોજ અહીં સવા લાખ નાગરિકોની અવરજવર થતી હોય છે. ઉપનગરીય રેલવે સ્ટેશનને લાગીને આવેલા આ પરિસરમાં રહેલા બાંધકામને કારણે રસ્તા પર નાગરિકોને મોટી અગવડ પડતી હતી. તેને ધ્યાનમાં રાખીને પી-ઉત્તર વોર્ડ દ્વારા આ રસ્તાને પહોળો કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. રસ્તાને પહોળો કરવાની લાઈનમાં કુલ ૧૯૯ બાંધકામ અડચણરૂપ હતા. તેમાંથી પહેલા તબક્કામાં ૨૮ એપ્રિલ, શુક્રવારના રોજ મલાડ સ્ટેશન બહાર આવેલી પ્રખ્યાત મીઠાઈવાલાની દુકાન સહિત ૧૯ દુકાન સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
પાલિકાની આ કાર્યવાહીને કારણે રસ્તો લગભગ ૧૫થી ૨૦ ફૂટ પહોળો કરવાનું શક્ય બન્યું છે. નાગરિકોની સાથે જ હવે ટ્રાફિકમાં રહેલી અડચણ પણ દૂર થશે એવો દાવો પાલિકાએ કર્યો છે.