મુંબઈઃ દેશની સૌથી સમૃદ્ધ પાલિકામાં મુંબઈ મહાનગર પાલિકાનું નામ મોખરે છે, પરંતુ હવે એવો સવાલ કરવામાં આવી રહ્યો છે કે હવે પાલિકા પ્રશાસન દ્વારા ફિક્સ્ડ ડિપોઝિટ એટલે એફડીમાંથી પૈસા ઉપાડવામાં આવી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. છેલ્લા એક વર્ષમાં પાલિકાએ એફડીમાંથી રૂ. 6,000 કરોડ ઉપાડવામાં આવ્યા છે. માર્ચ 2022માં FD 92,000 કરોડ રૂપિયા હતી, જે માર્ચ 2023માં ઘટીને 86,000 કરોડ રૂપિયા થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2023-24માં મૂળભૂત સુવિધાઓ માટે 15,657 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, જ્યારે એફડીનો ઉપયોગ આ સુવિધાઓ માટે જ થઈ રહ્યો છે, એમ પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.
પાલિકાના નાણાકીય વિભાગના જણાવ્યાનુસાર પાલિકાએ સૌથી વધારે વ્યાજ મળે એ ઉદ્દેશને લઈ બેંકમાં એફડી કરી છે, જ્યારે તેનો સૌથી વધારે ખર્ચ અને પેન્શન માટે કરવામાં આવે છે. તેની સાથે સાથે વિભિન્ન વિકાસ માટે તેનો ઉપયોગ કરવામાં આવી છે, એવો અધિકારીએ દાવો કર્યો હતો.
જાન્યુઆરી 2023માં તેમની મુંબઈ મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ વિકાસલક્ષી કાર્યો પ્રોજેક્ટ માટે પાલિકાની 88,000 કરોડની એફડીનો ઉપયોગ કરવાનું સૂચન આપવામાં આવ્યું હતું. આ પછી, ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવેલા પાલિકાના બજેટમાં વિવિધ પ્રોજેક્ટ્સ માટે રિઝર્વ ફંડમાંથી 12,776 કરોડ રૂપિયાની રકમ ઉપાડવાનું પણ જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત રુ. 5,970 કરોડની રકમ અસ્થાયી રૂપે આંતરિક લોન તરીકે લેવામાં આવશે, એવું પણ જણાવાયું હતું.
અહીં એ જણાવવાનું કે વર્ષોથી એફડીનો એક ભાગ વિકાસ પ્રોજેક્ટ્સ માટે આરક્ષિત કરવામાં આવી રહ્યો છે, જેમાં કોસ્ટલ રોડ પ્રોજેક્ટ, ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ, સીવરેજ પ્રોજેક્ટ જેવા મોટા પાયે અને લાંબા સમયથી ચાલતા પ્રોજેક્ટ્સ માટે એફડીમાંથી ભંડોળ ઉપાડવામાં આવી રહ્યું છે. જેમ જેમ BMCની FD દર વર્ષે વધે છે તેમ આ રકમ પણ વધે છે. ગત નાણાકીય વર્ષમાં વિકાસ કાર્યો માટે રૂ. 7,756 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. કોરોના સમયગાળા પછી બાંધકામના પ્રીમિયમ પર છૂટ આપવામાં આવી હતી. આનાથી બાંધકામ ક્ષેત્રને મોટો વેગ મળ્યો અને નગરપાલિકાને માર્ચ 2022માં 14,750 કરોડની આવક થઈ હતી, તેથી માર્ચ 2022માં, પાલિકાની ફિક્સ ડિપોઝિટ 92,000 કરોડ સુધી પહોંચી ગઈ છે.