મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં આજ સુધી બન્યું નથી એ બધું બની ચૂક્યું છે, ત્યારે કૃષિ પ્રધાન અબ્દુલ સત્તારે તાજેતરમાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના સાંસદ સંજય રાઉતના બધા દાવાને ફગાવીને કહ્યું હતું કે તેમની બધી વાતો મુંગેરીલાલના હસીન સપના જેવી છે. છેલ્લા કેટલાક દિવસોથી શિંદે-ફડણવીસ સરકારના પતન, મુખ્ય પ્રધાનના પરિવર્તનની સાથે રાજ્યમાં ભાવિ મુખ્ય પ્રધાન કોણ હશે તેના અંગે ઘણા બધા ચહેરાઓને આગળ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ મુદ્દે કૃષિ પ્રધાન અબ્દુલ સતારે દાવો કર્યો હતો કે એકનાથ શિંદે વાઘ છે અને તેમને કોઈ બદલી શકે એમ નથી.
અબ્દુલ સત્તારે કહ્યું હતું કે અજિત પવારે જ્યારથી મુખ્ય પ્રધાન બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે ત્યારથી રાજ્યમાં મુખ્ય પ્રધાન બનવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. કૃષિ પ્રધાન અબ્દુલ સત્તારે પણ અગાઉ એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે રાધાકૃષ્ણ વિખે પાટીલને મુખ્ય પ્રધાન બનાવવામાં આવે, તેથી મુખ્ય પ્રધાન બદલવાની ટલીક ગતિવિધિઓ વધુ તેજ બની હોવાની ચર્ચા શરુ થઈ હતી. જોકે, આ મુદ્દે અબ્દુલ સત્તારે કહ્યું હતું કે રાધાકૃષ્ણ વિખે પાટીલ મારા મિત્ર છે. મેં મિત્રતાના ભાવે આ નિવેદન આપ્યું હતું, પરંતુ એનો અર્થ એ નથી કે એકનાથ શિંદેને હટાવીને વિખે પાટીલને મુખ્ય પ્રધાન બનાવવામાં આવે. એકનાથ શિંદે અમારી પાર્ટીના સુપ્રીમો છે. તેઓ વાઘ છે. તેમને કોઈ બદલી શકવાનું નથી. જ્યારે અજિત પવારને પૂછવામાં આવ્યું કે જો અજિત પવાર સરકારમાં આવશે તો તેમની ભૂમિકા શું હશે, તો તેમણે કહ્યું હતું કે એકનાથ શિંદેને આ અંગે નિર્ણય લેવાનો પૂરો અધિકાર છે. કૃષિ પ્રધાને કહ્યું હતું કે તેઓ જે પણ નિર્ણય લેશે તે અમને બધાને સ્વીકાર્ય હશે.
અગાઉ સંજય રાઉતે દાવો કર્યો હતો કે શિંદે-ફડણવીસની સરકાર થોડા દિવસોમાં પડી જશે, જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે કૃષિ પ્રધાન અબ્દુલ સત્તારે કહ્યું હતું કે સંજય રાઉતના કામોની તપાસ થવી જોઈએ. તેમણે અત્યાર સુધીમાં જે કહ્યું છે તેમાંથી કશું થયું નથી, તેથી જ સંજય રાઉતની બધી વાતો મુંગેરી લાલના સપના હસીન સપના જેવા છે.