(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં છેલ્લા થોડા મહિનાથી ભયંકર ટ્રાફિકજામની સમસ્યા નિર્માણ થઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં વાહનોની સંખ્યા દસ ગણી વધી ગઈ છે. તો બીજી તરફ પાયાભૂત સુવિધા માટે, વિકાસ કામ માટે રસ્તા ખોદીને રાખવામાં આવ્યા છે. તો અમુક ઠેકાણે રસ્તા પર ખાડા પડ્યા છે, તેને કારણે મુંબઈમાં અનેક ઠેકાણે ટ્રાફિકને અસર થઈ છે.
થોડા દિવસથી દક્ષિણ મુંબઈ, પૂર્વ ઉપનગર અને પશ્ચિમ ઉપનગરમાં અનેક જગ્યાએ ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી રહી છે, તેને કારણે લોકો સમયસર ઓફિસે પણ પહોંચી શકતા નથી એવી ફરિયાદ થઈ રહી છે.
છેલ્લા પાંચ વર્ષમાં વાહનોની સંખ્યામાં દસ ટકાનો વધારો થયો છે. હાલ મુંબઈમાં સત્તાવાર રીતે વાહનોની સંખ્યા ૪૩ લાખ છે. આ વાહનોને પાર્ક કરવા માટે કુલ જગ્યા સત્તાવીસ લાખ અને પ્રત્યક્ષમાં ઉપલબ્ધ જગ્યા ૬૦થી ૭૦ હજાર વાહનો માટે છે. તેમાં પાછું રસ્તા પર ખાડા તો બીજી તરફ મેટ્રો પ્રોજેક્ટ, નવા બ્રિજ તથા વિકાસ કામ માટે ખોદવામાં આવતા રસ્તાની સાથે જ રસ્તા પર તથા ફૂટપાથ પર થયેલા અતિક્રમણને કારણે ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વકરી રહી છે.
દક્ષિણ મુંબઈમાં રિગલ થિયેટર પાસે મુર્ખજી ચોક, કાળાઘોડા, જોહર ચોક (ભેંડી બજાર), નાના ચોક, હાજી અલી, દાદર, વડાલા, હિંદમાતા, ખોદદ્દાદ સર્કલ, દાદર ટીટી, વડાલા બ્રિજ, રાણી લક્ષ્મીબાઈ ચોક (સાયન સ્ટેશન)માં ભારે ટ્રાફિક હોય છે.
પૂર્વ ઉપનગરમાં અમર મહલ જંકશન, ચેંબૂરનાકા, જિજામાતા ભોસલે માર્ગ જંકશન, દત્તા સામંત ચોક (સાકીનાકા), જોગેશ્વરી-વિક્રોલી લિંક રોડ, એલ.બી.એસ. માર્ગ, હિરાનંદાની-પવઈ જેવા વિસ્તારમાં પણ ભારે ટ્રાફિક હોય છે.
પશ્ચિમ ઉપનગરમાં સી.ડી. બર્ફીવાલા માર્ગ (જેવીપીડી), ડી.એન. નગર, ચાર બંગલા, ચકાલા, બેહરામ બાગ-જોગેશ્વરી, આરે કોલોની, દિંડોશી, સમતા નગર જંકશન, ઈનઓર્બિટ મૉલ, ન્યૂ લિંક રોડનો સમાવેશ થાય છે.