(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં અનેક વિસ્તારોમાં રિડેવલપમેન્ટથી લઈને અનેક પ્રકારનાં બાંધકામ ચાલતા હોવાથી સતત કાટમાળ નીકળે છે, જેનો નિકાલ રસ્તા પર અને નાળાઆો કિનારા પર કરી દેવામાં આવતો હોય છે. જોકે હવે મુંબઈ મહાનગરપાલિકાએ ‘ડેબ્રિજ ઑન કોલ’ ઝુંબેશ હાથ ધરી છે, જે હેઠળ ફોન કરવાની સાથે જ પાલિકાના કર્મચારીઓ આવીને કાળમાટ ઊંચકી જશે. તે માટે પાલિકા જોકે પ્રતિ ડમ્પર ૪૦૦ રૂપિયા વસૂલ કરશે.
મુંબઈ મહાનગરપાલિકાએ સુશોભીકરણ ઝુંબેશ અંતર્ગત હાલ રસ્તા, ફ્લાયઓવર, સ્કાયવૉક, ચોપાટીઓ, ટ્રાન્સપોર્ટ બેટ અને ચોકનું સુશોભીકરણ અને કલરકામ કરી રહી છે. પાલિકા તે પાછળ લગભગ ૧,૭૦૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે. જોકે સુશોભીકરણની ઝુંબેશમાં રસ્તા પર ગમે ત્યાં પડેલો કાટમાળ અડચણરૂપ બની રહ્યો છે. તેથી પાલિકાએ ‘ડેબ્રિજ ઑન કોલ’ ઝુંબેશ ચાલુ કરી છે.
મુંબઈમાં દરરોજ એક હજાર મેટ્રિક ટન કાટમાળ નીકળે છે. તેનો નિકાલ લાવવા માટે ૨૦૧૮ના ‘ડેબ્રિજ ઑન કોલ’ યોજના ચાલુ કરવામાં આવી હતી. જોકે તેને અપેક્ષિત પ્રતિસાદ મળી શક્યો નહોતો. હવે પાલિકાએ નવેસરથી આ યોજનાને અમલમાં મૂકવાની છે.
કાટમાળ ઉંચકવા માટે બહુ જલદી પાલિકા એક હેલ્પલાઈન નંબર જાહેર કરવાની છે. પૈસા ભર્યા બાદ કર્મચારી આવીને કાટમાળ ઉપાડી જશે અને તેનો નિકાલ દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડ પર કરવામાં આવશે. આ ઝુંબેશ માટે ૧૬ જેસીબી, ૩૫ ડંપર અને ૧૦૦ કર્મચારીને તહેનાત કરવામાં આવવાના છે.