ટૂંક સમયમાં ચાલુ થશે ‘વંદે ભારત’ લોકલ?
દેશમાં વંદે ભારત ટ્રેનનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ઘણા લોકોને વંદે ભારત ટ્રેનનો લુક પસંદ આવ્યો છે. ઘણા લોકો આ ટ્રેનમાં મુસાફરી કરવા ઇચ્છુક છે. વંદે ભારત ટ્રેનને કારણે ભારતીય રેલ્વે ચોક્કસપણે ટોક ઓફ ધ ટાઉન છે. તેથી રેલવે બોર્ડ મુંબઈમાં પણ આ પ્રકારની લોકલ ટ્રેન શરૂ કરવાનું વિચારી રહ્યું હોવાનું સામે આવ્યું છે. એવી માહિતી છે કે મુંબઈમાં ટૂંક સમયમાં વંદે ભારત લોકલ ટ્રેન દોડશે. તેથી મુંબઈકરોને જલ્દી સારા સમાચાર મળી શકે છે.

કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં શહેરની અંદરની મુસાફરી માટે વંદે મેટ્રો કોન્સેપ્ટની જાહેરાત કરી હતી. ‘મેડ ઈન ઈન્ડિયા’ વંદે મેટ્રો ટ્રેન આ વર્ષે ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે અને 2024 સુધીમાં દોડવાની શક્યતા છે. એવી સંભાવના છે કે 2024ની લોકસભા ચૂંટણી પહેલા મુંબઈમાં વંદે ભારત રેલવે જેવી લોકલ દોડશે.
વંદે લોકલ લોકપ્રિય વંદે ભારત ટ્રેનનું એક મીની સંસ્કરણ હશે જે વધુ ઝડપી હશે અને લોકોને આરામદાયક અનુભવ કરાવશે. AC LOCALને ખાસ કરીને મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR)માં સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
તાજેતરમાં જ મધ્ય રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર રજનીશ ગોયલે જાહેરાત કરી હતી કે, “રેલ્વે બોર્ડ શહેરમાં વંદે ભારત જેવી લોકલ ટ્રેનો ચલાવવાની શક્યતા પર વિચાર કરી રહ્યું છે.”

અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, લોકોને કામ માટે મોટા શહેરોમાં આવવું પડે છે. તેમજ તેઓ ફરીથી ઘરે પણ જતા હોય છે. તેમના માટે અમે વંદે ભારતની સાથે વંદે મેટ્રો પણ લાવી રહ્યા છીએ. તેની ડિઝાઇન અને ઉત્પાદન આ વર્ષે પૂર્ણ થશે અને આગામી નાણાકીય વર્ષમાં આ ટ્રેન લોકોની સેવામાં આવી જશે, જે મુસાફરોને ઝડપી શટલ જેવો અનુભવ આપશે.
નોંધનીય છે કે વંદે મેટ્રોની કલ્પના યુરોપની ‘રિજનલ ટ્રાન્સ’ ટ્રેન તરીકે કરવામાં આવી રહી છે. આ લોકલ ટ્રેન જેવી હશે પરંતુ વધુ ઝડપથી મુસાફરી કરશે. આ એક હાઈ સ્પીડ ટ્રેન બનવા જઈ રહી છે જે મુસાફરોને વિશ્વ કક્ષાના શટલનો અનુભવ આપશે.રેલ્વેએ સમગ્ર દેશમાં ઈન્ટ્રા-સિટી મુસાફરો માટે વંદે મેટ્રો રેપિડ અને વંદે મેટ્રો રિજનલ નામની બે પ્રકારની વંદે મેટ્રો સેવાઓ પ્રદાન કરવાનો નિર્ણય કર્યો છે.