(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પૂર્વ તરફથી ફૂંકાઈ રહેલા ગરમ પવનોને કારણે દિવસ દરમિયાન ગરમી અને ઉકળાટથી મુંબઈગરા હેરાનપરેશાન થઈ ગયા હતા. મે મહિનાથી ગરમી લોકો અનુભવી રહ્યા છે. એકાદ બે દિવસમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે.
પૂર્વ દિશામાંથી ફૂંકાઈ રહેલા ગરમ પવનોને કારણે મુંબઈમાં હાલ આકરી ગરમી પડી રહી છે. ગરમી અને ઉકળાટને કારણે મનુષ્યની સાથે જ પશુ-પ્રાણીઓ પણ પરેશાન થઈ ગયા હતા.
સોમવારે મહત્તમની સાથે જ લઘુતમ તાપમાનમાં સરેરાશ ત્રણથી ચાર ડિગ્રી ઉપર નોંધાયું હતું. હવામાન ખાતાએ આગામી બે દિવસમાં મુંબઈમાં ગરમીનું મોજું ફરી વળવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. તેથી તાપમાનનો પારો ૩૯થી ૪૦ ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે. દિવસ દરમિયાન સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૬.૭ ડિગ્રી, લઘુતમ તાપમાન ૨૬.૬ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૪.૮ અને લઘુતમ તાપમાન ૨૬.૮ ડિગ્રી નોંધાયું હતું.
રાજ્યમાં પણ હાલ વિચિત્ર મોસમ જણાઈ રહી છે. એક તરફ રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ અને માવઠું પડી રહ્યું છે. તો બીજી તરફ રાજ્યના અનેક જિલ્લામાં તાપમાનનો પારો સતત ઊંચો નોંધાઈ રહ્યો છે. દિવસ દરમિયાન સૌથી વધુ તાપમાન જળગાંવમાં ૪૦ ડિગ્રી નોંધાયું હતું. તો હિલ સ્ટેશન મહાબળેશ્ર્વરમાં પણ મહત્તમ તાપમાનનો પારો ૩૦.૯ જેટલો નોંધાયો હતો. મધ્ય મહાબળેશ્ર્વરના જેરુલ અને કોલ્હાપુરમાં ૩૭.૫ ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું હતું. પુણેમાં ૩૭.૧ ડિગ્રી, સાંગલીમાં ૩૪.૧ ડિગ્રી, સોલાપુરમાં ૩૯.૪ ડિગ્રી જેટલું ઊંચુ તાપમાન નોંધાયું હતું. મરાઠવાડામાં એક તરફ વરસાદ પડી રહ્યો છે. તો બીજી તરફ ઔરંગાબાદમાં ૩૬.૧ ડિગ્રી, નાંદેડમાં ૩૭.૬ ડિગ્રી, ઓસ્મનાબાદમાં ૩૮.૨ ડિગ્રી અને પરભણીમાં ૩૮.૮ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું.