ડબ્બાવાળાઓ ‘આ’ તારીખથી છ દિવસ માટે રજા પર જશે
જેઓ ઘરેથી તાજા, સ્વસ્થ અને ગરમ લંચ બોક્સ ખાવાના આદી છે અને ડબ્બાવાળાઓ પાસે તેમનું ટિફિન મંગાવે છે, તેમની માટે આ મહત્વના સમાચાર છે. મુંબઈના ડબ્બાવાળાઓ છ દિવસના વેકેશન પર જઈ રહ્યા છે. મુંબઇના ડબ્બાવાળાઓ 3 થી 8 એપ્રિલ સુધી વેકેશન પર જઇ રહ્યા છે, જેને કારણે આ સમયગાળા દરમિયાન મુંબઇના કર્મચારીઓને ઘરેથી ગરમ લંચ બોક્સ મળશે નહીં. ડબ્બાવાળાઓ ઘણા વર્ષોથી નિયમિત ધોરણે કર્મચારીઓને ઓફિસમાં ઘરનો તાજો ખોરાક પહોંચાડવાનું કામ કરે છે. તેઓ ઘરે ઘરે જઈને તાજા લંચના ટિફિન લઈને ઓફિસ સુધી પહોંચાડવાનું કામ કરે છે.
મોટાભાગના ડબ્બાવાળાઓ રાજ્યના ગ્રામીણ વિસ્તારો અને ખાસ કરીને પશ્ચિમ મહારાષ્ટ્રના છે. તેમાં મૂળશી, માવલ, ખેડ, અંબેગાંવ, જુન્નર, અકોલા, સંગમનેર વિસ્તારના ડબ્બાવાળાઓની સંખ્યા મોટી છે. વર્ષમાં એકાદ વાર તેઓ તેમના ગામમા જતા હોય છે. આ વર્ષે 3જીથી 8મી એપ્રિલની વચ્ચે ડબ્બાવાળાઓ તેમના ગામમાં જઇ રહ્યા છે. આ માટે તેઓએ આ સમયગાળામાં રજા લીધી છે.
મુંબઈ ડબ્બાવાળાના એસોસિએશને આ રજાને કારણે ઑફિસ જનારા કર્મચારીઓને થનારી અસુવિધા માટે માફી માંગી છે. ‘મુંબઈ ડબેવાલા એસોસિએશન’ના પ્રમુખ સુભાષ તાલેકરે એવી વિનંતી કરી છે કે ગ્રાહકોએ રજાના આ સમયગાળા દરમિયાન પગાર કાપવો જોઈએ નહીં.