મુંબઈઃ અત્યારે બધા જ લોકોની નજર આવતી કાલે રજૂ થનારા બજેટ 2023-24 પર છે. આવતી કાલે નાણાં પ્રધાન નિર્મલા સીતારામન 2023-24 માટેનું બજેટ સંસદમાં રજૂ કરશે. સર્વસામાન્ય નોકરિયાત વર્ગનું ધ્યાન હંમેશા બજેટ તરફ હોય છે, કારણ કે ટેક્સમાં રાહતથી લઈને મૂળભૂત સુવિધાઓ સંદર્ભે લેવામાં આવનારા નિર્ણયો આ વર્ગ માટે ખૂબ જ મહત્ત્વના હોય છે.
આ સિવાય દર વર્ષે મુંબઈગરાનું ધ્યાન બજેટમાં રેલવે સંદર્ભે કરવામાં આવનારી જાહેરાતો તરફ વધારે હોય છે. દરરોજ મુંબઈની લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓની સંખ્યા 75 લાખની આસપાસ છે. પરિણામે બજેટમાં લોકલ ટ્રેનો સંદર્ભે મહત્ત્વની અને રાહત આપનારી જાહેરાત કરવામાં આવે એવી અપેક્ષા મુંબઈગરો સેવતો હોય છે. આ વર્ષના બજેટ પાસેથી મુંબઈગરાની શું-શું અપેક્ષા છે એ જાણી લઈએ-
મુંબઈમાં કામ પર જવાની અને ઓફિસ છુટવાનો તેમ જ અન્ય સમયે પણ લોકલ ટ્રેનોમાં પારાવાર ભીડ જોવા મળે છે. મુંબઈગરા એટલી ખીચોખીચ ભરેલી લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરે છે તેમને બેસવાની તો છોડો ઊભા રહેવાની જગ્યા સુધા મળતી નથી. તેમાં પણ ખાસ કરીને લાંબા અંતરના પ્રવાસીઓ જેમ કે કલ્યાણ-ડોંબિવલી, બોરીવલી-વિરારથી પ્રવાસ કરનારા પ્રવાસીઓએ પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે.
પરિણામે આ બજેટમાં લોકલ ટ્રેનોની સંખ્યા વધારવામાં આવે એવી માગણી મુંબઈગરા કરી રહ્યા છે. આ સિવાય રેલવે પ્રવાસ આરામદાયક બને એ માટે હાલમાં ટિકિટના દર, માસિક પાસના દરમાં કોઈ પણ પ્રકારનો વધારો ના કરવામાં આવે એવી આશા પણ બજેટમાં સેવાી રહી છે. હવે મુંબઈગરાની આ માગણીનું માન બજેટમાં રાખવામાં આવે છે કે નહીં એ તો આવતીકાલના બજેટ પછી જ ખબર પડશે.
મુંબઈના રેલવે સ્ટેશન પર આવેલા સ્વચ્છતા ગૃહમાં પણ સુધારો થયેલો જોવા મળી રહ્યો છે. આ સ્વચ્છતા ગૃહ પહેલાંની સરખામણીએ વધુ સાફસુથરા જોવા મળી રહ્યા છે, તેમાં હજી વધારે સુધારો જોવા મળે, રેલવે બ્રિજ અને પ્લેટફોર્મની સંખ્યા પણ વધારવામાં આવે એવી માગણી પણ મુંબઈગરા કરી રહ્યા છે.
લોકલ ટ્રેન સિવાય ટેક્સ સ્લેબમાં પણ રાહત મળે એવી આશા મુંબઈગરા રાખી રહ્યા છે. ટેક્સ ફ્રી ઈન્કમની મર્યાદા વધારવામાંઆવે જેથી મુંબઈગરાના હાથમાં વધુ પૈસા રમશે અને વધારે ખરીદી કરી શકાશે, એવી માગણી પણ મુંબઈગરા કરી રહ્યા છે.