વિલે પાર્લેની મહિલા સાથે કથિત રીતે રૂ. 64,000ની છેતરપિંડી કરવામાં આવી હોવાની ઘટના બની છે. મહિલાને તેણે ટ્રેનના આરક્ષણની ટિકિટની વિગતો IRCTCને ટ્વીટ કરતા નાણા ગુમાવવાનો વારો આવ્યો હતો.
બનાવની વિગત મુજબ મહિલા IRCTCના ટ્વિટર હેન્ડલ પર તેની RAC (ટિકિટ રદ થવા સામે આરક્ષણ) ટિકિટ વિશે પૂછપરછ કરી રહી હતી. તેને ટૂંક સમયમાં આઈઆરસીટીસીના હોવાનો દાવો કરનાર વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેણે વિવિધ બહાના હેઠળ, તેને પૈસા ટ્રાન્સફર કરવા માટે જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ,વિલેપાર્લેની પીડિતાએ 14 જાન્યુઆરીએ ગુજરાતના ભુજ જવા માટે IRCTC વેબસાઇટ પર ત્રણ ટિકિટ બુક કરાવી હતી. જોકે, સીટો લગભગ બુક થઈ ગઈ હોવાથી પીડિતાને RAC સીટો મળી હતી. ટિકિટ કન્ફર્મ છે કે નહીં તે તપાસવા માટે, તેમણે IRCTCને ટ્રેન ટિકિટ અને મોબાઇલ નંબર સાથે ટ્વિટ કર્યું હતું. થોડા સમયની અંદર પીડિતાને એક વ્યક્તિનો ફોન આવ્યો જેણે પોતાને IRCTC તરફથી ગ્રાહક સપોર્ટ એક્ઝિક્યુટિવ તરીકે ઓળખાવ્યો અને તેમને તેમની RAC ટિકિટ કન્ફર્મ કરવામાં મદદ કરવાની ઓફર કરી હતી.
ત્યારબાદ વ્યક્તિએ ફોન પર એક લિંક મોકલી અને પીડિતાને વિગતો ભરવા અને પ્રવાસની તારીખે કન્ફર્મ થયેલી ભુજની ટ્રેનની ટિકિટ મેળવવા માટે રૂ. 2 ચૂકવવા કહ્યું. પીડિતાએ સૂચનાઓનું પાલન કર્યું, પરંતુ ટૂંક સમયમાં જ તેને તેના બેંક ખાતામાંથી 64,011 રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હોવાનો સંદેશ મળ્યો હતો. તેને છેતરવામાં આવી હોવાનો અહેસાસ થતાં, પીડિતાએ સ્થાનિક વિલેપાર્લે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે આ બાબતે અજાણ્યા લોકો સામે એફઆઈઆર નોંધી તપાસ શરૂ કરી છે.