દોઢ મહિનામાં ૩૬.૮૦ ટકા નાળાસફાઈ કરનારી પાલિકાનો ૩૧ મે પહેલા ૧૦૦ ટકા નાળાસફાઈનો દાવો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એપ્રિલ મહિનો અડધો પૂરો થઈ ગયો છે, છતાં મુંબઈમાં નાળાસફાઈનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે. માર્ચ મહિનાથી નાળાસફાઈનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું, જેમાં દોઢ મહિનામાં હજી સુધી માંડ ૩૬.૮૦ ટકા જ નાળાસફાઈ થઈ છે. ત્યારે મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસને ૩૧ મે, ૨૦૨૩ સુધીમાં ૧૦૦ ટકા નાળાસફાઈ કરી દેવામાં આવશે અને ચોમાસામાં મુંબઈમાં પાણી ભરાશે નહીં એવો દાવો કર્યો છે.
પાલિકાના એડિશનલ કમિશનર પી. વેલરાસૂએ ગુરુવારે પશ્ચિમ મુંબઈમાં જુદા જુદા વિસ્તારમાં ચાલી રહેલા નાના અને ગટરોની સફાઈના કામનો અહેવાલ લીધો હતો, જેમાં મુખ્યત્વે દહિસર નદી પૂલ, રુસ્તમજી રોડ, રાજેન્દ્ર નગર પુલ, સુમેર નગર રોડ, લિંક રોડ પર આવેલું રાજેન્દ્ર નગર નાળું, આર-દક્ષિણ વોર્ડમાં લિંક રોડ અને એમ.જી. રોડ જંકશન, લાલજી પાડા, પોઈસર નદી પૂલ, પી-ઉત્તર વોર્ડમાં રામચંદ્ર માર્ગ પર વાલભટ્ટ નદી જેવા વિસ્તારોમાં ચાલી રહેલી નાળાસફાઈનું નિરીક્ષણ પણ વેલરાસૂએ કર્યું હતું.
હાલ મુંબઈ શહેર, પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરમાં મોટા નાળા, ઈસ્ટર્ન અને વેસ્ટર્ન હાઈવે અને મીઠી નદીની સફાઈનું કામ ચાલી રહ્યું છે ત્યારે ગુરુવારે નાળાસફાઈના કામના નિરીક્ષણ બાદ પી.વેલરાસૂએ મુંબઈમાં ૩૧ મે પહેલા ૧૦૦ ટકા નાળાસફાઈ કરી દેવામાં આવશે એવો દાવો કર્યો હતો. જોકે દર વર્ષની માફક આ વર્ષે પણ નક્કી કરેલી મુદતમાં નાળાસફાઈનું કામ પૂરું થશે એવી શક્યતા જણાતી નથી. આ વખતે માર્ચ, ૨૦૨૩થી નાળાસફાઈનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું, જેમાં હજી સુધી માંડ ૩૬.૮૦ ટકા સફાઈ થઈ છે.
પાલિકાના આંકડા મુજબ મુંબઈ શહેરમાં ૪૬.૩૨ ટકા, પૂર્વ ઉપનગરમાં ૫૬.૪૯ ટકા, પશ્ર્ચિમ ઉપનગરમાં ૪૪.૬૧ ટકા, મીઠી નદીના ઠેકાણે ૨૬.૭૦, હાઈવે પર ૧૯.૨૧ ટકા સફાઈ થઈ છે. તો વોર્ડ સ્તરે નાના નાળાના ઠેકણે ૩૩.૩૬ ટકા જેટલા કામ પૂરા થયા છે. નાળામાંથી ગાળ કાઢવાના કામમાં અત્યાર સુધી ૩,૫૪,૩૦૪.૫૮ મેટ્રિક ટન જેટલો ગાળ કાઢવામાં આવ્યો છે.