(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યના મોટાભાગના જિલ્લામાં તાપમાનનો પારો ઘટ્યો હોઈ નાગરિકો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. રાજ્યના અનેક જિલ્લામાં 10થી 15 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે. જોકે મુંબઈમાં હાલ 20થી 22 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે. તો રાજ્યમાં શનિવારે સૌથી નીચું તાપમાન નાગપુરમાં 10 ડિગ્રી નોંધાયું હતું.
મુંબઈમાં આ વખતે શિયાળાનું આગમન મોડું થયું છે. મોડે મોડે મુંબઈગરાએ ઠંડીનો અનુભવ કર્યો છે. અત્યાર સુધી મુંબઈમાં સૌથી નીચું તાપમાન 15 ડિગ્રી સુધી ગયું છે, જે 25 ડિસેમ્બર, 2022ના 15.6 ડિગ્રી નોંધાયું હતું.
શનિવારે મુંબઈમાં સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રીની આસપાસ અને લઘુતમ તાપમાન 22 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે કોલાબામાં મહત્તમ તાપમાન 33 અને લઘુતમ તાપમાન 23.6 ડિગ્રી નોંધાયુંં હતું.
છેલ્લા થોડા દિવસથી ઉત્તર ભારતમાં ઠંડી વધી રહી છે, એની અસર મુંબઈ સહિત મહારાષ્ટ્રને પણ જણાઈ રહી છે. આગામી બે દિવસ સરેરાશ લઘુતમ તાપમાન 16થી 17 ડિગ્રી રહેશે એવો અંદાજો હવામાન ખાતાએ વ્યક્ત કર્યો છે. તો સોમવારે તાપમાનનો પારો 14 ડિગ્રીની આસપાસ પહોંચે એવી શક્યતા છે.
જ્યારે રાજ્યમાં સૌથી નીચું તાપમાન નાગપુરમાં 10 ડિગ્રી, વર્ધામાં 12 ડિગ્રી, ચંદ્રપુરમાં14 ડિગ્રી, બુલઢાણામાં 16 ડિગ્રી, ઔરંગાબાદમાં 12 ડિગ્રી, હિલ સ્ટેશન મહાબળેશ્ર્વર 14, જળંગાવમાં 14 ડિગ્રી ડિગ્રી તાપમાન નોંધાયું હતું.