(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દિવસભર ફૂંકાઈ રહેલા ઠંડા પવનોને કારણે મુંબઈગરા હિલ સ્ટેશનમાં પડે તેવી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. મંગળવારે મુંબઈમાં નોંધાયેલું તાપમાન હિલ સ્ટેશન મહાબળેશ્વર અને માથેરાન સમાન હતું. મુંબઈમાં લઘુતમ તાપમાન ૧૪.૮ નોંધાયું હતું. તો માથેરાનમાં ૧૪ ડિગ્રી અને મહાબળેશ્ર્વરમાં ૧૪.૪ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું.
દેશના ઉત્તરીય વિસ્તારમાં થઈ રહેલી હિમવર્ષાને પગલે સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું જોર વધ્યું છે. હિમ વર્ષાને કારણે ઉત્તર તરફથી દક્ષિણ તરફ આવી રહેલા ઠંડા પવનોની અસર મુંબઈ સહિત મહારાષ્ટ્રને થઈ રહી છે. મુંબઈમાં મંગળવારે લઘુતમ તાપમાનનો પારો ૧૪.૮ ડિગ્રી જેટલો નોંધાયો હતો.
મુંબઈમાં ૨૬થી ૨૯ જાન્યુઆરી દરમિયાન તાપમાનનો પારો એક આંકડા પર નોંધાશે એવા મેસેજ સોશિયલ મીડિયા પર ફરી વળ્યા હતા. હવામાન ખાતાએ જોકે ઠંડી વધશે પણ પારો એક આંકડા પર નહીં પહોંચે એવો દાવો કર્યો હતો. પરંતુ જે રીતે મુંબઈમાં તાપમાનનો પારો ૨૪ કલાકમાં લગભગ એક ડિગ્રી નીચે આવી જતા આગામી દિવસમાં વિક્રમજનક ઠંડી પડે એવી ભારોભાર શક્યતા છે. સોમવારે મુંબઈમાં લઘુતમ તાપમાન ૧૫.૬ ડિગ્રી નોંધાયું હતું, તેમાં લગભગ એક ડિગ્રીનો ઘટાડો થઈને મંગળવારે લઘુતમ તાપમાનનો પારો ૧૪.૮ ડિગ્રી નોંધાયો હતો. જે લગભગ રાજ્યના જાણીતા હિલ સ્ટેશનો સમાન હતા. મુંબઈની એકદમ નજીક આવેલા માથેરાનમાં લઘુતમ તાપમાન ૧૪ ડિગ્રી તો મહાબળેશ્ર્વર ૧૪.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
મુંબઈમાં ફરી ઠંડીનું મોજું ફરી વળ્યું હોવાનું જણાઈ રહ્યું છે. ખાસ કરીને વહેલી સવારે અને સાંજે પડી રહેલી ઠંડીને કારણે લોકોને શાલ, સ્વેટર પહેરવા પડી રહ્યા છે. આ અગાઉ જાન્યુઆરીના પહેલા પખવાડિયામાં મુંબઈ સહિત રાજ્યમાં ઠંડીનું જોર રહ્યું હતું. ૧૫ જાન્યુઆરી, ૨૦૨૩ના સાંતાક્રુઝમાં ૧૩.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે મોસમનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. ત્યાર બાદ તાપમાનમાં થોડો વધારો થયો હતો. જોકે વહેલી સવાર અને મોડી રાતે ઠંડક જણાતી હતી, પરંતુ દિવસ દરમિયાન ગરમી રહેતી હતી.
આ દરમિયાન છેલ્લા બે દિવસથી તાપમાનમાં ફરી ઘટાડો થયો છે અને પારો ૧૪ ડિગ્રીએ પહોંચી ગયો છે. આગામી દિવસમાં પારો હજી નીચે ઉતરે એવો અંદાજો છે.
મંગળવારે સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાન ૧૪.૮ ડિગ્રી અને કોલાબામાં ૧૭.૬ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૨૬.૦ ડિગ્રી અને કોલાબામાં ૨૫.૨ ડિગ્રી નોંધાયું હતું. બંને જગ્યાએ સરેરાશ તાપ૦માનમાં ચાર ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો.
હવામાન ખાતાના અધિકારી સુષ્મા નાયરના જણાવ્યા મુજબ હિમાલયમાં હિમવૃષ્ટિ થઈ રહી છે. તેથી ઉત્તર તરફથી દક્ષિણ તરફ આવી રહેલા પવનોને કારણે ઠંડી વધી છે. મુંબઈ સહિત રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે અને આગામી દિવસમાં ઠંડીનું જોર કાયમ રહેશે.