Mumbai : વિકાસના નામે મુંબઇના આરે જંગલ, સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન અને આદિવાસી પાડામાં મોટા પ્રમાણમાં વૃક્ષોની કતલ થઇ રહી છે. જંગલો નષ્ટ કરવામાં આવી રહ્યા છે. પર્યાવરણના રક્ષણ એવા આદિવાસીઓ ને વિસ્થાપિત કરવાનો કારસો ઘડાઇ રહ્યો છે. તેમના મૂળભૂત માનવી હક્કો છીનવાઇ રહ્યા છે. આ પાર્શ્વભૂમિ પર પોતાને ન્યાય મળે અને જળ, જંગલ તતા જમીન બચાવવા માટે આદિવાસીઓ શુક્રવારે આઝાદ મેદાન પર એકઠા થશે. બાન્દ્રા-કુર્લા-સીપ્ઝ મેટ્રો 3ના માર્ગમાં આવતા આરે કારશેડના વિરોધમાં આરેના આદિવાસીઓ કોર્ટમાં લડાઇ લઢી રહ્યા છે. આરેમાં કારશેડ સહિત ઘણાં પ્રોજેક્ટ આવી રહ્યાં છે. તેથી આરે જંગલ નષ્ટ અને આદિવાસીઓનો જીવ જોખમમાં આવવાની શક્યતાઓ વર્તાઇ રહી છે. આ જ પરિસ્થિતિ મુંબઇના તમામા આદિવાસી વિસ્તારોની છે. આદિવાસીઓ આજે પણ મૂળભૂત સુવિધાઓ અને હક્કોથી વંચિત છે. આ માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ બનાવવામાં આવી છે. પણ એ માત્ર કાગળ પર જ છે. મૂખ્ય પ્રવાહથી લાંબા સમય સુધી આદિવાસી સમાજ દૂર હોવાથી તેમની પાસે કોઇ પણ દસ્તાવેજ નથી. તેથી તેમને યોજનાઓનો લાભ પણ મળતો નથી. આદિવાસી સમાજનું અસ્તિત્વ મૂશ્કેલીમાં મૂકાતા આખરે આ પ્રજા રસ્તા પર આવવા મજબૂર થઇ છે. થોડા દિવસ પહેલાં મુંબઇના આદિવાસી સમાજે પશ્ચિમ ઉપનગરના જિલ્લા અધિકારી કાર્યાલય પર મોર્ચો કાઢ્યો હતો. હવે તેઓ આઝાદ મેદાન પર પ્રદર્શન કરશે.