લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ, ટ્રેનસેવા પર અસર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મધ્ય રેલવેમાં ટેક્નિકલ ફેઈલ્યોરના વધતા કિસ્સાને કારણે ટ્રેનો દિવસે દિવસે મોડી પડી રહી છે, જેમાં સીએસએમટી પછી એલટીટીમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિશેષ બ્લોકને કારણે લાંબા અંતરની અમુક મેલ-એક્સપ્રેસ ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી રહી છે. આઠમીથી ૧૨મી નવેમ્બરની વચ્ચે અમુક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે, જેમાં થિરુવનંતપુરમ-એલટીટી નેત્રાવતી એક્સપ્રેસ (૧૬૩૪૬-૧૬૩૪૫)ને આઠથી અગિયારમી નવેમ્બરની વચ્ચે પનવેલથી ટર્મિનેટ કરવામાં આવી છે, જ્યારે પનવેલથી ઉપાડવામાં આવશે. આઠમીથી બારમી નવેમ્બરની વચ્ચે એલટીટી-મેંગલોર (૧૨૬૧૯-૧૨૬૨૦), બરેલી-એલટીટી એક્સપ્રેસ (૧૨, ૧૯, ૨૬ અને ત્રીજી ડિસેમ્બરની વીકલી) અને એલટીટી-કામાખ્યા એક્સપ્રેસ (૧૫, ૨૨, ૨૯ નવેમ્બર અને છઠ્ઠી અને ૧૩મી ડિસેમ્બર)ને થાણેમાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે, જ્યારે થાણેથી ઉપાડવામાં આવશે, એમ મધ્ય રેલવેએ જણાવ્યું હતું.
બુધવારે કલ્યાણથી સીએસએમટી જનારી લોકલ ટ્રેનો રદ કરવાથી સવારના પીકઅવર્સમાં મધ્ય રેલવેની લોકલ ટ્રેનસેવા પર અસર પડી હતી. સવારના ૨૦થી પચીસ મિનિટ ટ્રેન મોડી દોડવાને કારણે ટ્રેનોમાં પ્રવાસીઓની જોરદાર ભીડને કારણે ટ્રેનોમાં પ્રવાસ કરવામાં હાલાકી વધી રહી છે, પરંતુ પ્રશાસન ફક્ત આંખ આડા કાન કરી રહ્યું છે, એમ અંબરનાથના રહેવાસી મનીષ પાંડેએ જણાવ્યું હતું. મધ્ય રેલવેમાં ગુડ્સ ટ્રેનના ફેઈલ્યોરના કિસ્સા વધ્યા છે, તેથી ટ્રેનસેવા પર અસર પડી રહી છે, જે અંતર્ગત બુધવારે ગુડ્સ ટ્રેન ખોટકાવાને કારણે પીકઅવર્સમાં ટ્રેનસેવા પર અસર પડી હતી, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સીએસએમટીમાં ચાર પ્લૅટફૉર્મની લંબાઈ વધારવાનું કામકાજ હાથ ધરવામાં આવ્યું છે, જેથી સીએસએમટી-મડગાંવ એક્સપ્રેસને દાદરથી ટર્મિનેટ કરવામાં આવી છે. વધતા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામકાજને કારણે લાંબા અંતરની સાથે સબર્બનની ટ્રેનસેવા પર અસર પડી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.