મુંબઈ: સરકારી અધિકારીની મારપીટ કરવાના આરોપસર શિવસેનાના ભૂતપૂર્વ સાંસદ આનંદરાવ અડસુળ અને તેના ત્રણ સાથીદાર વિરુદ્ધ બિનદખલપાત્ર ગુનો નોંધવામાં આવ્યો હતો. આ પ્રકરણે હજી એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો નથી અને તપાસ કરવામાં આવી રહી છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
બિનદખલપાત્ર ગુનામાં પોલીસ વોરન્ટ વિના આરોપીની ધરપકડ નહીં કરી શકે અને અદાલતની પરવાનગી વિના તપાસ નહીં કરી શકે.
મહારાષ્ટ્ર મંત્રાલય કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના વાઇસ ચેરમેન મહેબૂબ પઠાણે (૫૮) પોતાની ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે મંગળવારે બપોરે તેની ઓફિસમાં આનંદરાવ અડસુળ અને તેમના ત્રણ સાથીદાર આવ્યા હતા અને ક્રેડિટ સોસાયટીના બોર્ડ પરના ડિરેક્ટર તરીકે બે જણને નિયુક્ત કરવાની માગણી કરી હતી.
પઠાણે તેમને છ મહિના રાહ જોવાનું કહ્યું હતું. અડસુળે બાદમાં પઠાણને ક્રેડિટ સોસાયટીના દરેક કર્મચારી પાસેથી રૂ. ૪૫ એકઠા કરવા અને પોતાના યુનિયનને નામે ચેક આપવાનું જણાવ્યું હતું. પઠાણે આવું કરવાનો ઇનકાર કરતાં અડસુળ અને તેના સાથીદારોએ પઠાણ પર પાણીની બોટલ ફેંકી હતી. તેની મારપીટ કરી હતી અને ધમકી પણ આપી હતી.
આ ઘટના બાદ પઠાણે મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં જઇને ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે અડસુળ સહિત ચાર જણ સામે બિનદખલપાત્ર ગુનો નોંધવામાં આવ્યો હતો. (પીટીઆઇ)