બોલિવૂડના દિગ્ગજ કલાકારોમાં અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્રની ગણના થાય છે. આ દિગ્ગજ કલાકારોએ પોતાના અભિનયથી મનોરંજન ક્ષેત્રે એક અલગ ઓળખ ઉભી કરી છે. તેમના સંબંધમાં એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક અજાણ્યા વ્યક્તિએ નાગપુર પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન, અભિનેતા ધર્મેન્દ્ર અને દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સહિત અનેક મહાનુભાવોના ઘરોને ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ ફોન આવ્યા બાદ માત્ર પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. નાગપુર પોલીસે તરત જ આ મામલે મુંબઈ પોલીસને તમામ માહિતી આપી હતી. અજાણ્યા વ્યક્તિએ એવી ધમકી પણ આપી હતી કે 25 લોકો દાદર પહોંચી ગયા છે અને હુમલાની યોજના બનાવી રહ્યા છે. આ ફોન કોલ બાદ નાગપુર પોલીસ આ મામલે FIR નોંધવાની તૈયારી કરી રહી છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. જોકે, એમ કહેવામાં આવી રહ્યું છે કે આ ખોટી ધમકી છે, પણ પોલીસ કોઇ જોખમ ઉઠાવવા નથી માગતી. આ પહેલીવાર નથી જ્યારે મુકેશ અંબાણીને ધમકી મળી હોય, આ પહેલા ઓગસ્ટ 2022માં એન્ટિલિયામાં બોમ્બની ધમકી મળી હતી.
ગઈકાલે જ, સુપ્રીમ કોર્ટે દેશ અને વિદેશમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પરિવારના સભ્યોને ઉચ્ચતમ સ્તરની Z+ સુરક્ષા પ્રદાન કરવાનો આદેશ આપ્યો હતો. તો હવે જોવાનું એ રહેશે કે અભિનેતા અમિતાભ બચ્ચન , અભિનેતા ધર્મેન્દ્રની સુરક્ષા માટે સરકાર શું પગલાં ભરે છે.