(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પ્રજાસત્તાક દિનની ઉજવણી વિનાવિઘ્ને શાંતિપૂર્ણ પાર પડે તેના માટે મુંબઈ પોલીસે શહેરભરમાં ‘ઑપરેશન ઑલ આઉટ’ હાથ ધર્યું હતું. મંગળવારની મોડી રાતે પોલીસે શહેરમાં 202 સ્થળે કૉમ્બિંગ ઑપરેશન હાથ ધરી 151 આરોપીની ધરપકડ કરી હતી.
ઑપરેશન ઑલ આઉટમાં શહેરનાં પાંચેય રિજનના એડિશનલ કમિશનર, દરેક ઝોનના ડીસીપી, 28 ડિવિઝનલ એસીપી અને દરેક પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર સહિત ઈન્સ્પેક્ટર અને પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. ઑપરેશન દરમિયાન 844 હોટેલ, લોજમાં તપાસ કરવામાં આવી હતી.
અધિકારીના જણાવ્યા મુજબ ફરાર 51 આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા. બિનજામીનપાત્ર વૉરન્ટ ઈશ્યુ કરાયા હોય તેવા 100 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી. એ સિવાય ડ્રગ્સ ખરીદનારા-વેચનારા, ગેરકાયદે શસ્ત્રો રાખનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.
ગેરકાયદે દારૂનું વેચાણ તેમ જ જુગારનાં 70થી વધુ સ્થળો પણ રેઇડ કરી આવા અડ્ડાઓનો નાશ કરવામાં આવ્યો હતો. રેકોર્ડ પરના 926 આરોપીને તપાસવામાં આવ્યા હતા, જેમાંથી 331 જણ સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
દરમિયાન શહેરમાં 111 સ્થળે નાકાબંધી કરવામાં આવી હતી, જેમાં મોટર વેહિકલ ઍક્ટ હેઠળ 2,568 વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. એ સિવાય ડ્રન્ક ઍન્ડ ડ્રાઈવ બદલ કેટલાક ડ્રાઈવરોને દંડવામાં આવ્યા હતા.