Homeઆમચી મુંબઈમુંબઈ ડેવલપરોની જાગીર નથી: MUMBAI HIGH COURT

મુંબઈ ડેવલપરોની જાગીર નથી: MUMBAI HIGH COURT

એસઆરએ લોકકલ્યાણ માટે છે
મુંબઈ: પરાના એસઆરએ (સ્લમ રિહેબિલિટેશન એક્ટ)ના પ્રોજેક્ટને લેણાં નીકળતા 11 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ બે ડેવલપરને આપી બોમ્બે હાઈ કોર્ટે જણાવ્યું છે કે મુંબઈ કંઈ ડેવલપરોની જાગીર નથી અને એસઆરએનો હેતુ લોકકલ્યાણ માટે કામ કરવાનો હોય, નહીં કે ડેવલપર માટે.
ન્યાયમૂર્તિઓ ગૌતમ પટેલ અને નીલા ગોખલેની બનેલી ડિવિઝન બેન્ચ દ્વારા આ નિરિક્ષણ સોમવારે કરવામાં આવ્યું હતું. સોસાયટી રિડેવલપમેન્ટ માટે નિયુક્ત કરવામાં આવેલા બે ડેવલપર 2019થી વૈકલ્પિક રહેઠાંણ માટે ભાડું નહીં ચૂકવી રહ્યા હોવા અંગેની શ્રી સાંઈ પવન એસઆરએ કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ દ્વારા કરવામાં આવેલી પિટિશનની સુનાવણી દરમિયાન બેન્ચએ ઉપરોક્ત નિરિક્ષણ કર્યા હતા. આફકોન્સ ડેવલપર્સ લિમિટેડ અને અમેય હાઉસિંગ પ્રાઇવેટ લિમિટેડને મુંબઈના પરા વિસ્તાર જોગેશ્ર્વરીના એસઆરએ પ્રોજેક્ટ માટે કો – ડેવલપર્સ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
2019થી પ્રોજેક્ટમાં ફ્લેટ મેળવવા પાત્ર 300થી વધુ લોકોને વૈકલ્પિક રહેઠાંણ માટે ભાડું નથી ચૂકવવામાં આવ્યું. 300માંથી 17 જણને વૈકલ્પિક રહેઠાણ (ટ્રાન્ઝિટ એકોમોડેશન)માં રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી અને એટલે તેમને ભાડું ચૂકવવામાં નહોતું આવતું. જોકે, આ રહેઠાણ જર્જરિત અવસ્થામાં હતા. બાકીના 230ને 2019થી ભાડાની રકમ નથી મળી અને એની વ્યવસ્થા તેમણે જાતે કરવી પડે છે. અદાલતના કહેવા અનુસાર ક્યારેય અંત નહીં આવે એવા આર્બિટ્રેશનમાં બંને ડેવલપરો અટવાયા છે અને સાઈટ પર કોઈ કામકાજ નથી થઈ રહ્યું. ‘આ શહેર ડેવલપરોની જાગીર નથી. એસઆરએ કાયદો પણ ડેવલપરો માટે નથી. એસઆરએ તો લોકકલ્યાણ માટે છે જે ડેવલપરોની મદદથી કરવાનું હોય છે,’ એમ કોર્ટે નોંધ્યું છે.
કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે પ્રોત્સાહન તરીકે ડેવલપરને જે ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (એફએસઆઈ) મળે છે એટલું બાંધકામ કરી એનું વેચાણ કરવાનો ડેવલપરોનો અધિકાર છે પણ કરાર મુજબની જવાબદારી પૂરી કર્યા પછી એ લાભ તેમને મળવો જોઈએ. ‘આ જવાબદારી માત્ર બિલ્ડિંગનું નવેસરથી બાંધકામ જ કે કમર્શિયલ અને રહેઠાંણ ધરાવતા લોકોના પુનવસવાટ માટે બાંધકામ પૂરતી મર્યાદિત નથી, પણ વૈકલ્પિક રહેઠાંણ માટે ભાડાની ચૂકવણી અથવા રહેવા લાયક જગ્યા ફાળવવાનો પણ આમાં સમાવેશ થાય છે,’ એમ પણ જણાવાયું છે. જો કોઈ ડેવલપર સમયસર આ જવાબદારી પૂર્ણ ન કરે એને સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટ હેઠળના બાંધકામના વેચાણના લાભથી વંચિત રહેવું પડે એમ પણ કોર્ટે નોંધ્યું હતું.
ડેવલપરનો કરાર રદ કરવાની અને નવા ડેવલપરની નિયુક્તિ કરવા અંગે પણ અદાલતે ચેતવણી ઉચ્ચારી હતી. ‘ડેવલપર બદલી શકાય, પણ એસઆરએ પ્રોજેક્ટના લાભાર્થીઓ એ જ રહે. જો બંને ડેવલપર આ પ્રોજેક્ટ પૂરો કરવા ઉત્સુક હોય અને પોતાના હક જાળવી રાખવા માંગતા હોય તો ત્રીજી માર્ચ સુધીમાં એમને વૈકલ્પિક રહેઠાંણના ભાડાની લેણી નીકળતી 11 કરોડ રૂપિયાની રકમ ચૂકવી દેવી જોઈએ’ એમ જણાવવામાં આવ્યું છે.

(પીટીઆઈ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -