મુંબઈગરા પાસેથી રૂ. ૫,૫૭૫ કરોડનો પ્રોપર્ટી ટૅક્સ વસૂલ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની આવકનો મુખ્ય સ્ત્રોત ગણાતા પ્રોપર્ટી ટૅક્સના માધ્યમથી ૨૦૨૨-૨૩ના આર્થિક વર્ષમાં ૫,૫૭૫ કરોડ રૂપિયાની આવક થઈ છે. પાલિકાએ ૪,૮૦૦ કરોડ રૂપિયાનો લક્ષ્યાંક રાખ્યો હતો, તેની સરખામણીમાં લગભગ ૭૭૫ કરોડ રૂપિયા એટલે કે ૧૬.૧૪ ટકા વધુ મહેસૂલ કરના માધ્યમથી વસૂલ કરવામાં સફળ રહી હતી.
જકાત બંધ થયા બાદ પાલિકાની આવકનો મુખ્ય સ્ત્રોત પ્રોપર્ટી ટૅક્સ ગણાય છે. ગયા વર્ષની સરખામણીમાં આ વખતે પ્રોપર્ટી ટૅક્સ વધુ વસૂલ થાય તે માટે આખું વર્ષ પાલિકાએ પ્રયાસ કર્યા હતા, તેના ફળરૂપે ૩૧ માર્ચ, ૨૦૨૩ના મધરાત ૧૨ વાગ્યા સુધીના આર્થિક વર્ષમાં ૫ હજાર ૫૭૫ કરોડ ૪૪ લાખ રૂપિયા વસૂલ થઈ શક્યા હતા.
પાલિકાએ ૨૦૨૨-૨૩ના આર્થિક વર્ષ માટે ૪,૮૦૦ કરોડનો લક્ષ્યાંક રાખ્યો હતો, તેના કરતા સાડાસાતસો કરોડ રૂપિયા વધુ એટલે કે કુલ ૫,૫૭૫ કરોડ રૂપિયાનો ટેક્સ વસૂલ કરવામાં સફળ રહી હતી.
નોંધનીય છે કે કેપિટલ વેલ્યૂ આધારિત પ્રોપર્ટી ટૅક્સ સિસ્ટમનો નિર્ણય મુંબઈ મહાનગરપાલિકાના વિરોધમાં જવાથી ૨૦૧૫થી વસૂલ કરેલા મહેસૂલમાંની કરની રકમ કરદાતાઓને પાછી કરવી પડી હતી. તેથી અનેક કરદાતાઓના કરના પૈસા આ પહેલા વસૂલ કરેલા રકમમાંથી એડજસ્ટ કરવામાં આવી રહ્યા છે. તેથી આ વર્ષે નિશ્ર્ચિત રકમ વસૂલ થશે કે એવો પાલિકાને ડર હતો. જોકે ભારે જહેમતને પગલે પાલિકા વધારાના ૭૭૫ કરોડ રૂપિયા વસૂલ કરવામાં સફળ રહી હતી.