મુંબઈમાં હવાના પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા ઍક્શન પ્લાન
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં અનેક મહિનાથી પ્રદૂષણનું સ્તર અત્યંત જોખમી સ્તરે નોંધાઈ રહ્યું છે. વાતાવરણમાં સતત વધી રહેલા પ્રદૂષણને કારણે બીમારીનું પ્રમાણ પણ વધી રહ્યું છે ત્યારે રહી રહી મુંબઈ મહાનગરપાલિકા જાગી છે. મુંબઈમાં વધી રહેલા પ્રદૂષણ માટે જવાબદાર હવામાં રહેલી ધૂળને નિયંત્રણમાં લાવવા માટે સાત દિવસમાં અહેવાલ રજૂ કરવાનો આદેશ મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલે આપ્યો છે. પહેલી એપ્રિલ, ૨૦૨૩થી ધૂળ નિયંત્રણ ઉપાય યોજનાને અમલ મુકાશે. નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે આકરી કાર્યવાહી કરવાની ચીમકી કમિશનરે આપી છે.
મુંબઈ મહાનગર સહિત મુંબઈ મેટ્રોપોલિટન રિજન ઍરિયામાં મોટા પ્રમાણમાં વિકાસકામ સહિત બાંધકામ ચાલી રહ્યા છે. એ સિવાય વાતાવરણમાં સતત ફેરફાર થઈ રહ્યા છે, તેને કારણે તેની ગુણવત્તાને પણ અસર થઈ રહી છે.
તેને ધ્યાનમાં રાખીને પ્રદૂષણ માટે ધૂળ એ મુખ્ય કારણ જવાબદાર હોઈ તેના પર નિયંત્રણ લાવવા માટે એડિશનલ કમિશનર ડૉ. સંજીવ કુમારના અધ્યક્ષતામાં સાત સભ્યોની સમિતિની સ્થાપના કરવામાં આવી છે. કમિશનરના જણાવ્યા મુજબ આ સમિતિ સાત દિવસમાં અહેવાલ રજૂ કરશે અને તેના આધારે પહેલી એપ્રિલ, ૨૦૨૩થી મુંબઈ મહાનગરપાલિકા વિસ્તારમાં ઉપાયયોજના તાત્કાલિક ધોરણે સખતાઈપૂર્વક અમલમાં મુકાશે, તેનું ઉલ્લંઘન કરનારા પર બાંધકામ રોકવા સહિત અન્ય સખત પગલાં લેવામાં આવશે એવા નિર્દેશ પણ મનપા કમિશનર અને પ્રશાસક ઈકબાલસિંહ ચહલે આપ્યા છે.