(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઈસ્ટર્ન અને વેસ્ટર્ન હાઈવે તાબામાં લીધા બાદ પહેલી વખત મુંબઈ મહાનગરપાલિકા આ બંને હાઈવે પર આવેલી ગટરો અને કલ્વર્ટ સાફ કરવાની છે. મુંબઈ મનપાએ તે માટે ગુરુવારે ટેન્ડર બહાર પાડ્યા હતા
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ) પાસે અત્યાર સુધી ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેની જવાબદારી હતી. પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે બે મહિના પહેલા બોમ્બે હાઈ કોર્ટમાં વિનંતી કરી હતી કે આ મહત્ત્વના બંને હાઈવેની જવાબદારી પાલિકાને સોંપી દો. ત્યારબાદથી એમએમઆરડીએ દ્વારા ૨૯ નવેમ્બરના આ રસ્તાઓ પાલિકાના નિયંત્રણ હેઠળ આવી ગયા છે. તેથી આ હાઈવે પર રહેલી ગટરો અને કલ્વર્ટ સાફ કરવાની જવાબદારી પાલિકાના શિરે છે.
પાલિકાના નિયંત્રણ હેઠળ હવે ૨૫.૨૩ કિલોમીટર લાંબા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેની જવાબદારી છે, જે માહિમથી દહીંસર ચેકનાકા સુધી વિસ્તારાયેલો છે. જ્યારે ૧૮.૭૫ કિલોમીટર લાંબો ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે સાયનથી મુલુંડ ચેકનાકા સુધી આવેલો છે.
ગટરો અને કલ્વર્ટની સફાઈને કારણે ચોમાસામાં ભરાતા પાણીને લઈને પાલિકા અને એમએમઆરડીએ વચ્ચે હંમેશાથી વિવાદ રહેલો છે. ગયા વર્ષે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર આવેલા ૩૧ કલ્વર્ટ અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર આવતા ૧૬ ગટર અને કલ્વટરને લઈને પાલિકાએ સવાલ કર્યા હતા.
છેવટે હવે જોકે પાલિકાના નિયંત્રણમાં ઈસ્ટર્ન અને વેસ્ટર્ન હાઈવે આવી ગયા છે. તેથી પાલિકા હવે હાઈવે પર આવેલા ગટર સાફ કરવાની છે. તે માટે ટેન્ડર બહાર પાડ્યા છે, જેમાં કૉન્ટ્રેક્ટરે હાઈવે પર આવેલા નાના-મોટા નાળા આખા વર્ષ તે સાફ કરવાના રહેશે. લગભગ ૪૬ કરોડ રૂપિયાના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. આ કામ માર્ચ ૩૧ માર્ચ, ૨૦૨૪ સુધી કરવામાં આવશે.