છેલ્લાં ઘણાં સમયથી મુંબઇ સહિત મહારાષ્ટ્રની અનેક મહાનગર પાલિકાની ચૂંટણી તારીખોની રાહ જોઇને બેઠી છે. આ બધા વચ્ચે હાલમાં જ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઇ સહિત મહાનગર પાલિકાની ચૂંટણી ઓક્ટબર-નવેમ્બરમાં થશે એવું મહત્વનું વિધાન કર્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પૂણે ભાજપના જગદિશ મૂળીક દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં બોલતી વખતે દેવેન્દ્ર ફડણવીસે મહાનગર પાલિકાની ચૂંટણી અંગે વિધાન કર્યું હતું. આ પ્રશ્ન હાલમાં ન્યાયાલય પાસે હોવાથી ફડણવીસ દ્વારા કરવામાં આવેલ આ વિધાનને કારણે રાજ્ય સરકારની ભૂમિકા પણ મહદઅંશે સ્પષ્ટ થાય છે એમ કહેવાઇ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં દોઢ વર્ષથી મહાનગર પાલિકાની ચૂંટણી તારીખોની રાહ જોઇ રહી છે.
મુંબઇ મહાનગર પાલિકાના વોર્ડની ફેર રચનાના મુદ્દે શિવસેના ઠાકરે જૂથ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જે અંગે આ અઠવાડિયામાં સુનાવણી થવાની શક્યતાઓ છે. ઉચ્ચ અદાલતે શિવસેના ઠાકરે જૂથના પૂર્વ નગરસેવક રાજૂ પેડણેકર અને સમીર દેસાઇની અરજી ફગાવી દેતાં શિવસેના ઠાકરે જૂથે સર્વોચ્ચ ન્યાયાલયમાં જવાનો નિર્ણય લીધો હતો. મુંબઇ મહાનગર પાલિકાના વોર્ડની સંખ્યા રાજ્ય સરકારે 236 પરથી 227 કરતાં શિવસેના ઠાકરે જૂથે ઉચ્ચ ન્યાયાલયનો રસ્તો પકડ્યો હતો.
રાજ્યની અનેક નગરપરિષદોમાં વધારવામાં આવેલ નગરસેવકોની સંખ્યા કાયમ રાખવામાં આવી છે માત્ર મુંબઇ મહાનગર પાલિકાના નગરસેવકોની સંખ્યા ઓછી કરવાનો રાજ્યસરકારનો નિર્ણય ભેદભાવ કરનારો છે તેવો શિવસેના ઠાકરે જૂથનો આક્ષેપ છે.
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીનો વિવાદ સર્વોચ્ચ ન્યાયાલયમાં હોવાથી તેની સુનાવણી સતત લંબાઇ રહી છે. આ કિસ્સામાં છેલ્લો નિર્ણય સુપ્રીમ કોર્ટે 28 જૂલાઇ, 2022માં આપ્યો હતો. આ જ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ઓબીસીના રાજકીય આરક્ષણને પરવાનગી આપી હતી. પરંતુ ત્યાર બાદ 92 નગરપિરષદોનો પ્રશ્ન કોર્ટમાં પેન્ડીંગ હતો. ત્યાર બાદ રાજ્યમાં સત્તા બદલાઇ.
નવી સરકાર રચાયા બાદ 4 ઓગષ્ટ 2022ના રોજ ચૂંટણી અને પ્રભાગ રચના બાબતે વટહૂકમ બહાર પાડવામાં આવ્યો. અને ત્યાર બાદ આ મુદ્દો સર્વોચ્ચ ન્યાયાલય પાસે ગયો હતો. ત્યારે હવે મુંબઇ સહિત બાકી તમામ મહાનગર પાલિકાની ચૂંટણી ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાય તેવી શક્યાતાઓ વધી ગઇ છે.