(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં સોમવારની સાથે સાથે મંગળવારે તાપમાનનો પારો જોરદાર ઉંચકાયો હતો. સવારના અગિયાર વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધી આકરી ગરમીનો લોકોએ અનુભવ કરવો પડ્યો હતો. મુંબઈમાં આગામી બે દિવસ તાપમાનમાં વધારો થયો છે, જેમાં પશુપક્ષીઓ અને પશુઓને પીવાનું પાણી મળે રહે તેની તકેદારી રાખવાનું જરુરી છે. હવામાન ખાતાએ પણ આગાહી કરી હતી ગુરુવાર સુધીમાં તાપમાનનો પારો 37થી 38 ડિગ્રીને પાર થઈ શકે છે, જ્યારે સરેરાશ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થઈ શકે છે. મંગળવારે દિવસભર જાહેર સ્થળો જેમ કે ગેટ વે ઓફ ઈન્ડિયા, મરીન ડ્રાઈવ સહિત મહત્ત્વના રેલવે સ્ટેશનોએ પણ નાગરિકોની ઓછી સંખ્યા જોવા મળી હતી. બપોરના બેથી ત્રણ વાગ્યાની વચ્ચે લોકોએ અવરજવર કરવાનું ટાળ્યું હતું, જ્યારે તાપમાં અવરજવર કરનારા લોકો પરસેવે રેબઝેબ થવાનો લોકોને આજે અનુભવ થયો હોવાનું જણાવ્યું હતું.

આ મુદ્દે હવામાન ખાતાના અધિકારીએ કહ્યું હતું કે માર્ચ મહિનાના અંતથી માર્ચ મહિનાના અંતમાં લોકોએ પશ્ચિમી પવનોને કારણે હળવી ઠંડીનો અનુભવ કર્યો હતો, જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો, પરંતુ હવે આપણે પૂર્વીય પવનોનો સામનો કરી રહ્યા છીએ જેથી ગરમીમાં વધારો થઈ રહ્યો છે. હાલની પરિસ્થિતિ સામાન્ય છે, પરંતુ એપ્રિલ અને મે મહિનામાં ઉચ્ચ ભેજ અનુભવે છે જે તાપમાનમાં વધારો કરે છે, એવું અધિકારીએ જણાવ્યું હતું. અહીં એ જણાવવાનું કે સોમવારે મુંબઈમાં લઘુત્તમ તાપમાન 25.8 ડિગ્રી સેલ્સિયસ અને સાન્તાક્રુઝમાં મહત્તમ 36.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કોલાબામાં લઘુત્તમ તાપમાન 26.0 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ 34.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.