(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ઘાટકોપર-વર્સોવા વચ્ચેની મેટ્રો (વન) લાઈનની ટ્રેન લગભગ પોણો કલાક સુધી ખોટકાઈ હતી, પરિણામે ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં પ્રવાસીઓને હાલાકી પડી હતી. મુંબઈની સૌથી પહેલી મેટ્રો લાઈનમાં સૌથી વધારે પ્રવાસીઓ ટ્રાવેલ કરે છે. મુંબઈ મેટ્રો વનની સર્વિસને બપોરના સુમારે ઈલેક્ટ્રિકલ કન્વર્ટરના યુનિટમાં ખામી સર્જાયા પછી ટ્રેનસેવા પર અસર પડી હતી.
બુધવારે બપોરના 4.45 વાગ્યાના સુમારે ટેક્નિકલ સમસ્યા ઊભી થવાને કારણે સમગ્ર સેક્શનની અપ એન્ડ ડાઉન લાઈનની ટ્રેનસેવા પર અસર પડી હતી. અસલ્ફા સ્ટેશન પર એક ખોટકાયેલી મેટ્રો ટ્રેનની સર્વિસને રદ કરવામાં આવી હતી, જ્યારે વચ્ચેથી અટકેલા પ્રવાસીઓ માટે બીજી ટ્રેન મારફત તેમને અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા. મેજર ઈલેક્ટ્રિક સમસ્યાને કારણે મેટ્રો સ્ટેશનના ગેટ બંધ કરવાની નોબત આવી હતી.
મેટ્રો સ્ટેશન પર વધારે પ્રવાસીઓની ભીડ ઊભી થાય નહીં તેના માટે દરવાજા બંધ કરવામાં આવ્યા હતા. જોકે, 5.30 વાગ્યાના સુમારે મેટ્રો સર્વિસ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવી હોવાનો પ્રશાસન દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. પીક અવર્સમાં ટ્રેનસેવા ચાલુ થયા પછી ટ્રેનોમાં પેસેન્જરની જોરદાર ભીડ જોવા મળી હતી.
મેટ્રો ટ્રેનની સર્વિસ ખોટકાયા પછી પ્રવાસીઓને વૈકલ્પિક રુટ પર ટ્રાવેલ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો, જ્યારે સાંજના સાડાપાંચ પછી ટ્રેન સર્વિસ ચાલુ કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ અગાઉ 14મી માર્ચના પણ મેટ્રો ટ્રેનના દરવાજામાં ટેક્નિકલ સમસ્યા ઊભી થવાને કારણે ટ્રેનસેવા પર અસર પડી હતી, જેથી અનેક સર્વિસને રદ કરવાની ફરજ પડી હતી. ઘાટકોપરથી વર્સોવા વચ્ચેની મેટ્રો લાઈન 45 મિનિટ ખોટકાઈ હોવા છતાં ટ્રેનની સર્વિસ રાબેતા મુજબ થવામાં સમય લાગ્યો હતો, જેથી પ્રવાસીઓને બપોરના સમયે ટ્રાવેલ કરવામાં હાલાકી પડી હતી, એમ એક ઘાટકોપરના રહેવાસીએ જણાવ્યું હતું.