(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મુંબઈ મેટ્રોમાં બે નવા કોરિડોરમાં મેટ્રો ચાલુ કરવામાં આવ્યા પછી નવા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. પ્રવાસીઓની સંખ્યામાં વધારાની સાથે તેની આવકમાં પણ વધારો થયો છે, એમ સત્તાવાર જણાવાયું હતું. બીજી એપ્રિલ, 2022માં પહેલા તબક્કામાં મેટ્રો લાઈનમાં ટ્રેન ચાલુ કરવામાં આવી હતી. ત્યાર બાદ બીજા તબક્કામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ બંને કોરિડોરના બાકી લાઈનમાં મેટ્રો ટ્રેન ચાલુ કરી હતી.
મેટ્રો લાઈનના પહેલા તબક્કામાં ટ્રેનસેવા ચાલુ કરવામાં આવી ત્યારે રોજના 35,000થી વધુ પ્રવાસી મુસાફરી કરી હતા. બીજા તબક્કા (મેટ્રો-ટૂએ અને સેવન)નું જાન્યુઆરી, 2023માં સંપૂર્ણ કોરિડોર ચાલુ કરવામાં આવ્યા પછી આ બંને કોરિડોરમાં મળીને રોજના 1.6 લાખથી વધુ પ્રવાસી ટ્રાવેલ કરે છે. એક વર્ષના સમયગાળામાં આ બંને કોરિડોરમાં કુલ મળીને બે કરોડથી વધુ લોકો ટ્રાવેલ કરી ચૂક્યા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પ્રવાસીઓની સુવિધા માટે નિયમિત રીતે મેટ્રોની ફેરી પર ધ્યાન રાખવામાં આવે છે, જ્યાં રોજના 172 ટ્રિપ્સ દોડાવવામાં આવી રહી છે. મેટ્રોમાં પ્રવાસીઓની સુવિધા અને સુરક્ષા માટે તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે. મેટ્રોની ટિકિટ માટે પણ મુંબઈ-વન નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (એનસીએમસી) બહાર પાડવામાં આવ્યું છે, જેમાં 81,000થી વધુ લોકો ઉપયોગ કરી ચૂક્યા છે.
મેટ્રોમાં રોજના 1.60 લાખ પ્રવાસી મુસાફરી કરે છે, જે એક મોટી સિદ્ધિ છે, જે આગામી દિવસોમાં પ્રવાસીઓની સંખ્યા વધારો થઈ શકે છે, એવો અધિકારીએ દાવો કર્યો હતો. મુંબઈગરા માટે આ બંને નવી લાઈનની સુવિધા ઉપયોગી સાબિત થઈ છે, જેમાં અમુક પ્રવાસી સાઈકલ લઈને પણ પ્રવાસ કરી રહ્યા છે, જેથી તે શોર્ટ ડિસ્ટન્સમાં સાઈકલ લઈને અવરજવર કરી શકે છે, એવું પણ અધિકારીએ જણાવ્યું હતું.