(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઉત્તર ભારતમાંથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનોને કારણે મુંબઈગરા કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. રવિવારે મુંબઈમાં તાપમાન ૧૩.૮ ડિગ્રી નોંધાયું હતું. તો હિલ સ્ટેશન મહાબળેશ્ર્વરમાં લઘુતમ તાપમાન ૧૩.૭ ડિગ્રી નોંધાયું હતું. મુંબઈ અને મહાબળેશ્ર્વર બંનેમાં લગભગ સરખા તાપમાન નોંધાતા મુંબઈ પણ જાણે હિલ સ્ટેશન બની ગયું હોય એવો અનુભવ મુંબઈગરાને થયો હતો.
મુંબઈમાં સમગ્ર દિવસ દરમિયાન ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા હોવાને કારણે લોકોને શાલ-સ્વેટરને કબાટમાંથી બહાર કાઢવા પડ્યા હતા. રવિવારનો દિવસ મોસમનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. આગામી એકાદ-બે દિવસમાં તાપમાન હજી નીચું જવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.
મુંબઈ સહિત રાજ્યમાં હાલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં પણ સૌથી નીચું તાપમાન જળગાંવમાં ૭.૮ ડિગ્રી નોંધાયું હતું. છેલ્લા ચાર-પાંચ દિવસથી મુંબઈમાં તાપમાનનો પારો સતત નીચે ઊતરી રહ્યો છે. મહત્તમની સાથે જ લઘુતમ તાપમાનનો પણ ઘટાડો થઈ રહ્યો છે. મુંબઈમાં પશ્ર્ચિમ ઉપનગરમાં મોટાભાગના વિસ્તારમાં ૧૨ ડિગ્રીની આસપાસ તો બોરીવલીમાં સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં લગભગ ૧૦ ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું હતું.
વહેલી સવારે મોર્નિંગ વૉક માટે જનારા લોકોને પણ ભારે ઠંડીનો અનુભવ થયો હતો. રવિવારે દિવસ દરમિયાન કોલાબામાં મહત્તમ તાપમાન ૨૬.૪ ડિગ્રી અને સાંતાક્રુઝમાં ૨૭.૪ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે કોલાબામાં લઘુતમ તાપમાન ૧૬.૨ ડિગ્રી અને સાંતાક્રુઝમાં ૧૩.૮ ડિગ્રી નોંધાયું હતું.
ગયા અઠવાડિયામાં ઉત્તર કોંકણ અને ઉત્તર-મધ્ય મહારાષ્ટ્રમાં પણ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. ત્યારે જોકે મુંબઈગરાને ઠંડીનો અનુભવ થયો નહોતો. હવે અઠવાડિયા બાદ મુંબઈમાં પણ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હવામાન ખાતાના કહેવા મુજબ ઉત્તર ભારતમાં હિમાલયમાં બરફ-વર્ષા થઈ રહી છે અને ત્યાંથી ઠંડા પવનો મુંબઈ સહિત મહારાષ્ટ્ર તરફ ફૂંકાઈ રહ્યા છે. તેથી મુંબઈમાં હાલ ઠંડી પડી રહી છે. અઠવાડિયાનો પહેલો દિવસ પણ ઠંડો રહેશે અને ત્યાર બાદ ધીમે ધીમે તાપમાનનો પારો ઊંચો જશે.
———–
દિલ્હી કરતા મુંબઈની હવા વધુ પ્રદૂષિત
મુંબઈ ફરી એક વખત ઝેરી ગૅસની ચેમ્બર બની રહ્યું છે. રવિવારે મુંબઈમાં હવાની ગુણવત્તા એકદમ કથળી ગઈ હતી. ઠંડી વધવાની સાથે જ મુંબઈમાં હવાનું પ્રદૂષણ પણ વધી ગયું હતું. દિવસ દરમિયાન નવી મુંબઈનો સરેરાશ ઍર ક્વોલિટી ઈન્ડેકસ ૩૫૩ તો મુંબઈનો સરેરાશ ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ૨૯૦ રહ્યો હતો, જ્યારે
દિલ્હીનો ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ૧૯૩ રહ્યો હતો. એટલે દિલ્હી કરતા પણ નવી મુંબઈ અને મુંબઈની હવા ઝેરીલી રહી હતી. પૂરા મુંબઈમાં સૌથી વધુ પ્રદૂષણ બીકેસીમાં રહ્યું હતું. અહીં ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ૩૫૪ રહ્યો હતો. કોલાબામાં ૨૮૬, મઝગાંવમાં ૨૩૫, ચેંબુરમાં ૩૩૧ અને અંધેરીમાં એક્યુઆઈ ૩૦૭ રહ્યો હતો.