મુંબઈઃ મુંબઈની લાઈફ લાઈન ગણાતી લોકલ ટ્રેનમાં મહિલાઓનો પ્રવાસ વધુ સુરક્ષિત બન્યો છે અને આવું અમે નહીં પણ રેલવે દ્વારા આપવામાં આવેલા આંકડાઓને જોતા લાગી રહ્યું છે. આરપીએફ અને રેલવે પોલીસ દ્વારા બજાવવામાં આવેલા સંયુક્ત ઉપક્રમને કારણે આવું શક્ય બન્યું છે. મહત્ત્વની વાત એટલે મોટાભાગના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરવામાં પણ આરપીએફને સફળતા મળી છે.
2022માં મહિલા પ્રવાસીઓની સરિક્ષતતા માટે મેરી સહેલી, સ્માર્ટ અને લેડીઝ કોચમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવા જેવા વિવિધ ઉપક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. પરિણામે 2019ની સરખામણીએ આ વર્ષે ગુના ઓછા નોંધાયા હોવાની માહિતી આરપીએફના વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવી હતી. જાન્યુઆરીથી નવેમ્બર એમ 11 મહિનાના સમયગાળા દરમિયાન માત્ર 76 ગુનાની નોંધ થઈ હોઈ તેમાંથી 60 ગુનેગારોને પકડવામાં પોલીસને સફળતા મળી છે.
2019માં આ આંકડો 113 જેટલો હતો, જેમાંથી 97 કેસ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી અને કુલ 107 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
ઘટેલા ગુનેગારીના આંકડાઓ જોતા એવું કહી શકાય કે મહિલાઓ માટે લોકલ ટ્રેનનો પ્રવાસ વધુ સુરક્ષિત બન્યો છે.