મુંબઈ: પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા કથિત રીતે સાથીદાર પર હુમલો કરવામાં આવ્યો હોવાના મામલે બોરીવલીની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં સેંકડો વકીલો ગુરુવારે હડતાળ પર ઊતર્યા હતા, એવું એક અધિકારીએ જણાવ્યું હતું.
કોર્ટના બાર એસોસિયેશનના પ્રમુખ રાજેશ મોરેના જણાવ્યા અનુસાર પૃથ્વીરાજ ઝાલા નામના વકીલ મંગળવારે કાંદિવલી પોલીસ સ્ટેશનમાં પોતાના અસીલ સાથે ગયા બાદ એપીઆઈ અનંત ગીતે સાથે દલીલ થયા બાદ તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. કોઇ પણ કારણ વિના ગીતેએ અમારા વકીલને ચાર થપ્પડ મારી હતી અને તેમની સાથે ઉદ્ધત વર્તન કર્યું હતું.
એ જ દિવસે અમે પોલીસ સ્ટેશન ગયા હતા અને અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી હતી. અમે મુંબઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ મળ્યા હતા અને તેમના તરફથી એવી ખાતરી આપવામાં આવી હતી કે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે, એવું મોરેએ જણાવ્યું હતું.
વિરોધને યોગ્ય ઠેરવતાં મોરેએ કહ્યું હતું કે ગુરુવારે અમે કોર્ટમાં કામ બંધ કરી દીધું હતું. કોઇ પણ વકીલ કોઇ પણ કેસને હાથ ધરશે નહીં. અમે ઈચ્છીએ છીએ કે એપીઆઈ ગીતે સામે કાર્યવાહી કરવામાં આવે અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવામાં આવે. આ મામલાનો તપાસ અહેવાલ રજૂ ન થાય ત્યાં સુધી એપીઆઈ ગીતેને ડીસીપી ઝોન-૧૧ની ઓફિસનું કામ સોંપવામાં આવ્યું છે.
ગોરેગાંવ ડિવિઝનના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (એસીપી) દ્વારા આ મામલાની તપાસ હાથ ધરવામાં આવશે. જે સમયે ઘટના થઇ એ સમયે વકીલ ઝાલા સાદા વેશમાં હતા, એવું અધિકારીએ જણાવ્યું હતું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ.